ભારત દેશમાં ધાન્ય પાક પછી કઠોળનો પાક મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ખાસ કરીને મગ, ચણા અને તુવેરમાં મગને મહત્ત્વનો હિસ્સો ફાળવવામાં આવે છે. મગનો પાક રબિ, ઉનાળો અને કુળાવૃષ્ટિ – ત્રણેય ઋતુમાં વાવાઈ શકે છે. મગની દાળમાં પ્રોટીન, ફાઇબર, વિટામિન્સ, ખનિજ તત્વો અને એન્ટીઑક્સીડન્ટ્સ જેવા અનેક પોષક તત્ત્વો હોય છે, જે માનવ આરોગ્ય માટે લાભદાયક છે.
મગના ટેકાના ભાવ – સરકારનો મહત્વનો નિર્ણય
ખેડૂતોને યોગ્ય ભાવ મળે તે માટે ભારત સરકારે 2024-25 માટે મગના ટેકાના ભાવ રૂ. 8,682 પ્રતિ ક્વિન્ટલ જાહેર કર્યો છે. જોકે હાલમાં બજારમાં મગનો ભાવ લગભગ રૂ. 6,772 પ્રતિ ક્વિન્ટલ ચાલી રહ્યો છે, જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન થવાનો ખતરો છે.
આ બાબતે ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, મગના ટેકાના ભાવથી નીચે વેચાણ ન થાય અને કોઈપણ ખેડૂતને નુકસાન ન થાય એ હેતુથી રાજ્ય સરકારે ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય લીધો છે.
ખેડૂતોએ કેવી રીતે નોંધણી કરવી?
ખેડૂતોને તેમના મગના વેચાણ માટે 15 મે 2025થી 25 મે 2025 સુધી ઇ-ગ્રામ કેન્દ્રો ખાતે VCE મારફતે નાફેડના ઇ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરવી પડશે. નોંધણી માટે કોઈ ચાર્જ લાગશે નહીં.
પૂરતો જથ્થો ખરીદશે રાજ્ય સરકાર
મંત્રીએ વધુમાં ઉમેર્યું કે રાજ્ય સરકાર દ્વારા મગના ટેકાના ભાવ પર પૂરતો જથ્થો ખરીદવા માટે આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે, જેથી દરેક ખેડૂતને લાભ મળી શકે.