ગુજરાતમાં કપાસના ભાવ અત્યાર સુધીમાં કયારેય ન જોયા તેટલાં ઊંચા ભાવ, કપાસ રાખવો કે વેચવો ?

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ખેડૂત જ્યારે કોઇપણ ખેતપેદાશનું વાવેતર કરે ત્યારે ભાવ હંમેશા ઊંચા હોય તેમાં કોઈ નવું નથી પણ હાલ કપાસના ભાવ અત્યાર સુધીમાં કયારેય ન જોયા તેટલાં ઊંચા બોલાઇ રહ્યા છે. ગયા અઠવાડિયા રાજકોટ, અમરેલી, સાવરકુંડલા માર્કેટયાર્ડની હરાજીમાં સારી કવોલીટીના કપાસના ભાવ રૂ.૧૭૦૦ ઉપર બોલાયા હતા જ્યારે જીનપહોંચ બેસ્ટ કપાસના ભાવ રૂ.૧૬૫૦ થી ૧૬૬૦ અને ગામડે બેઠા બેસ્ટ કપાસ કોઇ રૂ.૧૬૭૦થી નીચે વેચવા તૈયાર નહોતા.

સૌરાષ્ટ્રમાં કપાસ ના ભાવ :

સૌરાષ્ટ્રમાં હવે બે થી ચાર ટકા કપાસ ખેડૂતોના ઘરમાં પડયો હશે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર સિવાય કયાંય ઠામુકો કપાસ નથી. ઓણ સીઝન ચાલુ થઈ ત્યારે ખેડૂત કપાસના રૂ.૧૦૦૦ મેળવવા ફાંફા મારતો હતો પણ નાના ખેડૂતોના ઘરમાંથી જેવો કપાસ નીકળી ગયો કે તુરંત જ કપાસના ભાવ કૂદકેને ભુસકે વધવા લાગ્યા હતા. આવું દર વર્ષે થાય છે.

નાનો ખેડૂત દેવાના ડૂંગર તળે દબાયેલો હોય એટલે જે ખેતરમાં કંઇપણ પાકે ત્યારે બજારમાં વેચીને દેવા પૂરા કરવાનો હોય એટલે સંગ્રહ કરી શકતો નથી. આમ, જેવી નવી આવકો ચાલુ થાય ત્યારે બજાર સડસડાટ ઘટવા લાગે છે.

કપાસ ના ભાવ :

અત્યારે કપાસના ભાવ રૂ.૧૭૦૦ ઉપર બોલાય છે હજુ નવી આવક ચાલુ થાય તે પહેલા ત્રણ મહિના કાઢવાના હોઇ કપાસના ભાવ વધીને રૂ.૧૮૦૦ પણ થાય અને વરસાદ ખેંચાય તો રૂ.૨૦૦૦ પણ કપાસના ભાવ જોવા મળે તો નવાઈ પામવું નહીં કારણ કે ગુજરાત સિવાય બધા જ રાજ્યોમાં કપાસનું વાવેતર કપાયું છે.


ભારતમાં કપાસનું વાવેતર :

ઉત્તર ભારતમાં પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં કપાસનું વાવેતર કરવાનો સમય વીતી ગયો હોઇ હવે કપાસનું વાવેતર વધી શકે તેમ નથી. વળી ઉત્તર ગુજરાતના ખેડૂતોને કપાસ કાઢીને બટાકાનું વાવેતર કરવાનું હોઇ ત્યાં પણ હવે કપાસનું વાવેતર નહીં થાય. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં સોયાબીનના વાવેતરનું આકર્ષણ મોટું હોઇ આ ચારેય રાજ્યોના ખેડૂતો કપાસને બદલે સોયાબીન તરફ વળ્યા છે.

દેશમાં કપાસનું વાવેતર :

દેશના તમામ રાજ્યોમાં જ્યાં હજુ સુધી વાવણી લાયક વરસાદ પડ્યો નથી અને હજુ આઠ થી દસ દિવસ વાવણીલાયક વરસાદ નહીં પડે તો કપાસનું વાવેતરનો સમય વીતી જશે અને ખેડૂતો અડદ, તુવેર, એરેડા કે તલનું વાવેતર કપાસની જમીનમાં કરશે. આમ, અત્યારે કપાસનું વાવેતર નવી સીઝનમાં કપાય તેવું દેખાય છે.

ઓણ સીઝન ચાલુ થઇ ત્યારે ખેડૂત કપાસના રૂ.૧૦૦૦ મેળવવા ફાંફા મારતો હતો, પણ નાના ખેડૂતોના ઘરમાંથી જેવો કપાસ નીકળી ગયો કે તુરંત જ કપાસના ભાવ કૂદકેને ભુસકે વધવા લાગ્યા હતા…


ખેડૂતોએ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે કપાસના ઊંચા ભાવનો લાભ નવી સીઝનમાં પણ મળવો જોઈએ જે અગાઉના વર્ષોમાં કયારેય મળ્યો નથી. હાલ કપાસનો ભાવ રૂ.૧૭૦૦ ઉપર ચાલે છે. કપાસની નવી આવક ચાલુ થાય તે પહેલા કપાસનો ભાવ ઊંચો ચાલવાનો છે પણ જેવો કપાસ ખેતરમાંથી નીકળશે ત્યારે ખેડૂત ઊંચા ભાવ મેળવવા બમણા જોરથી બજારમાં કપાસ વેચશે એટલે યાર્ડોમાં કપાસના ઢગલા થવા લાગશે.

કપાસના બજાર સમાચાર :

છાપાઓમાં અને ટીવી ચેનલોમાં કપાસના ઢગલા દેખાવા લાગશે એટલે કપાસના ભાવ સડસડાટ ઉતરવા લાગશે. નવી સીઝનની શરૂઆતમાં ખેડૂતો કપાસના ભાવ ઘટે ત્યારે કપાસ ઓછો વેચશે તો ભાવ બહુ નહીં ઘટે પણ આવું થાતું નથી કારણ કે ખેડૂત કદી રોકાતો નથી અને ખેડૂતને કોઈ રોકી શકતું નથી.

કપાસની બજારનું સચોટ માર્ગદર્શન :

મગનભાઈ કપાસ વેચી આવ્યા તો છગનભાઇ કેમ બાકી રહે ? એક વેચી આવ્યા એટલે આખું ગામ કપાસ વેચવા નીકળી પડશે જેનો લાભ લઈ કપાસની ખરીદી કરનારાઓ ખેડૂતની ગરજ જોઇને નીચા ભાવે કપાસ માગવા લાગશે ત્યારે ખેડૂતો “જે હાથમાં આવ્યા તે લઇ લ્યો’ વિચારીને ઓછા ભાવે કપાસ વેચી નાખશે. આમ, કપાસના ભાવને ઘટતાં રોકવા ખેડૂતોએ એક થવું પડશે. અને ભાવ ઘટે ત્યારે વેચવાલીને બ્રેક લગાવી પડશે તો જ કપાસના ભાવ ઘટતાં અટકશે. સરકારી સંસ્થા સીસીઆઇ હાલ ઢગલામોઢે દરરોજ રૂ વેચી રહી છે આથી સીસીઆઇના ગોદામમાં નવી સીઝન ચાલુ થાય ત્યારે રૂ બહુ જ ઓછું બચ્યું હશે.

આ વર્ષે કપાસનો વપરાશ :

આ વર્ષે રૂની નિકાસ ગયા વર્ષ કરતાં ૫૦ ટકા વધુ થઇ હોઇ અને રૂનો ઘરેલું વપરાશ પણ વધ્યો હોઇ નવી સીઝન શરૂ થાય ત્યારે રૂનો બહુ મોટો સ્ટોક નહીં હોય ઉલ્ટું જો કપાસની આવક મોડી થશે તો મિલોને રૂની ગંભીર અછતનો સામનો કરવો પડશે આથી કપાસની નવી આવક થાય ત્યારે કપાસના ભાવ બહુ જ ઊંચા હશે પણ આ ઊંચા ભાવ બહુ ન ઘટી જાય તેનો આધાર ખેડૂતોની વેચવાલી પર રહેશે.

કપાસની વિશ્વની બજાર :

વિશ્વ બજાર પર નજર નાખીએ તો ચીનમાં અનેક વિસ્તારમાં ભારે વરસાદ પડતાં કપાસના પાકને થોડી અસર થવાની વાતો બજારમાં આવી રહી છે પણ હજુ પાકા રિપોર્ટ આવ્યા નથી. અમેરિકામાં કપાસનું વાવેતર ઘટયું છે પણ ઉતારા સારા આવવાની બધાને આશા છે, વાતાવરણ પણ સારૂ છે પણ અમેરિકાનો કપાસ પાક વધીને આવશે તેવી શક્યતા બહુ જ ઓછી છે.


બ્રાઝિલમાં કપાસનો નવો પાક બજારમાં આવી ગયો છે જે ગયા વર્ષ કરતાં ઓછો છે. પાકિસ્તાનની સરકારે કપાસનું વાવેતર વધે તે માટે અનેક પ્રયાસો કર્યા હતા પણ કપાસનું વાવેતર બહુ વધ્યું નથી હવે ઉત્પાદન કેવું આવશે ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં ખબર પડી જશે.

બાંગ્લાદેશમાં કપાસની સ્થિતિ :

બાંગ્લાદેશમાં કોરોનાના નવા કેસો ઘટવા લાગ્યા હોઇ હવે ઇદ પછી થોડા દિવસોમાં તમામ વેપાર-ધંધા રાબેતા મુજબ થવાની ધારણા છે બાંગ્લાદેશ ભારતીય રૂનું સૌથી મોટું ખરીદદાર છે. આથી નવી સીઝનમાં ખેડૂત જો ધીમે ધીમે કપાસ વેચશે તો આખી સીઝન કપાસના ભાવ ઊંચા મળી શકે તેમ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment