કપાસના ભાવમાં આવ્યો ઘટાડો, ક્યારે મળશે ખેડૂતોને કપાસના સારા ભાવ?

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ગત્ત સપ્તાહે કપાસના ભાવ મણે રૂ।.૧૫ થી ૩૫ સુધી ઘટયા હતા. વિદેશી બજારોમાં રૂ વાયદામાં કડાકો બોલી જતાં તેની અસરે અહીં રૂના ભાવ ઘટતાં તેની કપાસના ભાવ ઉપર અસર જોવા મળી હતી. આ ઉપરાંત ભારતમાં કોરોનાના કેસો વધતાં ખાસ કરીને મહારાષ્ટ્રનાં લોકડાઉનનો ડર ફરી ઊભો થતાં કપાસિયા અને કપાસિયાખોળના ભાવ ઘટતાં તેની પણ કપાસના ભાવ પર અસર જોવા મળી હતી.

સીઝનની શરૂઆતે જે કપાસ રૂ.૯૦૦ થી ૧૦૦૦માં વેચાતો હતો તે વધીને રૂ.૧૨૫૦ થી રૂ.૧૩૫૦ સુધી વેચાયા બાદ હવે ભાવ ઘટવા લાગ્યા છે. કપાસના ભાવ હાલ થોડા ઘટયા છે પણ કપાસના ભાવ વધુ પડતાં ઘટે તેવી શક્યતા ઓછી છે. આગળ જતાં કપાસના ભાવ વધીને રૂ।.૧૪૦૦ થી ૧૫૦૦ થઇ શકે તેવી શક્યતા હજુ પડેલી છે પણ ખેડૂતોએ આ ભાવ મેળવવા માટે હજુ બે થી ચાર મહિના સુધી રાહ જોવી પડશે તેવું લાગી રહ્યું છે.

ઘરઆંગણાની એટલે કે ભારતીય બજારની વાત કરીએ તો દેશમાં કપાસનું ઉત્પાદન ૮૬.૪૦ કરોડ મણ થવાનો અંદાજ કોટન એસોસીએશન ઓફ ઇન્ડિયાએ મૂક્યો છે જ્યારે સરકારના ટેક્સટાઇલ વિભાગની એક સંસ્થાએ ૮૯.૨૪ કરોડ મણ કપાસનું ઉત્પાદન થવાનો અંદાજ મૂકાયો છે.

દેશમાં ફેબ્રુઆરીના અંત સુધીમાં ૭૧.૩૦ થી ૭૧.૫૦ કરોડ મણ કપાસ બજારમાં આવી ચૂક્યો છે આથી હવે ૧૫ થી ૧૮ કરોડ મણ કપાસ હજુ આવવાનો બાકી છે. નવો કંપાસ ઓકટોબર મહિનામાં આવશે આથી હજુ સાત થી આઠ મહિના નવા કપાસની આવક પહેલાના કાઢવાના બાકી છે.

હાલ દેશમાં રોજની ૧૯ થી ૨૦ લાખ મણ કપાસની આવક થઇ રહી છે. આ ગણતરીએ એક મહિનામાં ચાર થી પાંચ કરોડ મણ કપાસની આવક આવશે. હવે જો ૧૫ થી ૧૮ કરોડ મણ કંપાસ જ આવવાનો બાકી હોય તો ત્રણ મહિનાની જ આવકનો કપાસ બાકી છે તેની સામે સાત થી આઠ મહિના કાઢવાના બાકી છે. આથી હવે દિવસેને દિવસે કપાસની આવક ઘટતી જશે.

ઉત્તર ભારતના રાજ્યો પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં ૯૦ થી ૯પ ટકા કપાસ બજારમાં આવી ચૂક્યો છે. આવી સ્થિત દક્ષિણ ભારતના રાજ્યો તેલંગાના, કર્ણાટક, તામિલનાડુ, આંધ્રપ્રદેશ અને ઓરિસ્સાની છે. મધ્યપ્રદેશમાં પણ મોટાભાગનો કપાસ બજારમાં આવી ચૂકયો છે. હવે સમગ્ર દેશમાં માત્ર સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્ર આ બે પ્રદેશોમાં જ કપાસ બચ્યો છે. તા.૧૫મી માર્ચથી દેશમાં કપાસની આવક ૧૫ લાખ મણથી પણ ઓછી આવશે.

