વિદેશી બજારોની મંદી પાછળ રૂના ભાવ તૂટતાં કપાસમાં પણ ભાવ તુટયા

WhatsApp Group Join Now
Telegram Group Join Now

દેશભરમાં ગુરૂવારે કપાસની આવક વધુ એક થી દોઢ લાખ મણ ઘટી હતી, કુલ આવક ૩ર થી ૩૩ લાખ મણની એટલે કે ૧.૩૮ થી ૧.૪૦ લાખ ગાંસડી રૂની આવક નોંધાઇ હતી. વિદેશી વાયદાઓ ઘટતાં રૂ અને કપાસિયાના ભાવ ઘટતાં તેની અસરે દેશાવરમાં ગુરૂવારે કપાસના ભાવ માં મણે રૂ.૧૦નો ઘટાડો થયો હતો.

ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના મોટાભાગના સેન્ટરોમાં હવે કપાસનો જથ્થો પૂરો થઇ ચૂક્યો છે. હવે જે ખેડૂતો પાસે કપાસ પડ્યો છે તેના સારા ભાવ મળે તો જ ખેડૂતોને વેચવો છે. હાલ માર્કેટમાં જે કપાસ આવે છે તેની કવોલીટી એકદમ નબળી હોઇ કપાસના ભાવ એકધારા ઘટી રહ્યા છે.

ગુજરાતમાં કપાસની આવક માર્કેટયાર્ડોમાં ઘટીને પોણા ત્રણ લાખ મણ આસપાસ હતી અને ઓવરઓલ આવક થોડી ઘટીને આઠ થી નવ લાખ મણની હતી કારણ કે દેશાવરના કપાસની આવક સતત ઘટી રહી છે.

કડીના અગ્રણી બ્રોકરના જણાવ્યા પ્રમાણે આજે મહારાષ્ટ્રની ૧૫૦, આંધ્ર-કર્ણાટકના ૫૦-૫૦ ગાડી અને કાઠિયાવાડની ૧૨૫ ગાડીની આવક હતી. કડીમાં કપાસના ભાવ હલકા આજે મણે રૂ।.૧૦ ઘટયા હતા પણ સારા કપાસના ભાવ ટકેલા હતા.

કડીમાં મહારાષ્ટ્રના કપાસના ભાવ રૂ.૧૧૧૦ થી ૧૧૬૫, આંધ્રના રૂ।.૧૧૧૦ થી ૧૧૮૦, કર્ણાટકના કપાસના ભાવ રૂ।.૧૧૩૦ થી ૧૧૯૦ અને સૌરાષ્ટ્રના કપાસના રૂ.૧૧૩૦ થી ૧૧૯૦ના ભાવ બોલાતા હતા.

સૌરાષ્ટ્રના માર્કટયાર્ડોમાં ગુરૂવારે આવક ઘટીને ૧.૭૫ લાખ મણની હતી અને સૌરાષ્ટ્ર કપાસના ભાવ નીચામાં રૂ.૧૦૦૦ થી ૧૦૨૫ અને ઊંચામાં રૂ.૧૧૭૦ થી ૧૨૦૦ બોલાયા હતા. સારી ક્વોલીટીની કપાસમાં ઊંચા મથાળેથી આજે રૂ.૫ ઘટયા હતા પણ હલકી કવોલીટીના કપાસમાં મણે રૂ।.૨૦ થી રપ ઘટયા હતા.

ગામડે બેઠા ઊંચામાં રૂ.૧૧૮૫ થી ૧૨૦૦ હતા પણ લેવાવાળા આજે ઊંચામાં લેવામાં નહોતા અને ભાવ સતત ઘટી રહ્યા હોઇ ગામડે કપાસની વેચવાલી સાવ અટકી ગઇ હતી. જીનપહોંચ કપાસમાં પણ આજે રૂ।.૧૦ ઘટયા હતા.

જીનપહોંચ કપાસમાં એકસ્ટ્રા સુપર ક્વોલીટી એટલે કે ૩૫ ઉપરના ઉતારા અને ૧૦ ટકા નીચે હવા ધરાવતાં કપાસના રૂ।.૧૧૭૫ થી ૧૧૯૦ બોલાતા હતા. એવરેજ સુપર કવોલીટીના રૂ.૧૧૫૦ થી ૧૧૫૫, મિડિયમ કવોલીટીના રૂ.૧૧૪૦ થી ૧૧૫૦ અને એકદમ એવરેજ કવોલીટીના રૂ।.૧૦૮૦ થી ૧૧૦૦ ભાવ બોલાયા હતા.

સૌરાષ્ટ્રના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે સારો કપાસ હજુ પણ રૂ.૧૨૦૦માં ખપી જાય છે પણ સારો કપાસ હવે કોઇને પાસે નથી. સારો કપાસ હવે ખેડૂતોની પક્કડમાં હોઇ તે કપાસ ઘટતાં ભાવે વેચાવા આવતો નથી.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

close