સારી કવોલીટીનો કપાસ મળતો ન હોવાથી કપાસના ભાવમાં નવો ઉછાળો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

કપાસમાં ફરી નવો ઉછાળો સોમવારે જોવા મળ્યો હતો અને કડીમાં મણે રૂ. ૨૦ થી રપ અને સૌરાષ્ટ્રમાં મણે રૂ.૨૫ થી ૩૦ ઉછળ્યા હતા. સૌરાષ્ટ્રના કપાસના અગ્રણીએ જણાવ્યું હતું કે રૂમાં તેજી અને સારી કવોલીટીનો કંપાસ મળતો ન હોઇ જીનરોને ભાવ છાપીને કપાસ ખરીદવો પડયો હોઈ કપાસના ભાવ વધ્યા હતા.

કપાસમાં જે અગાઉ ૩૬ થી ૩૭ના ઉતારાના અને કોડી વગરના કપાસ મળતાં હતા તે હવે ગોત્યા પણ જડતાં નથી અને બીજી તરફ સારી કવોલીટીનું રૂ ઊંચા ભાવે પણ ખપતું હોઇ જીનરોને સારો કપાસ ગમે તે ભાવે ખરીદવો છે.

આવી સ્થિતિને કારણે સોમવારે જીનપહોંચ એકદમ સારી ક્વોલીટીના કપાસના રૂ.૨૦૪૦ થી ૨૦૫૦ બોલાતા હતા અને મહારાષ્ટ્રના સારી ક્વોલીટીના કપાસના રૂ.૨૦૦૦ સુધી ભાવ બોલાયા હતા.

કપાસની સારી કવોલીટોના ભાવ સીઝન પુરી થાય ત્યાં સુધી ઊંચા ભાવ જ રહેવાના…

કપાસનું વર્ષ મોટી તેજીનું છે તે નક્કી છે. હાલ સારા ઉતારાવાળા અને કોડી વગરના કપાસની ભારે અછત છે. મહારાષ્ટ્રમાંથી ઔરાંગાબાદ લાઇનમાથી જે કપાસ આવે છે તે જ સારા ઉતારા અને સારા ગ્રેડનો મળે છે.

મહારાષ્ટ્રના બીજી બધી જ લાઈનના કપાસની ક્વોલીટી એકદમ નબળી છે. કડીમાં મહારાષ્ટ્રના કપાસની આવક આ વર્ષે શરૂઆતથી જ ઓછી આવી રહી છે. કર્ણાટક અને આંધ્રના કપાસ પણ આ વર્ષે ઓછા આવ્યા છે.

ગયા વર્ષથી દેશમાં રૂની આવક ૪૦ થી ૮૦ લાખ ગાંસડી ઓછો થઇ હોઇ કપાસના પાકમાં મોટું ગાબડું પડ્યાનું નક્કી…

કડીમાં પણ જીનરોની ઊંચા ભાવે કપાસ લેવાલીના કારણે મણે રૂ.૨૦ થી ૨પ સુધર્યા હતા. સોમવારે મહારાષ્ટ્રના કપાસની ૨૦૦ ગાડી અને ભાવ રૂ.૧૭૦૦ થી ૧૯૮૦ તેમજ કાઠિયાવાડની ૬૦ થી ૭૦ ગાડી અને ભાવ ઊંચામાં રૂ.૨૦૦૦ બોલાયા હતા.

જે ખેડૂતોએ કપાસ વાવ્યો છે તેઓ પાસે જો સારી કવોલીટીનો કપાસ પડયો હોય તો તેના ભાવ છેલ્લે સુધી ઊંચા જ મળવાના છે એટલે અત્યારે જો પૈસાની જરુર હોય તો વેચી નાખે કારણ કે કપાસના ભાવ બહુ જ ઊંચા હોઇ મણના રૂ.૨૩૦૦ થી ૨૫૦૦ થાય તેવી કોઇ શક્યતા નથી પણ રૂ.૨૦૦૦થી ઘટવાની પણ કોઈ શક્યતા નથી આથી ખેડૂતો તેમની પૈસાની જરૂરિયાત પ્રમાણે કપાસ વેચવાનો નિર્ણય કરે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment