વિતેલા સપ્તાહમાં ડુંગળીની બજારમાં ભાવ ધીમી ગતિએ વધ્યાં હતાં અને લાલનાં ભાવ સપ્તાહમાં મણે રૂ.રપ જેવા વધીને સારી ક્વોલિટીમાં રૂ.૨૦૦ થી ર૨૬૫ સુધીનાં બોલાયાં હતાં. સફેદનાં ભાવ હજી પણ રૂ.૨૦૦ની અંદર જ ટ્રેડ થઈ રહ્યાં છે.
આગામી દિવસોમાં ડુંગળીનાં ભાવ મજબૂત રહી શકે છે, પંરતુ તેનો મોટો આધાર વરસાદ-વાવાઝોડા ઉપર પણ છે. વેપારીઓ કહે છેકે જો ગુજરાતમાં કે મહારાષ્ટ્રમાં નાશીકમાં તાઉ’તે વાવાઝોડા ની અસરે વરસાદ પડશે તો ડુંગળીની ક્વોલિટીને અસર પહોંચી શકે છે અને ભાવ થોડા વધી શકે છે.
સારી ક્વોલિટીની બજારમાં સુધારાની સંભાવનાં છે. આ તરફ કોરોનાનાં વાયરસનાં કેસ હજી જોઈએ એટલી માત્રામાં ઘટતા નથી, પંરતુ જૂન મહિનામાં મોટી રાહત મળે તેવી પણ સંભાવનાં છે. જો આવું થશે તો ડુંગળીની માંગ રેસ્ટોરેન્ટ, હોટલ સેક્ટરમાં વધી શકે છે અને ભાવ ઊંચકાય તેવી ધારણાં છે.
નાફેડ દ્વારા ડુંગળીની બે લાખ ટનની ખરીદી માટેની શરૂઆત કરવામાં આવી છે,પંરતુ નાફેડ ખૂબ જ નીચા ભાવથી ડુંગળીની ખરીદી કરતું હોવાથી પૂરતી માત્રામાં ડુંગળી મળતી નથી. આગામી દિવસોમાં જો નાફેડ ઊંચા ભાવથી ખરીદી કરે તો ખેડૂતોને ખરેખર બફર સ્ટોકનો ફાયદો મળી શકે છે.
ડુંગળીની આવકો હાલ ગુજરાતમાં મહુવા અને ગોંડલ યાર્ડમાં થઈ રહી છે અને ચાલુ સપ્તાહથી ગોંડલ સહિત બીજા સેન્ટરોમાં પણ ડુંગળીનાં વેપારો શરૂ કરવામાં આવે તેવી ધારણાં. ગુજરાતમાં તાઉ’તે વાવાઝોડા ની તા.૧૮ થી ૨૦ વચ્ચે અસર પૂરી થયા બાદ યાર્ડો રાબેતા મુજબ શરૂ થઈ જવાની ધારણાં છે.