કેસર કેરીની બેશૂમાર આવકને લીધે ભાવ તળિયે પહોંચી જતા ગઈ સિઝનમાં સ્વાદ શોખીનોને મજા પડી ગઇ હતી. પરંતુ આ વખતે સિઝન મોડી અને ફિક્કી રહેવાની સંભાવના છે.
વાતાવરણમાં થયેલા ફેરફારોને લીધે સોરઠ વિસ્તારમાં અને અમરેલી પંથકમાં જ્યાં કેરી મહત્તમ પાકે છે ત્યાં પાક ૪૦-૫૦ ટકા ક્રપાશે એવી સંભાવના છે. વળી, તાલાલા મેંગો માર્કેટમાં કેરીની હરાજી પણ આ વખતે મોડી થાય એમ છે કદાચ આખો એપ્રિલ કે એપ્રિલના ર૦-રપ દિવસ રાહ જોવાની આવે તેવા સંકેત મળ્યા છે.
તાલાલા માર્કેટ યાર્ડના એક અધિકારી કહે છે, એપ્રિલના અંતિમ દિવસોમાં કે મે મહિનાના પ્રથમ સપ્તાહમાં હરાજી શરૂ કરવાનું આયોજન થાય એમ છે. કારણકે કેરીનો આગોતરો ફાલ બગડી ગયો છે. પાછોતરો ફાલ વધારે આવે તેમ છે એટલે હરાજી મોડી પડશે. કેસર કેરીની હરાજી તાલાલામાં શરૂ થાય એ પછી જ બજારમાં કેરીની આવક એકદમથી વધતી હોય છે.
જૂનાગઢ તાલાલા ગીરની કેર કેરીમાં ફાલ પાછોતરો છે અને કેરીનું ઉત્પાદન પણ ઓછું હોવાથી એક મહિનો કેસર કેરીની હરાજીમાં વિલંબ થશે…
પાછલા વર્ષમાં તાલાલામાં ૧૮ એપ્રિલના દિવસે હરાજીની શરૂઆત કરવામાં આવી હતી. છેક ૧૬ જૂન સુધી હરાજી થઇ હતી. લગભગ બે મહિના સુધી લાંબી સીઝન ચાલતા આવક પણ વિક્રમી ૧ર.૫૦ લાખ બોક્સ થઈ હતી. કેસર કેરીનું ઉત્પાદન પણ ઘણું સારું રહેતા લોકોને સીઝનમાં એક કિલોએ રૂ.૪૦-૬૦ વચ્ચે રહ્યા હતા. ર૦રરમાં ર૬ એપ્રિલે હરાજી શરૂ થઈ હતી. એ જોતા આ વર્ષે પણ માસાંત પૂર્વે કેસર કેરીની હરાજી શક્ય નહીં બને.
ગોંડલ માર્કેટ યાર્ડમાં ગયા મહિનામાં જ કેસર કેરીની પ્રથમ આવક સાથે હરાજીનો આરંભ કરી દેવામાં આવ્યો છે. અલબત્ત ત્યાં અત્યારે પરપ્રાંતની અને ધારી વિસ્તારની કેસર કેરી આવી રહી છે. જ્યાં દસેક દિવસમાં આવક અને વેપારનો ધમધમાટ વધવાની ગણતરી છે.
રાજકોટ માર્કેટ યાર્ડમાં ખાખડી અર્થાત નાની કાચી કેરીની આવક રોજ ૫૦૦ મણ જેટલી થાય છે, જેનો ભાવ હરાજીમાં રૂ. ૩૦-૪૫ પ્રતિ ક્લો ચાલે છે. કાચી કેરી કચુંબર અને ફાસ્ટફૂડવાળા ચટણી-ભેળ માટે વાપરે છે. સૌજન્ય: વ્યાપાર