દેશના અન્ય રાજ્યોની માફક આખરે ગુજરાતમાં પણ કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા(સીસીઆઈ) દ્વારા કપાસની ખરીદીનો આરંભ થઇ ગયો છે. કપાસનો ભાવ સીઝનના આરંભથી ઘટી રહ્યો છે અને હવે ટેકાની સપાટીએ પહોંચી જતા સીસીઆઈ સક્રિય થઈ છે. બે દિવસથી ગુજરાતમાં દહેગામ અને વડાલી માર્કેટ યાર્ડમાંથી ખરીદીનો આરંભ કરાયો છે. અલબત્ત હજુ સૌરાષ્ટ્રમાં ખરીદીનો વખત આવ્યો નથી.
સીસીઆઈ અમદાવાદના એક અધિકારીએ કહ્યું કે, કપાસનો ભાવ મણે રૂ. ૧૪૦૪ના ટેકાના સ્તરે જતા અમે ગુજરાતમાં બે કેન્દ્રો પરથી ખરીદો શરૂ કરી દોધી છે. દહેગામ અને વડાલી યાર્ડમાંથી આશરે ૧૦૦-૧રપ ક્વીન્ટલ કપાસની ટેકાના ભાવ ચૂકવીને ખરીદ કરી છે. હવે કપાસના ભાવ તૂટી રહ્યા છે એ કારણે જ્યાં જરુર પડશે ત્યાં સીસીઆઈ આવશે.
દેશના બધા જ રાજ્યોમાં સીસીઆઇની ખરીદી શરૂ થઈ ચૂકી છેપણ ગુજરાતમાં હજુ સુધી માલ આવ્યો ન હતો. કપાસની સારી આવકને લીધે ભાવ નીચે જતા કેન્દ્ર સક્રિય થઈ ગયા છે અને ધીરે ધીરે સીસીઆઈમાં આવક વધશે એમ જાણવા મળે છે.
દહેગામ અને વડાલી માર્કેટ યાડમાં સીસીઆઇએ કપાસ લીધો : સૌરાષ્ટ્રમાં હજુ ખરીદી થતી નથી…
સીસીઆઈ રાજકોટ ઓફિસના એક અધિકારીએ કહ્યું કે, કુલ ૪૨ જેટલા સેન્ટરો શરૂ કરી દેવામાં આવ્યા છે પણ એમાંથી હજુ બે સ્થળોએ જ ખરીદી કરવી પડે તેવા ભાવ થયા છે. સૌરાષ્ટ્રમાં કોઈ સેન્ટર પર ખરીદી શરૂ કરવાની થઈ નથી.
તેમણે કહ્યું છે કે, કપાસની આવક સારી છે અને ખેડૂતોનો વેચવાલી આવનારા દિવસો દરમિયાન વધે તેમ હોવાથી સૌરાષ્ટ્રમાં પણ ખરીદી કરવાની આવશે એમ અમને જણાય છે એ કારણે સંસ્થઆએ તમામ તેયારી કરી લીધી છે.
સૌરાષ્ટ્રમાં કપાસનો ભાવ મણે રૂ. ૧૧૦૦-૧૪૫૦ વચ્ચે ચાલે છે. ફાઈવ જી બેસ્ટ માલ હોય તો તે અને એનાથી થોડો હલકો કપાસ હોય તો રૂ.૧૪૧૦-૧૪૫૦-૬૦માં વેચાય છે. જોકે ૭૦ ટકા માલ નબળો આવતો હોવાથી તેના કરતા નીચાં ભાવમાં વેચાય છે. આવી પરિસ્થિતિમાં સારો કપાસ પણ તૂટશે અને સીસીઆઇને ખરીદીમાં આવવું પડશે એમ જણાય છે.
સીસીઆઈ રાજકોટના અધિકારીએ ઉમેર્યું કે, અમે ટેકાના ભાવથી ખરીદી માટે તેયાર છીએ. ખેડૂતોએ એ માટે સંસ્થાના નિયમોને અનુસરવા પડશે. સીસીઆઈના કેન્દ્રો પર ર૭.૫૦થી ર૯ એમએમની લંબાઈનો કપાસ જ ખરીદવામાં આવશે. એ ઉપરાંત તેમાં ૩.૬થી ૪.૮ ટકા જેટલા માઇક આવવા જોઈએ. જ્યારે આરડી અર્થાત ફાઈનનેસ રપના પ્રમાણમાં હશે અને ભેજનું પ્રમાણ ૮થી ૧૨ ટકા વચ્ચે તો સીસીઆઈ ટેકાનો ભાવ આપશે. સરકારે આ નિયમો ઘડ્યા છે એ પ્રમાણે ખરીદી થશે.
ગુજરાતભરમાં કપાસની આવક અઢીથી ત્રણ લાખ મણ વચ્ચે રોજબરોજ થઈ જાય છે. આ વર્ષે ગામડેથી કામકાજો થતા નથી. મોટાંભાગનો કપાસ યાર્ડમાં વેચાય છે. કપાસના ભાવ સીઝનના આરંભથી એકધારા ઘટતા રહ્યા હોવાથી કિસાનો મુશ્કેલીમાં મૂકાય ગયા છે. ૨૦૨૧માં જોયેલી તેજી પછી બે વર્ષનો તળિયાનો ભાવ થઇ ગયો છે, આવતા વર્ષે કપાસ ન વાવવો એવું કિસાનો મનોમન નક્કી કરી બેઠાં છે.