હવેના દિવસોમાં જ સમસ્યા આવશે તે નબળા કપાસની આવશે. નબળો કપાસ લગભગ દરેક સેન્ટરમાંથી નીકળી ગયો છે. સારી કવોલીટીના કપાસ મજબૂત ખેડૂતોના ઘરમાં પડયો છે. જે પ્રદેશોમાં છેલ્લી વીણીનો કંપાસ આવશે તે ફરધર ટાઇપનો હોઇ તે નબળી કવોલીટીનો હશે.

સારી કવોલીટીનો કપાસ ખેડૂત ભાવ ઘટે ત્યારે વેચવા નહીં આવે. ભાવ વધશે તો જ સારી કવોલીટીના કપાસ વેચાવા આવશે. નબળી ક્વોલીટીના કપાસની પણ અછત સર્જાશે આથી તેના ભાવ પણ વધશે. આમ, થોડા વિરામ બાદ કપાસના ભાવ ફરી વધવાના ચાલુ થશે પણ આ વધારો ધીમી ગતિનો હશે.

છેલ્લા ચાર મહિનામાં કપાસ જે ગતિએ વધ્યો તો ગતિથી હવે નહીં વધે કારણ કે દરેક વધારે નફારૂપી વેચવાલી પણ આવવાની છે અને અમુક સમયે ઊંચા ભાવે ખેડૂતોમાં ગભરાટ વધતાં વેચવાલી આવશે.

વિદેશી બજારમાં ખાસ કરીને ન્યુયોર્ક રૂ વાયદામાં છેલ્લા દોઢ અઠવાડિયાથી જે ભાવ ઘટી રહ્યા છે તેની પાછળનું મૂળ કારણ ભારતીય રૂના ભાવ હાલ વિશ્વમાં સૌથી સસ્તા છે. અમેરિકા કરતાં ભારત અને આફ્રિકાના રૂના ભાવ સસ્તા હોઈ અમેરિકાના રૂની નિકાસ થોડી ધીમી પડી ગઇ. ઉપરાંત પાકિસ્તાન ભારતથી રૂની આયાત કરે તેવી વાતચીત બંને દેશો વચ્ચે ચાલી રહી છે.

પાકિસ્તાન જો ભારતથી રૂની આયાત કરવાનું ચાલુ કરે તો પાકિસ્તાનને ભારત સિવાય એકપણ દેશનું રૂ ખરીદવું પોસાય નહીં કારણ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે વેપાર શરૂ થતાં પાકિસ્તાનને શીપમેન્ટના ભાડાનો ખર્ચ બચી શકે છે અને  બીજું ભારતનું રૂ વિશ્વમાં સૌથી સસ્તુ છે.

હાલ ભારતીય રૂની ચીન, બાંગ્લાદેશ, વિયેટનામ, ઇન્ડોનેશિયા, મલેશિયા અને અન્ય દેશોમાં જંગી નિકાસ થઇ રહી છે. કોટન એસોસીએશન ઓફ ઇન્ડિયા એ ભારતની રૂની નિકાસ પ૪ લાખ ગાંસડી થવાનો અંદાજ મૂક્યો હતો. હવે ભારતયી રૂની નિકાસ ૭૦ થી ૭૫ લાખ ગાંસડી થવાનો અંદાજ છે જો પાકિસ્તાનમાં રૂની નિકાસ ચાલુ થાય તો બીજી ૨૦ થી રપ લાખ ગાંસડી રૂની નિકાસ વધી શકે છે.

કપાસના ભાવ વધવા માટેના અનેક કારણો છે પણ કોરોનાના કેસ વધી રહ્યા હોઇ અને વિદેશમાં વાયદો પણ ઘટવા લાગ્યો હોઇ ખેડૂતોએ સલામતિ ખાતર ઓછામાં ઓછો ૩૦ ટકા અને વધુમાં વધુ ૪૦ ટકા કપાસ વેચીને ઘરમાં ૬૦ થી ૭૦ ટકા કપાસ રાખવો જોઈએ.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment