ગુજરાતમાં સાર્વત્રિક કમોસમી વરસાદથી ખેતીના પાકને નુકસાન

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ગુજરાતમાં આજે સાવત્રિક કમોસમી વરસાદ-માવઠું પડ્યું હતું. સર્વત્ર વરસાદને પગલે ખેતીપાકોને આંશિકપણે નુકસાન પહોંચ્યું હતું. ગુજરાત સરકારનાં ડિઝાસ્ટર મેનેજમેન્ટનાં આંકડાઓ પ્રમાણે રાજ્યમાં શુક્રવારે એક મિલીમીટરથી લઈને ૩૫ મિલીમીટર સુધીનો વરસાદ કુલ ૧૩૬ તાલુકામાં પડ્યો હતો.

ગુજરાતમાં કુલ ૧૩૬ તાલુકામાં એકથી ૩૫ મિલીમીટર સુધી વરસાદ પડ્યો

આમ સર્વત્ર કમોસમી વરસાદની અસર જોવા મળી હતી. શિયાળુ પાકોના વાવેતર હજી શરૂઆતનાં તબક્કામા જ હોવાથી ખાસ કોઈ મોટી અસર નથી, પરંતુ કપાસનાં ઊભા પાકને મોટી નુકસાની પહોંચી છે. આ તરફ યાર્ડોમાં ખુલ્લામાં પડેલા મગફળી સહિતનાં માલ પલળી ગયાં હોવાનાં પણ સમાચાર આવી રહ્યાં છે.

ગુજરાત સરકારનાં આંકડાઓ પ્રમાણે રાજ્યમાં શુક્રવારે સવારે ૬થી સાંજ સુધીમાં કુલ ૧૩૬ તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો છે, જેમાં સૌથી વધુ વરસાદ વલસાડનાં ઉમંરગાંવમાં ૩પ એમએમ એટલે કે ૧.૩૭ ઈંચ વરસાદ પડ્યો હતો, જ્યારે અમરેલીનાં જાફરાબાદમાં ૩૦ મિલીમીટર વરસાદ પડ્યો હતો.

કપાસનાં પાકને સૌથી વધુ અસરઃ રાજકોટ યાર્ડમાં મગફળી ખુલ્લામાં હોવાથી પલળી

રાજ્યનાં ૧૪ તાલુકામાં સરેરાશ ૨૦ મિલીમીટરથી પણ વધુ વરસાદ પડ્યો હતો. જ્યારે ૩૭ તાલુકામાં ૧૦થી ૨૦ મિલીમીટર વચ્ચે વરસાદ પડ્યો હતો, જયારે બાકીનાં જિલ્લામાં ૧૦ મિલીમીટરથી ઓછો વરસાદ નોંધાયો હતો.


સૌરાષ્ટ્રમાં નોંધપાત્ર વરસાદ વેરાવળ તાલુકામાં ૨૦ મિલીમીટર, સુત્રાપાડામાં ૧૭ મિલીમીટર,ઉનામાં ૧૪ મિલીમીટર, રાજુલા અને ખંભાળામાં ૧૦ મિલીમીટર વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ ગીર સોમનાથ જિલ્લાનાં જ ગામડામાં નોંધાયો હતો.

ગુજરાતમાં કમોસમી વરસાદને પગલે ખાસ કરીને કપાસનાં ઊભા પાકને વધારે અસર થઈ છે અને તેની ક્વોલિટીને ફટકો પડશે. કપાસમાં હાલ પાછોતરી વીણીનો સમય ચાલી રહ્યો છે, એવા સમયે વરસાદ પડતા માલ રેઈન ડેમેઝ થઈ જશે અને ખેડૂતોને તેનાં નીચા ભાવ મળશે.


શિયાળુ પાકોમાં ખાસ કોઈ મોટી અસર થશે નહીં, પરંતુ કેટલાક વિસ્તારમાં ખેતરમાં પાણી ભરાય ગયા હતા અને ત્યાં જો એકાદ દિવસમાં તડકો ન નીકળે તો પાકને અસર પહોંચી શકે છે. જો વરસાદ બે ઈંચથી વધુ પડે તો ધાણા-જીરૂનાં પાકને અસર થાય અને ત્યાર બાદ તેમાં રોગ-જીવાત આવે તેવી સંભાવનાં દેખાય રહી છે.

રાજકોટ યાર્ડમાં મગફળી પલળીઃ હરાજી ઠપ્પ

રાજકોટમાં અચાનક વરસાદને પગલે મગફળીના જથ્થાને મોટા પાયે નુક્સાન પહોંય્યું હતું. રાજકોટ યાર્ડમાં આશરે એક લાખ ગુણી મગફળી પડી હતી અને આ મગફળી મોટા ભાગની ખુલ્લામાં જ પડી હોવાથી વરસાદને પગલે તે પલળી ગઈ છે અને ખેડૂતોને હવે તેનાં નીચા ભાવ મળે તેવી સંભાવનાં છે.


વરસાદને પગલે રાજકોટ યાર્ડમાં આજે મગફળીની હરાજી પણ અટકી પડી હતી અને વેપારો થયા નહોંતાં. શનિવારથી રાબેતામુજબ હરાજી શરૂ થાય તેવી સંભાવનાં છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment