ગુજરાતના પીઠાઓમાં આજે કપાસની આવકો વધી ૧૭૩૪૦૦ મણે પહોંચી હતી. બજાર થોડુ ઢીલુ હતું. આજે નૈવેધ્ય હોવાને કારણે રાજકોટ, હળવદ સહિતના અમુક યાર્ડમાં કામકાજો બંધ રહ્યા હતા. નવરાત્રી પર્વ દરમિયાન ઠૅર ઠૅર જીનિંગ મીલો દ્વારા કામકાજના મુહૂર્ત થઇ રહ્યા હોવાથી લોકલ સાથે મહારાષ્ટ્રમાંથી આવતા કપાસની માગ પણ વધી હતી. અગ્રણી બ્રોકરોના મતે આજે ગુજરાતમાં અંદાજે કપાસની ૧૫૦ ગાડીઓ ઠલવાઇ હતી.
ઉત્તર ગુજરાતના કડી સ્થિત બ્રોકરોએ જણાવ્યું હતું કે, આજે મહારાષ્ટ્રના કાચા કપાસની ૩૦ થી ૩૫ ગાડીઓ આવી હતી તો લોકલમાં કુલ ૨૦ થી ૨પ ગાડીઓના વેપાર હતા. મહારાષ્ટ્રના કપાસના પ્રતિ મણના રૂ.૧૨૦૦ થી ૧૫૧૫ અને લોકલ પીઠાઓના કપાસના રૂ.૧૨૦૦ થી ૧૫૫૦ના ભાવ હતા. મહારાષ્ટ્રના કપાસમાં હજુ ૪૦ થી ૭૦ સુધીની હવા આવી રહી છે. મહારાષ્ટ્ર કરતા લોકલ કપાસમાં હવાનું પ્રમાણ ઓછું હોય છે, પરંતુ વેરિયેશન, માલ નબળો હોવો તેવી ફરિયાદો ઉઠી હતી.
હજુ સારો કપાસ ખેડૂતોની પક્કડમાં છે, હાલ જે આવી રહ્યો છે તે વધતા ઓછા પ્રમાણમાં રેઈન ડેમેજ માલ જ ગણાવાઈ રહ્યો છે. વિજાપુર ખાતે લોકલ કપાસની ૮ થી ૧૦ ગાડી અને મહારાષ્ટ્રના કપાસની ૧૫ થી ૨૦ ગાડીની આવક હતી.
લોકલ કપાસ પ્રતિ મણે રૂ.૧૪૦૦ થી ૧૬૫૦ અને મહારાષ્ટ્રનો કપાસ રૂ.૧૨૫૦ થી ૧૪૫૦ના ભાવે ખપ્યો હતો. બીજી તરફ આજે કાઠિયાવાડમાં પણ મહારાષ્ટ્રમાંથી કપાસની ૪૦ થી ૫૦ ગાડી અને લોક્લની રપ થી ૩૦ ગાડી મળી કુલ ૭૦ થી ૮૦ ગાડીની આવકો હતી.
આ પણ વાંચો :
- ગુજરાતમાં ઘઉંના ખેડૂતો માટે ભાવ વધારો હવે અટકી શકે છે, ક્યારે ઘઉં વેચવા?
- સૌરાષ્ટ્રના બાબરા માર્કેટયાર્ડ કપાસની આવકથી છલોછલ, કપાસ ના ભાવ રૂ.૧૪૨પ ઉપજ્યા
આજે રાજકોટ સહિતના અનેક પીઠાઓમાં કામકાજ બંધ રહ્યા હતા. લોકલ અને પરપ્રાંતમાંથી કપાસની જે આવકો થઈ રહી છે તેમાં કપાસની ક્વોલિટીમાં ધીમે ધીમે સુધારો જોવા મળી રહ્યો છે.
હજુ જો વરસાદ ન પડ્યો અને વાતાવરણ આ રીતે ખુલુ રહ્યું તો, પાંચેક દિવસ પછી કપાસની ક્વોલિટી સુધરી જશે, તેવો વિશ્વાસ અગ્રણી બ્રોકરો વ્યક્ત કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, શુક્રવારે દશેરા હોઇ, આજે વિજ્યાદશમીએ પણ અનેક જીનર્સો કામકાજનું મુહૂર્ત કરવાના હોવાથી બજારમાં તેનો કરંટ પણ જોવા મળતો હતો.