દેશમાં કપાસની આવક ગુરૂવારે આવક પ૪ થી પપ લાખ મણ એટલે કે ૨.૩૦ થી ૨.૩૫ લાખ ગાંસડીની જળવાયેલી હતી. છેલ્લા ચાર દિવસથી દેશમાં રૂની આવક ૨.૩૫ લાખ ગાંસડીથી વધતી નથી તે બતાવે છે કે હવે આવક વધવાની ધારણા બહુ ઓછી છે.
ઉત્તર ભારતના ત્રણ રાજ્યોમાં આવક હવે સરેરાશ ચાર થી સવા ચાર લાખ મણ એટલે કે ૧૮ થી ૨૦ હજાર ગાંસડી જ રહે છે. આજે કપાસિયા અને કપાસિયા ખોળના ભાવ સમગ્ર દેશમાં નરમ હોઇ તેમજ ફોરેન વાયદા છેલ્લા બે દિવસથી ઘટતાં હોઇ કપાસના ભાવમાં નરમાઇ જોવા મળી હતી.
ગુજરાતના માર્કેટયાર્ડોમાં કપાસની આવક ત્રણ લાખ મણ આસપાસ જળવાયેલી હતી જો કે કડીમાં મહારાષ્ટ્રના કપાસની આવક વધી હતી જ્યારે અન્ય સેન્ટરોમાં મહારાષ્ટ્રના કપાસની આવક ઘટી હતી.
કપાસના ભાવ ગુજરાતમા ઓવરઓલ મણે રૂ।.૫ થી ૧૦ ઘટયા હતા. સૌરાષ્ટ્રમાં આજે કપાસની આવક ૧.૯૦ લાખ મણની રહી હતી અને નબળા કપાસમાં મણે રૂ.૫ થી ૧૦ ઘટયા હતા પણ સારી ક્વોલીટીના કપાસના ભાવ આજે ટકેલા હતા.
ગુજરાત કપાસના બજાર ભાવ સમાચાર:
સૌરાષ્ટ્રના યાર્ડોમાં કપાસના ભાવ નીચામાં રૂ।.૧૦૦૦ થી ૧૦૪૦ અને ઊંચામાં સારી ક્વોલીટીના રૂ.૧૧૪૫ થી ૧૧૮૦ કવોટ થયા હતા. ગામડે બેઠા કપાસના ભાવ રૂ।.૧૧૩૫ થી ૧૧૫૦ સુધી બોલાતા હતા.
કપાસના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે કપાસની કવોલીટી સતત બગડી રહી છે. ખેડૂતોના સારા ભાવ મળતાં આ વર્ષે સારી કવોલીટીનો કપાસ ખેડૂતોએ ઘરમાં રાખી મૂક્યો છે જ્યારે નબળી કવોલીટીનો કપાસ જ ખેડૂત વેચવા આવે છે.
જીનપહોંચ કપાસના સારી ક્વોલીટીમાં ભાવ ટકેલા હતા અને એવરેજ-મિડિયમ કવોલીટીમાં રૂ।.૫ ઘટયા હતા. જીનપહોંચ કપાસમાં એક્સ્ટ્રા સુપર કવોલીટી એટલે કે ૩૫ ઉપરના ઉતારા અને ૧૦ ટકા નીચે હવા ધરાવતાં કપાસના રૂ.૧૧૮૦ થી ૧૧૮૫ બોલાતા હતા. એવરેજ સુપર કવોલીટીના રૂ.૧૧૫૦ થી ૧૧૫૫, મિડિયમ કવોલીટીના રૂ.૧૧રપ થી ૧૧૩૫ અને એકદમ એવરેજ કવોલીટીના રૂ.૧૧૦૦ થી ૧૧૧૫ના ભાવ બોલાયા હતા.
કડીમાં મહારાષ્ટ્રના કપાસની આવક વધીને ૪૦૦ ગાડી રહી હતી. કડીના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે રૂના ભાવ વધતાં જીનર્સોની કપાસ ખરીદી વધતાં મહારાષ્ટ્રના કપાસની આવક આજે વધી હતી પણ આંધ્ર-કર્ણાટક અને કાઠિયવાડના કપાસની આવક જળવાયેલી હતી.
મહારાષ્ટ્ર કપાસના બજાર ભાવ સમાચાર:
મહારાષ્ટ્રના કપાસના ભાવ રૂ્ા.૧૧૦૦-૧૧૩૫, આંધ્રના કપાસના રૂા.૧૧૦૦-૧૧૩૫, કર્ણાટકના કપાસના ભાવ રૂ।.૧૧૦૦-૧૧૬૦ અને કાઠિયાવાડના કપાસના રૂ।.૧૧૫૦ થી ૧૧૮૦ બોલાતા હતા.