સારી ક્વોલિટીના કપાસના ભાવ વધશે, નબળી ક્વોલિટીના ભાવ ઘટશે

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

દેશમાં કપાસની આવક દિવસેને દિવસે ઘટી રહી છે. ઉત્તર ભારતના રાજ્યો પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના કપાસની આવક હવે ૮૦ ટકા પૂરી થઇ ચૂકી છે. આ ત્રણેય રાજ્યોમાં કપાસની આવક એક તબક્કે રોજની ૮ થી ૧૦ લાખ મણની હતી જે ઘટીને અત્યારે અઢી થી ત્રણ લાખ મણ જ રહે છે.

પંજાબ-હરિયાણાના કપાસના બ્રોકરોના જણાવ્યા પ્રમાણે ૯૦ ટકા પાકની આવક થઈ ચૂકી હોઇ હવે દિવસેને દિવસે આવક ઘટતી જશે. આવી જ સ્થિતિ દક્ષિણ ભારતના રાજ્યોના તેલંગાના, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તામિલનાડુ અને ઓરિસ્સાની છે.

તેલંગાનામાં એક તબક્કે રોજની ૧૩ થી ૧૪ લાખ મણની આવક હતી તે ઘટીને હાલ ૭ થી ૮ લાખ મણ કપાસની આવક થઈ રહી છે. તેલંગાનામાં ગુલાબી ઇયળ અને પાછોતરા વરસાદને કારણે કપાસની કવોલીટી બગડી ચૂકી હોઈ હવે તેલંગાનામાં પણ સારી કવોલીટીના કપાસની આવક દિવસેને દિવસે ઘટી રહી છે.

ખેડૂતો કપાસના સારા ભાવ મેળવવા રોજેરોજ ભાવની જાણકારી મેળવો…

આંધ્રપ્રદેશની સ્થિતિ પણ તેલંગાના જેવી છે. કર્ણાટકમાં કપાસની કવોલીટી ઘણી જ સારી છે. મહારાષ્ટ્રમાં કપાસની આવક ધીમે ધીમે ઘટી રહી છે અને હવે કવોલીટી પણ બગડી ચૂકી છે.


વિદેશી બજારોની સ્થિતિ જોઇએ તો અમેરિકામાં કપાસનો પાક એકદમ ઓછો થયો હોઇ ન્યુયોર્ક રૂ વાયદો વધીને ૮૨ સેન્ટના લેવલે પહોંચ્યો છે જે એક મહિના પહેલા ૭૦ થી ૭૨ સેન્ટ હતો.

પાકિસ્તાનમાં પણ રૂનો પાક ઘણો જ ઓછો થયો હોઈ પાકિસ્તાન સતત અમેરિકાથી રૂ ખરીદી રહ્યું હોઇ અમેરિકામાં રૂના ભાવ સતત વધી રહ્યા છે. વિશ્વમાં રૂના ભાવ ન્યુયોર્ક રૂ વાયદાની વધ-ઘટ પરથી નક્કી થાય છે.

ન્યુયોર્ક રૂ વાયદો ચાલુ વર્ષે સીઝનના આરંભથી સતત વધી રહ્યો છે. આથી તેની અસર ભારતીય કપાસ અને રૂ બજારમાં પર જોવા મળશે.


ગુજરાતમાં ખાસ ડરીને સૌરાષ્ટ્રમાં કપાસના ભાવ હાલ નબળા કવોલીટીના રૂ।.૧૦૦૦ થી ૧૦૫૦ અને સારી કવોલીટીના રૂ.૧૧૭૫ થી ૧૧૯૦ સુધી બોલાય છે. કેટલાંક યાર્ડોમાં એકદમ સુપર બેસ્ટ કપાસના ભાવ રૂ।.૧૨૦૦ની ઉપર બોલાય છે.

કપાસિયા-ખોળ ભાવ અને કપાસિયાતેલના ભાવ અત્યાર સુધી સતત વધતાં રહ્યા હતા તેના કારણે કપાસના ભાવ છેલ્લા દોઢ થી બે મહિનામાં મણે રૂ.૧૨૫ થી ૧૫૦ વધ્યા છે.

આંતરરાષ્ટ્રીય બજાર અને અહીંની સ્થિતિ જોતાં કપાસના ભાવ વધીને રૂ।.૧૩૦૦ થાય તેવું બધા માની રહ્યા છે પણ સારી કવોલીટીનો કપાસ પડ્યો હશે તો જ તેના ભાવ ખેડૂતોને સારા મળશે, નબળી કવોલીટીનો કપાસ હશે તો તેના સારા ભાવ મળવાની કોઈ શક્યતા નથી કારણ કે સારી કવોલીટીના કપાસની અછત દિવસેને દિવસે વધી રહી છે.


કપાસિયાતેલના ભાવ વધ્યા મથાળાથી ઘટી ગયા છે તેને લીધે કપાસિયામાં હવે તેજી થવાની શક્યતા ઓછી છે પણ કપાસિયાખોળના ભાવ હજુ સુધરી શકે છે તેમજ રૂના ભાવ પણ આગળ જતાં વધશે તેનો ટેકો કપાસના ભાવને મળશે.

આ તમામ સ્થિતિ પર ખેડૂતો ખાસ ધ્યાન રાખે, કપાસના ભાવ બજારમાં કેવા ચાલે છે અને તમારો દલાલ તમારી પાસેથી શું ભાવે કપાસ ખરીદી જાય છે, તેની ઉપર ખાસ નજર રાખો.

કેટલાંક ગામડામાંથી ફરિયાદ આવી છે કે અમારો દલાલ અમારી પાસેથી નીચા ભાવે કપાસ ખરીદી જાય છે તેની સામે બજારમાં કપાસના ભાવ ઊંચા છે, આવું ખેડૂત સાથે ન થાય તે માટે રોજેરોજ ભાવની વધ-ઘટ પર નજર રાખો જેથી ખેડૂતોને કપાસના ભાવ વધે તો તેનો ફાયદો થાય.

Leave a Comment