કપાસના ભાવમાં ઓચિંતા વધારો: સારી કવોલીટોના ભાવ વધવાથી ખેડૂતોને ફાયદો

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

કપાસના ભાવ ગત્ત સપ્તાહે નબળા કપાસમાં મણે રૂ.૧૦ થી ૧૫ અને સારી કવોલીટીના કપાસમાં મણે રૂ.૩પ થી ૪પ વધી ગયા. ગત્ત સપ્તાહે જ અહીં લખ્યું હતું કે કપાસના ભાવ ફરી ઉછળશે અને અહીં લખ્યા પ્રમાણે કપાસના ભાવ ઉછળ્યા છે.

સપ્તાહના અંતે નબળા કપાસના ભાવ રૂ।.૧૦૨૫ થી ૧૦૫૦ અને સારી કવોલીટીન કપાસના ભાવ રૂ.૧૨૦૦ થી ૧૨૩૫ સુધી બોલાયા હતા. એકસ્ટ્રા સુપર કવોલીટી કપાસના ભાવ રૂ.૧૨૪૦ થી ૧૨૪૫ સુધી બોલાયા હતા.

દેશમાં કપાસની આવક એકધારી ઘટી રહી છે કારણ કે ઉત્તર ભારતમાં પંજાબ, હરિયાણા અને રાજસ્થાનનો ૯૦ ટકા કપાસ બજારમાં આવી ચૂક્યો છે. આ ત્રણેય રાજ્યમાં ઓકટોબર થી ડિસેમ્બર દરમિયાન રોજની ૧૨ થી ૧૪ લાખ મણ કપાસની આવક થતી હતી તે ઘટીને હાલ અઢી થી પોણા ત્રણ લાખ મણની આવક થઇ રહી છે.

દક્ષિણ ભારતના રાજ્યમાં પણ કપાસની આવક ઝડપથી ઘટી રહી છે. તેલંગાનામાં કપાસની આવક એક તબક્કે રોજની ૧૧ થી ૧૨ લાખ મણ આવી રહી હતી તે ઘટીને ૪ લાખ મણ જ આવી રહી છે.

દેશમાં હવે ગુજરાત અને મહારાષ્ટ્ર બે જ રાજ્યોમાં મોટી આવક થઈ રહી છે જો આ બંને રાજ્યમાં પણ બે મહિના પહેલા જે આવક થતી હતી તેના કરતાં આવક અડધી થઇ ચૂકી છે.

દેશમાં કપાસનું ઉત્પાદન ૮૬.૧૦ કરોડ મણ થવાનો અંદાજ કોટન એસોસીએશન ઓફ ઇન્ડિયા એ મૂક્યો હતો તેમાંથી ૬૦ થી ૬ર કરોડ મણ કપાસની આવક થઇ ચૂકી છે જે ગત્ત વર્ષ કરતાં ઘણી વધુ છે કારણ કે ખેડૂતોના કપાસના ઊંચા ભાવ મળતાં આ વર્ષે વેચવાલી વધુ ઝડપથી થઇ હતી અને હવે દેશભરમાં બહુ કપાસ બચ્યા નથી. કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા રૂના ભાવ સતત વધી રહ્યા હોઇ જીનર્સોની કપાસ ખરીદી પણ આ વર્ષે મોટી રહી છે.

સૌથી મહત્વની વાત એ છે કે સમગ્ર દેશમાં હવે સૌથી વધુ કપાસ માત્રને માત્ર સૌરાષ્ટ્રમાં બચ્યો છે. સૌરાષ્ટ્રમાં પણ હજુ પણ જૂના કપાસની આવક પણ થઈ રહી છે. આથી સૌરાષ્ટ્રના ખેડૂતોએ સારા ભાવ થાય તેની હજુ રાહ જોવાની જરૂર છે.

ચાલુ સપ્તાહે કપાસના ભાવમાં ઉછાળો જોવા મળ્યો તેની પાછળ અમેરિકામાં આવેલી તેજી જવાબદાર છે. અમેરિકામાં ચાલતાં ન્યુયોર્ક રૂ વાયદામાં ઝડપી તેજી થતાં તેની પાછળ અહીં રૂના ભાવ વધ્યા તેની સાથે કપાસની આવક ઝડપથી ઘટવા લાગતાં કપાસિયા અને કપાસિયાખોળના ભાવ માં પણ તેજી જોવા મળી. આ તમામમાં તેજી થતાં તેની આગ કપાસના ભાવમાં પણ જોવા મળી.

અમેરિકામાં ગત્ત વર્ષે રૂનું ઉત્પાદન ૨.૫૫ કરોડ ગાંસડી થયું હતું જે ઘટીને ચાલુ વર્ષે ૧.૯૧ કરોડ ગાંસડી થયું છે. તે જ રીતે પાકિસ્તાનમાં રૂનું ઉત્પાદન ગત્ત વર્ષે ૭૯ લાખ ગાંસડી થયું હતું જે ચાલુ વર્ષે ઘટીને પપ લાખ ગાંસડી જ થયું છે.

અમેરિકા અને પાકિસ્તાનમાં રૂનું ઉત્પાદન ઘટવા સામે વિશ્વમાં કોરોના વાઈરસની અસર ઘટવા લાગતાં કાપડ, રેડીમેઈડ કપડાનો વપરાશ વધ્યો છે જેને કારણે તેજી થઇ છે. ન્યુયોર્ક રૂ વાયદો ગત્ત સપ્તાહે ૭૯ સેન્ટથી વધીને ૮૪.૫૦ સેન્ટ સુધી વધ્યો હતો. ભારતમાં રૂના ભાવ ગત્ત સપ્તાહે ખાંડીએ રૂ।.૧૦૦૦, કપાસિયાના ભાવ મણે રૂ।.૩૦ થી ૪૦ અને ખોળનો ભાવ ગુણીએ રૂ।.૫૦ થી ૭૦ વધ્યો હતો.

1 thought on “કપાસના ભાવમાં ઓચિંતા વધારો: સારી કવોલીટોના ભાવ વધવાથી ખેડૂતોને ફાયદો”

Leave a Comment