દેશમાં ચણાની સરકારી ખરીદી ધીમી ગતિએ આગળ વધી રહી છે. સરેરાશ ચણાનાં બજાર ભાવ ટેકાનાં ભાવથી નીચે ચાલે છે, પંરતુ સરકાર દ્વારા ચાલુ વર્ષે ખેડૂતદીઠ ખરીદીની માત્રા ઘટાડી દેવામાં આવી હોવાથી કુલ ખરીદી ગત સપ્તાહ સુધીમાં માત્ર ૩૧૮૨૭ ટનની જ થઈ છે, જેમાં સૌથી મોટો હિસ્સો મહારાષ્ટ્ર અને ગુજરાતનો જ છે.
નાફેડ નાં સત્તાવાર આંકડાઓ મુજબ દેશમાં ૧૭મી માર્ચ સુધીમાં ચણાની કુલ ખરીદો ૩૧૮૨૭.૬૭ ટનની થઈ છે, જેમાંથી સૌથી વધુ ખરીદી મહારાષ્ટ્રમાંથી ૧૮૧૦૬.૬૭ ટનની કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં રાજ્યની ત્રણ વિવિધ એજન્સીઓ મારફતે અલગ-અલગ સેન્ટરમાંથી ખરીદીની પ્રક્રિયા ચાલુ છે.
ગુજરાતમાંથી સરકાર ૧ર૬૧૫ ટનની ખરીદી કરી…
મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાંથી સરકારે કુલ ૧૨૬૧૪.૮૦ ટન ચણાની ખરીદી કરી છે. ગુજરાતમાં નાફેડ વતી ગુજરાત પૂરવઠા નિગમ હારા ખરીદી કરવામાં આવી છે અને દરેક ખેડૂત દીઠ મહત્તમ ૫૦ મણની ખરીદી થઈ રહી હોવાથી ખરીદની પ્રક્રિયા ખૂબજ ધીમી ચાલે છે.
ગુજરાત ઉપરાંત નાફેડે આંધ્ર પ્રદેશમાંથી માત્ર ૧૧૧ ટન અને કરણાટકમાંથી ૯૯૫ ટન ચણાનાં ટેકાનાં ભાવ થી ખરીદી કરી છે. હોળી બાદ ખરીદીની પ્રક્રિયા વેગ પકડે તેવી સંભાવનાં જાણકાર વ્યક્ત કરી રહ્યાં છે.