ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક સેન્ટરોમાં કપાસનો છુટીછવાઇ નવી આવકો ચાલુ થઇ ચૂકી છે. જૂની સીઝનના છેલ્લા દિવસોમાં ભાવ ઊંચા હોઇ નવી સીઝન શરૂ થઇ ત્યારે કપાસના ભાવ ઊંચા છે પણ નવી આવકો જેમ વધશે તેમ ભાવ સડસડાટ ઘટવા લાગશે જો કે આ વર્ષે ભારતમાં કપાસનું વાવેતર મોટાભાગના રાજ્યોમાં ઘટયું છે તેમજ છેલ્લા તબક્કામાં પવન સાથે વરસાદ પડયો હોઇ પહેલી વીણીનો કપાસ બહુ નવી આવે તેવી ધારણાથી બહુ ભાવ નહીં ઘટે પણ નવી આવકો શરૂ થાય ત્યારે ભાવ ઘટવાના છે તે નક્કી છે. સરકારે આ વર્ષે કપાસનો ટેકાનો ભાવ મણનો ૧૨૦૫ રૂપિયા નક્કી કર્યા છે જે પણ ઊંચો છે. આ ભાવથી કપાસના ભાવ આખી સીઝન નહીં ઘટે તેવી ધારણા છે.
મુખ્ય મુદ્દાઓ
ગુજરાતમાં કપાસ ના ભાવ :
અત્યારે કપાસના ભાવ માર્કેટયાર્ડાોમાં મણના ૧૫૫૦ થી ૧૬૦૦ ઊંચામાં બોલાય છે. હલકો અને વધુ પડતી હવાવાળો કપાસ માર્કેટયાર્ડોમાં ૧૦૦૦ થી ૧૨૦૦ રૂપિયામાં પણ વેચાય છે. જ્યાં સુધી હવા વગરનો સૂકો કપાસ નહીં આવે ત્યાં સુધી હવાવાળા કપાસના ભાવ નીચા રહેશે પણ સુકા કપાસના ભાવ આવકનું દબાણ નહીં વધે ત્યાં સુધી ઘટશે નહીં.
ક્યારે વેચવો કપાસ :
જે ખેડૂતોએ કપાસ વહેલી વીણી લીધો છે તેઓ કપાસ વેચવામાં ઉતાવળ રાખવી કારણ કે સીઝનની શરૂઆતમાં ભાવ ઊંચા છે. જે ખેડૂતો કપાસ વેચવામાં બાકી રહી જાય તેઓએ કપાસ વેચવાની ઉતાવળ કરવી નહીં કારણ કે એક વખત આવકનું દબાણ ઘટશે ત્યારબાદ કપાસના ભાવ ધીમે ધીમે વધતાં રહેશે. ખેડૂતોએ કાંતો નવી આવક ચાલુ થયાના શરૂઆતના બે થી ત્રણ અઠવાડિયામાં કપાસ વેચી દેવો નહીંતર આવક ઘટે તેની રાહ જોવી અને ત્યારબાદ કપાસ વેચવો.
કેવું રહ્યું કપાસનું વાવેતર :
ભારતમાં સૌથી વધુ કપાસનું વાવેતર મહારાષ્ટ્રમાં થાય છે. મહારાષ્ટ્રમાં ગયા વર્ષ કરતાં કપાસનું વાવેતર ઘટયું છે. ગુજરાતમાં કપાસનું વાવેતર ગયા વર્ષની લગોલગ થયું છે. પંજાબમાં વાવેતર વધ્યું છે પણ હરિયાણા-રાજસ્થાનમાં વાવેતર ઘટયું છે. દક્ષિણ ભારતમાં કપાસના સૌથી મોટા ઉત્પાદક તેલંગાનામાં કપાસનું વાવેતર ખાસ્સું એવું ઘટયું છે અને આંધ્રપ્રદેશમાં પણ કપાસનું વાવેતર ઘટયું છે. તામિલનાડુ-ઓરિસ્સામાં કપાસનું વાવેતર વધ્યું છે પણ કર્ણાટકમાં કપાસનું વાવેતર ઘટયું છે. મધ્યપ્રદેશમાં પણ કપાસનું વાવેતર ગયા વર્ષની લગોલગ છે.
