સારી ક્વોલિટીના કપાસ ધરાવતાં ખેડૂતોને રેકોર્ડબ્રેક ભાવ મળવાની પુરેપુરી આશા

WhatsApp Group Join Now
Telegram Group Join Now

સૌરાષ્ટ્રના ખેડૂતોના ઘરમાં હજુ ઘણો કપાસ પડ્યો છે અને અગાઉના વર્ષોની સરખામણીમાં આ વર્ષે ખેડૂતો કપાસના સારા ભાવ મેળવવા એકદમ મક્કમ છે. સીઝનની શરૂઆતે કપાસના ભાવ મણના રૂ.૯૦૦ થી ૯૫૦ હતા જે વધીને હાલ રૂ।.૧૨૦૦ થી ૧૨૫૦ની સપાટીએ પહોંચી ગયા છે.

સૌરાષ્ટ્રના ગામડે બેઠા કપાસના વેપાર રૂ।.૧૨૦૦ના ભાવે હાલ થઇ રહ્યા છે. દેશાવરનો કપાસ કડીમાં આવી રહ્યો છે તે પણ રૂ.૧૨૦૦ થી ૧૨રપના ભાવે વેચાઇ રહ્યો છે. ગયા સપ્તાહે શરૂઆતમાં કપાસના ભાવ ઝડપથી વધ્યા હતા પણ પાછળથી રૂના ભાવ ઊંચામાં વધતાં અટકી ગયા હતા.

દેશમાં હવે ગુજરાત અને મહારાષ્ટ્ર સિવાય એકપણ રાજ્યમાં કપાસનો પાક બચ્યો નથી. પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાંથી ૯૦ ટકા કપાસ નીકળી ગયો છે. મધ્યપ્રદેશ, તેલંગાના, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને ઓરિસ્સામાં પણ કપાસના તળિયા દેખાવા લાગ્યા છે.

સારી ક્વોલિટીનો કપાસ ધરાવતાં ખેડૂતો વેચવાની ઉતાવળ ન કરે, હજુ ભાવ વધશે…

દેશનું સૌથી મોટું રૂ-કપાસનું સંગઠન કોટન એસોસિયેશન ઓફ ઇન્ડિયા ૩૬૦ લાખ ગાંસડી રૂ ઉત્પાદનના આંકડા આપી રહ્યુ છે પણ સીઝનના પ્રથમ સાડા ત્રણ મહિનામાં દેશમાં પોણા ત્રણ કરોડ ગાંસડી રૂ બજારમાં આવી ગયું હોઇ ત્યારે આટલો મોટો પાક થશે કે કેમ? તે વિશે દિવસેને દિવસે શંકા વધી રહી છે.

વૈશ્વિક બજારમાં અમેરિકા અને પાકિસ્તાનના કપાસના ભંડારો ઝડપથી ખાલી થવા લાગ્યા છે. અમેરિકામાં ચાલતો ન્યુયોર્ક રૂ વાયદો ઝડપથી વધીને ૮૭ સેન્ટ નજીક પહોંચી ગયો છે જે એક તબક્કે બે મહિના અગાઉ ૭૦ સેન્ટ  જ હતો.

અમેરિકાના ખેડૂતોએ ૮૯ ટકા કપાસ માર્કેટમાં વેચી દીધો છે અને હજુ નવી સીઝન ચાલુ થવા આડે સાત મહિના બાકી છે. અમેરિકામાં આવતાં મહિનાથી કપાસના વાવેતરની નવી સીઝન ચાલુ થશે.

અમેરિકાના ખેડૂતોને સોયાબીન, મકાઇ અને મગફળીના ઊંચા ભાવ મળ્યા હોઇ કપાસના ખેડૂતો વાવેતર પાંચ ટકા ઓછું કરશે તેવો એક રિપોર્ટ આવ્યો છે. પાકિસ્તાનમાં એટલો ઓછો કપાસ થયો છે કે ત્યાંના જીનર્સોએ સરકાર ઉપર દબાણ લાવ્યું છે કે ભારત સાથે ભલે ખરાબ સંબંધ હોઇ સરકાર ભારતથી કપાસની આયાત કરવાની છૂટ આપે.

પાકિસ્તાનમાં ચાલુ વર્ષે માત્ર પપ લાખ ગાંસડી જ રૂનું ઉત્પાદન થયું છે જેની સામે પાકિસ્તાનની જરૂરિયાત ૧૩૫ લાખ ગાંસડી રૂની છે. આમ, વૈશ્વિક બજારમાં રૂના ભાવ હજુ વધતાં જ રહેશે જેને પગલે અહીં રૂના ભાવ વધશે જેની સીધી અસર કપાસના ભાવ પર જોવા મળશે.

કપાસના ભાવ ધીમે ધીમે વધી રહ્યા છે. આ જ રીતે એપ્રિલ-મે મહિના સુધીમાં ખેડૂતોને કપાસના રૂ.૧૨૫૦ થી ૧૩૦૦ મળવાની ધારણા છે પણ ખેડૂતોએ વધુ લોભ ન રાખતાં રૂ।.૧૨૫૦ ઉપર કપાસના ભાવ થાય ત્યારે થોડો થોડો કપાસ વેચીને નફો ઘરભેગો કરી લેવો જોઇએ કારણ કે બજારમાં કોઇ મોટું અણધાર્યું કારણ આવી પડે અને કપાસના ભાવ રાતોરાત ગગડી જાય તો ખેડૂતોને મોટું નુકશાન જઇ શકે છે.

ખેડૂતોએ બજારમાં કપાસની સાથે સાથે રૂ, કપાસિયા અને ખોળના ભાવની વધ-ધટ પર દરરોજ નજર રાખવી. કપાસિયાખોળના ભાવ અગાઉના વર્ષો કરતાં ઘણા નીચા હોઇ હજુ ઘણા ભાવ વધી શકે છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment