Jeera price Today (જીરા નો ભાવ આજનો): આજે જીરૂના બજારમાં ભાવ સ્ટેબલથી મજબૂત જોવા મળ્યા હતા. ખાસ કરીને ગોંડલ જેવા મુખ્ય પીઠાઓમાં મણે રૂ.225નો સુધારો નોંધાયો હતો. ઉંઝા માર્કેટમાં 40 હજાર બોરી સહિત સમગ્ર ગુજરાતમાં 90 થી 95 હજાર બોરીની આવક જોવા મળી હતી.
ખેતીપાકના બજારમાં ખેડૂતો હાલ તેમના સ્ટોકના વેચાણ માટે તૈયાર છે, અને બજારમાં આવકનું દબાણ વધવાની સંભાવના છે. જોકે, જીરૂના ભાવની આગામી દિશા નિકાસકારોની માંગ પર નિર્ભર છે. હાલ ફોરવર્ડ વેપારો સક્રિય હોવાથી અને નીચા ભાવથી સ્ટોકિસ્ટો વેચાણ માટે આગળ આવી શકે તેવી ધારણા છે, જેના કારણે બજારમાં ઘટાડો અટક્યો છે.
કેવા રહેશે જીરૂના બજાર ભાવ
વેપારીઓ મુજબ, જીરૂ બજારમાં હોળી પહેલા આવકનું દબાણ વધવાની સંભાવના છે. જેના કારણે ભાવ ગમે ત્યારે રૂ.50 થી 100 ની ઘટી શકે છે. ચીન, જે જીરૂ માટે મહત્વનું નિકાસ બજાર છે, તેઓ હાલ ઊંચા ભાવને લીધે ખરીદીમાં રસ નથી દર્શાવી રહ્યા. ચીનના વેપારીઓએ અગાઉના સોદાઓમાં મોટું નુકસાન સહન કરવું પડ્યું હોવાથી, તેઓ હાલ નવા જીરૂની ખરીદ માટે ‘વેઈટ એન્ડ વોચ’ સ્થિતિમાં છે.
જીરૂ વાયદા બજારમાં તેજી
બેન્ચમાર્ક જીરૂ વાયદા બજારમાં 125 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. જીરૂ વાયદો રૂ.21,460 ની સપાટીએ બંધ રહ્યો હતો. આ એ દર્શાવે છે કે થોડીક ખરીદી હજી પણ મજબૂત છે, અને નિકાસની માંગ સારી રહે તો ભાવ ઊંચા રહી શકે છે.
ગુજરાતમાં જીરૂની આવક કેટલી
ગુજરાતના વિવિધ પીઠાઓમાં જીરૂની આવક નોંધપાત્ર જોવા મળી હતી. રાજકોટમાં 10,000 બોરી, જામજોધપુરમાં 800 બોરી, ગોંડલમાં 5,000 બોરી, બોટાદમાં 4,800 બોરી, જસદણમાં 10,000 બોરી, હળવદમાં 12,000 બોરી, જામનગરમાં 2,400 બોરી, વાંકાનેરમાં 2,500 બોરી, ઉત્તર ગુજરાતમાં 900 બોરી, અને કચ્છમાં 1,000 બોરીની આવક નોંધાઈ હતી. આ સિવાયના અન્ય પીઠાઓમાં 3,000 બોરીની આવક થઈ હતી. કુલ મળીને, સમગ્ર ગુજરાતમાં 90 થી 95 હજાર બોરીની આવક થઈ હોવાનું અંદાજવામાં આવે છે.
કેવી રહેશે જીરૂની બજાર
વિશ્લેષકો માને છે કે નિકાસકારો જો સક્રિય થાય અને ચીન-યુરોપ તરફથી માંગમાં સુધારો થાય, તો જીરૂના ભાવ ફરીથી મજબૂત બની શકે. જો તેમ ન થાય, તો આવકના વધતા દબાણના કારણે થોડીક મંદી આવી શકે છે. આગામી 10-15 દિવસ માટે બજારની હાલત મહત્વની રહેશે અને વેપારીઓએ બજારની ગતિ પર નજર રાખવી જરૂરી છે.