કપાસમાં જરૂરિયાત વધતામાં ભાવ સુધારો, કપાસ વેચવો કે નહીં ?

WhatsApp Group Join Now
Telegram Group Join Now

કપાસના ભાવ ગત્ત સપ્તાહે કહ્યું તેમ સુધર્યા છે. વિતેલા સપ્તાહ દરમિયાન કપાસના ભાવમાં મણે રૂ.૪૫ થી ૫૦નો સુધારો જોવા મળ્યો હતો. સૌરાષ્ટ્રના કપાસના ભાવ ગામડે બેઠા રૂ.૧૦૬૦ થી ૧૦૭૦માં વેચાતો હતો તે હવે રૂ.૧૧૨૫ સુધી વેચાઇ રહ્યો છે.

કપાસમાં અઠવાડિયામાં મણે રૂ.૪૫ થી ૫૦ સુધર્યા, નબળી-હલકી કવોલીટોનો કપાસ વેચી નાખવો

માર્કેટયાર્ડોમાં કપાસ ઊપરમાં એક તબક્કે રૂ.૧૨૦૦ થી રૂ.૧૨૧૦માં વેચાયો હતો તે ઘટીને રૂ.૧૧૦૦ થી ૧૧૧૦ બોલાતા હતા તે હવે વધીને રૂ.૧૧૪૫ થી ૧૧૬૦ સુધી બોલાવા લાગ્યા છે.


દેશમાં રૂનું ઉત્પાદન સાડા ત્રણ કરોડ ગાંસડી રૂ એટલે કે ૮૪ કરોડ મણ કપાસનું ઉત્પાદન થવાનો અંદાજ છે. જેમાંથી અત્યાર સુધીમાં સવા કરોડ ગાંસડી રૂ એટલે કે ૩૦ કરોડ મણ કપાસ બજારમાં આવી ચૂક્યો છે. સીસીઆઈ એ સવા કરોડ ગાંસડી રૂની આવકમાંથી 52 લાખ ગાંસડી એટલે કે ૧૨.૫૦ કરોડ મણ કપાસની ખરીદી ખેડૂતો પાસેથી કરી છે.

ડિસેમ્બર અડધો અને જાન્યુઆરી આખો મહિના દરમિયાન કપાસની આવકનું દબાણ બજારમાં જોવા મળશે કારણ કે અત્યાર સુધીમાં ૩૫ ટકા કપાસ જ બજારમાં આવ્યો છે. હજુ ૬૫ ટકા કપાસ બજારમાં આવવાનો બાકી છે.


દેશમાં રૂના ભાવ એકધારા વધી રહ્યા છે કારણ કે સીસીઆઈ દ્વારા રૂના ભાવ વિતેલા સપ્તાહ દરમિયાન ખાંડીએ રૂ.૧૦૦૦ વધારવામાં આવ્યા હતા પણ કપાસિયાની કવોલીટી બગડી રહી હોઇ તેમાં તેજી ટકતી નથી. આમ, માત્ર રૂના ભાવ વધવાથી કપાસના ભાવ ઊંચામાં ટકતાં નથી.

આથી આગળ જતાં કપાસના ભાવ માં હજુ એક ઘટાડાનો દોર આવી શકે છે. જીનર્સોની કપાસ ખરીદી બહુ ઊંચા ભાવે નહીં આવે કે રૂ ઊંચા ભાવે ખપશે પણ કપાસિયા ઊંચા ભાવ નહીં ખપે આથી કપાસના ભાવમાં હજુ મણે રૂ.૩૦ થી ૪૦ વધશે ત્યારબાદ જીનર્સોની ડિસ્પેરિટિ વધશે. આ સંજોગોમાં કપાસના ભાવમાં ફરી પીછેહઠ જોવા મળી શકે છે.


કપાસના ખેડૂતોએ હવે નબળો અને હલકો કપાસ આ ઊંચા ભાવમાં વેચી દેવો છે. જે ખેડૂતો પાસે એકદમ સારા ઉતારાનો અને કાળી કોડી, પીળી ટચ વગરનો કપાસ પડ્યો છે તે ખેડૂતોએ કપાસ રાખવો જોઈએ.

આગળ જતાં સારી કવોલીટીના કપાસના જ ભાવ મળશે, હલકી અને નબળી કવોલીટીના કપાસના ભાવમાં બહુ તેજી થવાની શક્યતા નથી. આગામી એક મહિનામાં નબળા-હલકા કપાસ અને સારા કપાસ વચ્ચે ભાવનો ગાળો પણ મણે રૂ.૧૦૦ થી ૧૫૦ હશે.


ખેડૂતો જો હલકો અને નબળો કપાસ અત્યારે નહીં વેચે તો આગળ જતાં ખેડૂતોને નબળો અને હલકો કપાસ નીચા ભાવે વેચવાનો વખત આવી શકે છે. આગળ જતાં માત્રા સારી ક્વોલીટીના કપાસના ભાવ જ વધે તેવી શક્યતા દેખાય છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment