ગુજરાતમાં નવા ઘઉંની છૂટક આવકો થાય છે અને ચાલુ સપ્તાહથી આવકો રેગ્યુલર શરૂ થાય તેવીધારણાં છે. ઘઉંમાં દિવાળી બાદ આવેલી આગઝરતી તેજીમાં અચાનક કડાકો બોલી ગયો છે.
આગામી દિવસોમાં ગુજરાતમાં અને મધ્યપ્રદેશમાં નવા ઘઉંની આવકો શરૂ થશે અને બજારમાં ઘટાડો થાય તેવી ધારણાં છે. ઘઉનાં ભાવ મિલબરનાં વધીને ર૦ કિલોનાં રૂ.૩૭૦ થી ૩૭૫ સુધી પહોંચ્યાં હતાં, જે ઘટીને ગત શનિવારે રૂ.૩૫૦ સુધી પહોંચયાં હતાં. આગામી દિવસોમાં ઘઉનાં ભાવ હજી મણે રૂ.૨૦ ઘટી જાય તેવીધારણાં છે.
ઘઉંમાં નિકાસ વેપારો પુષ્કળ હતા, પરંતુ હવે નવા નિકાસ વેપારો નવી સિઝનમાં જ થાય તેવું છે. વૈશ્વિક ઘઉં બજાર પણ વિતેલા સપ્તાહમાં પાંચથી સાત ટકા તુટી ગયાં હોવાથી નિકાસમાં હવે બજારો નીચા ભાવથી જાય તેમ છે.
નવી સિઝનનાં ભાવ નીચા ખુલ્યાં હોવાથી સરેરાશ બજારો ઘટી શકે છે. ખેડૂત મિત્રોએ પોતાની પાસે પડેલા જૂના ઘઉંનો હવે ખાલી કરવાનો વખત આવ્યો છે. ઘઉંમાં હવે ટૂકાંગાળામાં ભાવ ઘટવા લાગશે.