કપાસમાં ધીમી ગતિએ એકધારા વધતા ભાવ, સારી કવોલીટી માં ભાવ વધ્યા

WhatsApp Group Join Now
Telegram Group Join Now

દેશભરમાં કપાસની આવક હવે વધવાની શક્યતા દેખાતી નથી. છેલ્લા દસ દિવસથી કપાસની આવક ઘટીને ૩૨ થી ૩૮ લાખ મણની વચ્ચે રહે છે. એક તબક્કે આવક વધીને ૭૦ લાખ મણ એટલે કે ત્રણ લાખ ગાંસડી રૂની આવક નોંધાઇ હતી જે ઘટીને હાલ દોઢ લાખ ગાંસડીથી પણ ઓછી આવક થઈ રહી છે.

ગુજરાત, મહારાષ્ટ્ર અને તેલંગાના સિવાય હાલ દેશમાં કયાંય એક લાખ મણ કપાસથી વધુ આવક થતી નથી. આજે દેશના તમામ સેન્ટરોમાં સારી કવોલીટીના કપાસના ભાવ મણના રૂ.૧૨૦૦ થી ૧૨૨૦ના બોલાયા હતા. જ્યારે હલકા કપાસના રૂ.૧૦૦૦ની આસપાસના ભાવ હતા.

દક્ષિણ ભારતમાં કર્ણાટકમાં કપાસની કવોલીટી સારી હોઈ ત્યાં સારી કવોલીટીના કપાસના ઊંચામાં રૂ।.૧૨૪૦ના ભાવ બોલાયા હતા. આજે દેશભરમાં સારી કવોલીટીના કપાસના ભાવમાં મણે રૂ।.૧૫ થી ૨૦નો સુધારો જોવા મળ્યો હતો.

ગુજરાતમાં કપાસની આવક માર્કેટયાર્ડોમાં ત્રણ લાખ મણ આસપાસ હતી અને ઓવરઓલ આવક આઠ થી દસ લાખ મણની હતી. કડીના અગ્રણી બ્રોકરના જણાવ્યા પ્રમાણે આજે મહારાષ્ટ્રની ૨૦૦, આંધ્ર-કર્ણાટકના ૫૦-૫૦ ગાડી અને કાઠિયાવાડની ૨૦૦ ગાડીની આવક હતી.

કડીમાં મહારાષ્ટ્રના કપાસના ભાવ રૂ.૧૧૫૦ થી ૧૧૯૦, આંધ્રના રૂ.૧૧૨૦ થી ૧૨૦૦, કર્ણાટકના કપાસના ભાવ રૂ.૧૧૪૦ થી ૧૨૨૦ અને સૌરાષ્ટ્રના કપાસના રૂ।.૧૧૪૦ થી ૧૨૧૦ના ભાવ બોલાતા હતા. કડીમાં આજે કપાસના ભાવ મણે રૂ.૧૦ સુધર્યા હતા.

સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડોમાં સોમવારે ૧.૭૫ લાખ મણની આવક હતી અને સૌરાષ્ટ્ર કપાસના ભાવ નીચામાં રૂ.૧૦૦૦ થી ૧૦૨૫ અને ઊંચામાં રૂ.૧૧૮૫ થી ૧૨૧૦ બોલાયા હતા.

સારી કવોલીટીની કપાસની અછત વધી રહી હોઇ આજે પ્રિમિયમ કવોલીટીના કપાસમાં મણે રૂ.૧૦ સુધર્યા હતા જેની સામે નબળા કપાસમાં મણે રૂ.૫ ઘટયા હતા. જીનપહોંચ કપાસમાં એક્સ્ટ્રા સુપર કવોલીટી એટલે કે ૩૫ ઉપરના ઉતારા અને ૧૦ ટકા નીચે હવા ધરાવતાં કપાસના રૂ.૧૧૮૫ થી ૧૨૦૦ બોલાતા હતા.

એવરેજ સુપર કવોલીટીના રૂ।.૧૧૬૦ થી ૧૧૬૫, મિડિયમ કવોલીટીના રૂ.૧૧૫૦ થી ૧૧૬૦ અને એકદમ એવરેજ કવોલીટીના રૂ।.૧૦૯૫ થી ૧૧૧૫ ભાવ બોલાયા હતા.

સૌરાષ્ટ્રના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે જીનર્સોને હવે સારો કપાસ જોઇતો હશે તો રૂ।.૧૨૦૦થી વધુ ભાવ ચૂકવવા તૈયાર રહેવું પડશે કારણ કે સારી કવોલીટીના કપાસની અછત દિવસેને વધી રહી છે. સારી કવોલીટીનો કપાસમાં હલકી કવોલીટીનો કપાસ ભેળવીને જ વેપારીઓ વેચી રહ્યા છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment