કૃષિ રાહત પેકેજ (agricultural relief package): ગત ઓગસ્ટ માસમાં અતિવૃષ્ટિના કારણે ખેતી પાકને થયેલા નુકસાનની સહાય મેળવવા માટે ખેડૂતોને આગામી તારીખ ૩૧ ઓક્ટોબર સુધીમાં રજિસ્ટ્રેશન કરાવવા માટે સૂચિત કરવામાં આવ્યું છે.
આ સમયગાળા દરમિયાન દિવાળીના તહેવારો આવતા હોવાથી અને સરકારી કચેરીઓમાં રજાનો માહોલ હોવાથી આ તારીખ લંબાવી આગામી ૧૫ નવેમ્બર, ૨૦૨૪ સુધીમાં રજિસ્ટ્રેશન કરાવવાની છૂટ આપવાની માંગ ભારતીય કિસાન સંઘ તરફથી કરવામાં આવી છે.
આ અંગે સંઘના પ્રમુખ બળવંતસિંહ નાથુભાઈ પરમારે સરકારને અપીલ કરી છે કે સરકાર દ્વારા ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સરકારના માપદંડ મુજબ અસરગ્રસ્ત ખેડૂતો તેનો લાભ મળશે.
આ માટે ફોર્મ રજિસ્ટ્રેશન કરવા ગ્રામ પંચાયતના વી.સી.ઈ.ની તારીખ રપ ઓક્ટોબરથી ૩૧ ઓક્ટોબર, ૨૦૨૪ સુધીની નક્કી કરવામાં આવી છે. જેની મુદતમાં વધારો કરી ૧૫ નવેમ્બર, ૨૦૨૪ સુધીની મુદત આપવાની માંગ કરવામાં આવી છે.