દેશમાં જવની બજારમાં ધગધગતી તેજીઃ જવાના ભાવ ટૂંક સમયમાં નવી ઊંચાઈએ પહોંચશે

WhatsApp Group Join Now
Telegram Group Join Now


ઘઉંમાં તેજી થાય કે ન થાય, પંરતુ જવની બજારમાં જબ્બર તેજી આવી છે અને ટૂંક સમયમાં જવનાં બજાર ભાવ ઓલટાઈમ ઊંચી સપાટીની નજીક પહોંચે તેવી સંભાવનાં ટ્રેડરો વ્યક્ત કરી રહ્યાં છે. જવનાં ભાવ એપ્રિલ મહિનાની શરૂઆતથી અત્યાર સુધીમાં ૧૫ ટકા જેટલા વધી ગયાં છે.

ટ્રેડરોનાં મતે જવનાં ભાવ આગામી બેથી ત્રણ સપ્તાહમાં વધીને રૂ.૨૩૦૦થી ૨૩૫૦ની ઓલટાઈમ ઊંચી સપાટી પર પહોંચે તેવી સંભાવનાં છે.

બેન્ચમાર્ક જયપૂરમાં જવનાં ભાવ હાલ રૂ.૧૭૨૦ થી ૧૭૫૦ની સપાટી પર ટ્રેડ કરી રહ્યાં છે, જ્યારે જવ વાયદો ૧૫ મહિનાની ઊંચી સપાટી રૂ.૨૦૨૦ પર પહોંચી ગયો છે. આમ જવની બજારમાં હાજર કરતાં વાયદાનાં ભાવ ઘણા ઊંચા છે અને હજી પણ રૂ.૨૦૦ થી ૩૦૦નો વધારો થવાની ધારણાં છે.

જવની વેચવાલીનાં અભાવે અને માંગ વધતા ભાવ ટૂંકમાં રૂ.૨૩૦૦ની ઉપર જવાની આગાહી…


જયપૂરનાં એક ટ્રેડરે જણાવ્યું હતું કે ખેડૂતો પાસે ખૂબ જ ઓછો સ્ટોક પડ્યો છે અને સિઝન હવે આગામી ૧૫ થી ૨૦ દિવસમાં પૂરી થઈ જશે. ટ્રેડરો પાસે મર્યાદીત સ્ટોક પડ્યો હોવાથી જવનાં ભાવ વધે તેવી ધારણાં છે.

રાજસ્થાનમાં હાલ દૈનિક ૨૦૦થી ૩૦૦ બેગની માંડ આવક થાય છે, જે ગત વર્ષે આજ સમયે ૧૮થી ૨૦ હજાર ગુણીની આવક થઈ હતી. જવની આયાત જૂન મહિના પહેલા શરૂ થાય તેવા સંજોગો નથી, જેને પગલે રાજસ્થાન જવનાં ભાવ ૩૦થી ૩૫ ટકા જેટલા આગામી સપ્તાહમાં વધી શકે છે. બીજી તરફ જવનાં ભાવ વધવાની ધારણાં હોવાથી હાલ સ્ટોકિસ્ટો પણ વેચાણ કરવાનાં મૂડમાં નથી.

એપ્રિલ મહિનાની શરૂઆતથી અત્યાર સુધીમાં ૧૫ ટકાનો વધારો જોવા મળ્યો…


ચાલુ વર્ષે દેશમાં જવનું વાવેતર ૧ર.૧ ટકા ઘટીને ૬.૮૪ લાખ હેકટરમાં થયું હતું. ખાસ કરીને રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં ઘટાડો થવાને પગલે કુલ ઉત્પાદનમાં પણ ઘટાડો થયો છે. રાજસ્થાન સૌથી મોટો ઉત્પાદક પ્રદેશ છે.

રાજસ્થાનમાં જવનું વાવેતર ૩.૨૬ લાખ હેકટરમાં થયું છે, જે ગત વર્ષે ૩.૭૧ લાખ હેકટરમાં થયું હતું. જ્યારે ઉત્તર પ્રદેશમાં ૧.૬૬ લાખ હેકટર સામે આ વર્ષે ૧.૬૩ લાખ હેકટરમાં વાવેતર થયું છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment