દેશમાં ચણાનાં ઉત્પાદનમાં ઘટાડો થવાને પગલે એપ્રિલ અંત સુધીમાં ચણાનાં બજાર ભાવ માં પાંચથી ૧૦ ટકાનો ઉછાળો આવે તેવી સંભાવનાં વેપારીઓ વ્યક્ત કરી રહ્યાં છે. ચણાની આવકો શરૂ થઈ ગઈ છે, પંરતુ માંગ ખૂબજ સારી હોવાથી જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ચણાનાં બજાર ભાવ માં ક્વિન્ટલે રૂ.૬૦૦થી ૬૫૦ની તેજી આવી ગઈ છે અને હજી ભાવ વધે તેવી ધારણાં છે.
મધ્યપ્રદેશની ઈન્દોર મંડીમાં ચણાનાં ભાવ બેન્ચમાર્ક રૂ.૫૦૦૦થી ૫૨૦૦ની વચ્ચે ચાલી હ્યાં છે, જે વધીને રૂ.૫૩૦૦થી ૫૫૦૦ સુધી પહોંચવાની સંભાવનાં વેપારીઓ વ્યક્ત કરી રહ્યાં છે. જ્યારે ચણાનો વાયદો એપ્રિલ અંત સુધીમાં વધીને રૂ.૫૬૦૦ સુધી પહોંચવાની ધારણાં છે. ચણા વાયદો ગુરૂવારે રૂ.૫૦૦૦ની સપાટી આસપાસ અથડાતો હતો.
મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ચણાનો પાક રપ ટકા જેટલો ઘટે તેવો અંદાજ છે. કેન્દ્ર સરકારે ઊંચો અંદાજ મૂક્યો છે, પંરતુ વેપારીનાં મતે પાક ઓછો થવાની ધારણાં છે. ચણાનાં પાક અંગે સરકારનાં અંદાજો ૧૧૬ લાખ ટનના આવ્યાં છે, પંરતુ વેપારીઓનાં મતે પાક ૯૦ થી ૯૫ લાખ ટન વચ્ચે જ થાય તેવી ધારણાં છે.
આગામી દિવસોમાં ચણાની આવકો ઓછી થયા બાદ બજારો વધે તેવી ધારણાં છે. વળી સરકારે પણ ચણા સહિતના કઠોળનો સ્ટોક આ વર્ષે ત્રણ લાખ ટન વધારીને ર૩ લાખ ટનનો બફર સ્ટોક કરવાનો નિર્ણય કર્યો હોવાથી તેનો સપોર્ટ પણ મળશે.