દેશની રૂની આવક બુધવારે થોડી વધીને અઢી લાખ ગાંસડી આસપાસ રહી હતી. જુદી જુદો એજન્સીઓ પાસેથી મળેલા રિપોર્ટ અનુસાર બુધવારે દેશમાં રૂની આવક ૨.૪૪ લાખ ગાંસડીથી થી ૨.૭૪ લાખ ગાંસડી રહી હતી.
નોર્થમાં પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં થોડી આવક વધી હતી. નોર્થમાં ઘઉનું વાવેતર કાર્ય પુરૂ થતાં તેમજ દિલ્હી આંદોલનનું સમાધાન થવાની શક્યતાએ કેટલાંક ખેડૂતો તેમના રાજ્યમાં પાછા ફરતાં કપાસની આવક વધી હતી.
ગુજરાત, મહારાષ્ટ્ર અને તેલંગાનામાં કપાસની આવક જળવાયેલી હતી. કપાસિયા-ખોળ અને રૂના ભાવ છેલ્લા ત્રણ દિવસથી સતત વધી રહ્યા હોઇ અને સીસીઆઈ દ્રારા છેલ્લા ત્રણ દિવસમાં રૂના ભાવમાં ખાંડીએ રૂ.૪૦૦નો વધારો કરતાં તેની અસરે કપાસ સમગ્ર દેશમાં બુધવારે મણે રૂ.૧૦ થી ૧૫ સુધર્યા હતો.
ગુજરાતમાં મંગળવારે કપાસની આવક થોડી વધી હતી અને ભાવ મણે રૂ.૧૦ થી ૨૦ સુધી વધ્યા હતા. કપાસના અગ્રણી બ્રોકરોના જણાવ્યા અનુસાર ગુજરાતના સેન્ટરમાં આવી રહેલા લોકલ ક્પાસ અને અન્ય રાજ્યમાંથી આવતાં કપાસની કવોલીટીના ઇસ્યુ સતત વધી રહ્યા હોઇ સારી કવોલીટીના કપાસના ભાવ સતત વધી રહ્યા છે.
ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જે કપાસ આવી રહ્યો છે તેમાં ૨૦ ટકા સારી કવોલીટીનો કપાસ જીનર્સોને મળી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં નવા કપાસની આવક ૧.૫૫ લાખ મણની રહી હતી નવા કપાસના ભાવ નીચામાં રૂ।.૧૦૪૦ થી ૧૦૬૦ અને ઊંચામાં રૂ.૧૧૪૦ થી ૧૧૬૦ ભાવ હતા જ્યારે જૂના કપાસની ૧૩૦૦મણની આવક હતી અને ભાવ રૂ.૯૨૦ થી ૧૦૫૦ હતા.
જીનપહોંચ કપાસના ભાવ આજે મણે રૂ।.૧૦ સુધર્યા હતા. એકસ્ટ્રા સુપર કવોલીટી એટલે કે ૩૫ ઉપરના ઉતારા અને ૧૦ ટકા નીચે હવા ધરાવતાં કપાસના રૂ.૧૧૪૫ થી ૧૧૫૫ બોલાતા હતા. એવરેજ સુપર કવોલીટીના રૂ.૧૧૩૫ થી ૧૧૪૦, મિડિયમ ક્વોલીટીના રૂ।.૧૧રપ થી ૧૧૩૦ અને એકદમ એવરેજ કવોલીટીના રૂ.૧૦૯૫ થી ૧૧૧૦ના ભાવ બોલાયા હતા.
ગામડે બેઠા સારી ક્વોલીટીના કપાસના આજે ઊંચામાં રૂ.૧૧રપ બોલાતા હતા અને રૂ.૧૧૦૦ની નીચે કોઇને વેચવા નહોતા. ગામડે બેઠા હવે સૌરાષ્ટ્રમાં હવે ધીમે ધીમે વેપાર વધી રહ્યા છે.
કડીમાં મહારાષ્ટ્રના કપાસની આવક વધીને ૨૫૦ ગાડી રહી હતી. કડીના અગ્રણી બ્રોકરના જણાવ્યા અનુસાર કર્ણાટક કપાસ અને આંધ્રપ્રદેશના કપાસની કવોલીટી સતત બગડી રહી હોઇ હવે જીનર્સો મહારાષ્ટ્રના કપાસ તરફ વળતાં બુધવારે મહારાષ્ટ્રના કપાસમાં મણે રૂ.૨૦ સુધર્યા હતા.
મહારાષ્ટ્રના કપાસના રૂ।.૧૧૦૦ થી ૧૧૩૦, મેઇન લાઈનના કપાસના રૂ.૧૦૮૦-૧૧૦૦, કાઠિયાવાડના કપાસના રૂ।.૧૧૨૦ થી ૧૧૪૦, આંધ્રના કપાસના રૂ.૧૦૮૦-૧૧૦૦ અને કર્ણાટકના કપાસના રૂ.૧૧૦૦ થી ૧૧૪૦ બોલાતા હતા.