નવા અને જુના સ્ટોકનો અહેવાલ :
સૌથી મહત્વની વાત એ છે કે નવી સીઝન ચાલુ થાય ત્યારે રૂનો જૂનો સ્ટોક ગયા વર્ષ કરતાં સાવ અડધો છે. ચાલુ વર્ષની સીઝન ચાલુ થઇ ત્યારે રૂનો જૂનો સ્ટોક એક કરોડ ગાંસડી કરતાં વધુ હતો પણ અત્યારે રૂનો જુનો સ્ટોક ૫૦ લાખ ગાંસડી આસપાસ છે એટલે રૂના જૂના સ્ટોકનું મોટું દબાણ નથી. રૂનો ૫૦ લાખ ગાંસડીનો જૂનો સ્ટોક એકદમ સામાન્ય છે કારણ કે દેશમાં સ્પીનીંગ મિલોની સંખ્યા જોતાં આટલો રૂનો જૂનો સ્ટોક રહેવો સ્વભાવીક છે. સરકારી એજન્સી સીસીઆઇ પાસે પણ રૂનો કોઇ મોટો સ્ટોક નથી. આ બાબતથી કપાસના ભાવ બહુ ઘટી જાય તેવી શક્યતા નથી.
વિશ્વમાં કપાસ ની બજાર :
વિશ્વ બજારની સ્થિતિ પણ એવી છે કે કપાસના ભાવ આ વર્ષે આવકનું દબાણ વધશે ત્યારે થોડા ઘટશે પણ ત્યારબાદ ભાવ વધતાં રહેશે. ચીનમાં રૂનું ઉત્પાદન ગયા વર્ષ કરતાં ૧૧ લાખ ગાંસડી ઘટીને ૩૩૪૭ લાખ ગાંસડી થવાનો અંદાજ છે, અમેરિકામાં રૂનું ઉત્પાદન ૩૪ લાખ ગાંસડી વધીને ૨૨૧ લાખ ગાંસડી થવાનો અંદાજ છે જો કે બ્રાઝિલમાં રૂનું ઉત્પાદન ૧૦ લાખ ગાંસડી ઘટયું છે.
કેવું રહેશે કપાસનું ઉત્પાદન :
રૂનું ઉત્પાદન વિશ્વમાં ગયા વર્ષ જેટલું જ રહેવાનો અંદાજ છે. ભારતીય રૂ બજારમાં માટે સૌથી અગત્યની વાત એ છે કે ભારત બાંગ્લાદેશ, વિયેટનામ અને ચીનમાં રૂની મોટી નિકાસ કરે છે. આ ત્રણે દેશોની રૂની માગ આ વર્ષે સૌથી વધુ રહેશે. બાંગ્લાદેશની રૂની આવક ચાર લાખ ગાંસડી, ચીનની ૧૦ થી ૧૪ લાખ ગાંસડી અને વિયેટનામની રૂની આયાત ચાર થી પાંચ લાખ ગાંસડી વધવાનો અંદાજ છે જેને ફાયદો ભારતીય રૂની નિકાસને થશે. આથી રૂના ભાવ આ વર્ષે બહુ ઘટે તેવી શક્યતા નથી.
કપાસ ટેકાના ભાવ :
સીસીઆઈ પાસે રૂનો જથ્થો તળિયાઝાટક હોઇ સીસીઆઇના તમામ ગોડાઉન ખાલી છે એટલે કપાસના ભાવ ટેકાના ભાવથી નીચે જશે તો સીસીઆઈ મોટી ખરીદી કરવા બજારમાં આવશે. આથી જો કપાસના ભાવ ટેકાના ભાવ મણના ૧૨૦૫ રૂપિયાથી ઘટી જાય તો ખેડૂતોએ કપાસ વેચવાનું બંધ કરી દેવું જોઇએ.
કપાસના ખેડૂતોએ આ વર્ષે સારા ભાવ મેળવવા માટે કપાસ વેચવાનો સમય નક્કી કરવામાં ખાસ ધ્યાન રાખવું.
ગુજરાતમાં નવી મગફળીની આવકોમાં સતત વધારો થતા, મગફળી ના ભાવમાં ઉછાળો