મરચાંમાં સતત બે વર્ષથી ખેડૂતોને મળતાં સારા ભાવને કારણે આગામી ખરીફમાં પણ વાવેતરમાં વધારો થવાના અંધાણ સ્પષ્ટ થઇ રહ્યાં છે. ખેડૂતો અત્યારથી સારી જાતનું બીજ શોધવામાં લાગ્યા છે. હાલના સમયે મરચાંની બજારો આવકો ના મારા સામે પણ લેવાલીને કારણે સામાન્ય વધ-ધટે ટકેલી છે. મરચાંની હાઇબ્રીડ ૭૦૨, સાનિયા, ઓજસ જેવી જાતો સામે ડબલ પટ્ટો કે ઘોલર મરચાંની બજારોએ મેદાન માર્યું છે.
સામાન્ય રીતે આપણે ત્યાં ગુજરાતમાં મોટા ભાગે ખાનાર વર્ગ સ્થાનીક જાતોના મરચાંની પસંદગી વધુ કરતો હોય છે. તેની સામે પરપ્રાંતથી આવેલ વેપારીઓ હાઇબ્રીડ જાતોની ખરીદી વધુ કરે છે. એમાંય ઘોલર જેવી લુપ્ત થવાના આરે ઉભેલ જાતના પ્રતિ ૨૦ કિલોના ભાવ રૂ.૫૩૦૦ની નવી સપાટીએ પહોંઆ હતા.
ચોમાસે વવાતી ખરીફ મરચીંમાં ખેડૂતો શરૂનો લીલા મરચાંનો પાક એક-બે વખત ઉતારીને છોડનો વિકાસ કરાવતા હોય છે. એ વખતે પુષ્કળ આવકોને કારણે મોટાભાગે શાકભાજી તરીકે ખવાતા લીલા મરચાં બજાર ભાવ કાયમ ડાઉન તો ઠીક પણ મફતના ભાવે પણ ખપત થતી હોય છે.
દેશી પટ્ટામાં પ્રતિ ૨૦ કિલોના ભાવ હાઇબ્રીડ જાતો કરતાં સરેરાશ ઉંચા મળતા, એનું વાવેતર પણ વેગમાં રહેશે…
આ વર્ષનો મરચાં બાબતેનો સિનારિયો કંઇક અલગ પ્રકારનો જ રહ્યોં છે. ખેડૂતોને લીલા મરચાંમાં પણ પેટ ભરીને રૂપિયા મળ્યા હોવાનું ખેડૂતોએ કહ્યું હતું. સામાન્ય રીતે દિવાળીથી લીલા મરચાં તોડવાનું બંધ કરી, લાલ મરચાં તૈયાર થતાં હોય છે. લાલ સૂકા મરચાંની બજારો પણ સારી રહેવાની વાત રાજકોટના ગોંડલ તાલુકાના અનિડા (ભાલોડી) ગામના ખેડૂતે કરી હતી.
આગામી ખરીફમાં હાઇબ્રીડ સામે દેશી જાતોનું વાવેતર પણ વધશે:
આગામી ખરીફમાં સાનિયા, ૭૦૨, ઓજસ, કર્તવ્ય-૧૦૧, બરસાના જેવી મરચાંની હાઇબ્રીડ વેરાઇટીઓ સામે દેશી જાતોના વાવેતર વધવાની વાત કરતાં રાજકોટના જેતપુર તાલુકાના ઉમરાડી ગામના ખેડૂત કહે છે કે ઓંણસાલ હાઇબ્રીડની સામે હાલ ગોંડલ વન્ડર, દોઢિયો, ડબલ પટ્ટો જેવી વેરાઇટીઓની આવકો છે. સ્થાનીક ઘરાકી લાગવાને લીધે દેશી વેરાઇટીના ભાવ પ્રતિ ૨૦ કિલો રૂ.૪૦૦૦ આસપાસના મળી રહ્યાં છે.
દેશી જાતોનું બીજ સામાન્ય રીતે સારા મરચાંમાંથી કાઢેલ હોય, તે સસ્તુ પડતર થાય છે. વાવણી જોગ સારો વરસાદ થયા પછી દેશીનું બીજ સસ્તુ હોવાથી દંતાળથી પણ ખેડૂતો વાવેતર કરતાં હોય છે. ટુંકમાં સારા ભાવને કારણે દેશી વેરાઇટીઓ પણ ખેડૂતો વાવેતરમાં અપનાવશે.