કપાસના ભાવમાં ગત્ત સપ્તાહ દરમિયાન સાવ નજીવી વધ-ઘટ જોવા મળી હતી. સમગ્ર ગુજરાતમાં આખું અઠવાડિયું કપાસના ભાવ ઊંચામાં રૂ.૧૧૨૫ થી ૧૧૫૦ અને નીચામાં રૂ।.૧૦૦૦ થી ૧૦૪૭૦ સુધી બોલાયા હતા.
કડીમાં દેશાવરના કપાસની આવક ધીમે ધીમે ઘટી રહી છે જ્યારે ગુજરાતના માર્કેટયાર્ડોમાં કપાસમાં આવક ટકેલી છે જો કે સૌરાષ્ટ્રના ગામડે બેઠા આ વર્ષે વેપાર બહુ જ ઓછા થાય છે કારણ કે કપાસમાં કવોલીટી અંગે બહુ જ મોટી ફરિયાદો છે જો કે અત્યારે જે વીણીનો કપાસ આવે છે તે સેન્ટરોમાં થોડી કવોલીટી સુધરી રહી છે અને ગુલાબી ઈયળનો ઉપદ્રવ છેલ્લી વીણીમાં જોવા મળ્યો નથી.
જીનર્સો, વેપારીઓ અને દલાલો સાથે વાત કરતાં જાણવા મળ્યું છે કે સારી ક્વોલીટીના કપાસમાં ખેડૂતોની મજબૂત પક્કડ હોઇ અને જે રીતે રૂના ભાવ વધી રહ્યા છે તે જોતાં કપાસના ભાવ ત્રણ-ચાર મહિના પછી વધીને મણના રૂ.૧૩૦૦ થવાની પૂરેપૂરી શક્યતા છે.
રૂના ભાવને સીસીઆઈની ખરીદીનો ટેકો છે. સીસીઆઈ પાસે હવે જૂનો રૂનો સ્ટોક બહુ જ ઓછો બચ્યો છે જ્યારે નવું રૂ પણ ધીમે ધીમે વેચાઈ રહ્યું છે.
ગુજરાતની સ્પીનીંગ મિલોને હાલ બહુ મોટો નફો મળી રહ્યો હોઇ તેઓ રૂની ખરીદી હજુ લાંબા સમયથી સુધી કરતાં રહેશે એટલે રૂના ભાવ વધીને રૂ.૪૫,૦૦૦ થી ૪૬,૦૦૦ થવાનું હાલ ચોખ્ખું દેખાય છે.
કદાચ રૂના ભાવ સીઝનના અંતિમ તબક્કામં ર્।.૫૦,૦૦૦ પણ થઈ શકે છે. રૂના ભાવ વધશે તો જીનર્સોની કપાસ ખરીદી વધશે. આ ઉપરાંત કપાસિયાને કપાસિયા તેલનો ટેકો છે.
તમામ ખાવાના તેલમાં લાલચોળ તેજી ચાલી રહી છે જેને પગલે કપાસિયા તેલના ભાવ પણ સતત વધી રહ્યા હોઇ કપાસિયાના ભાવને પણ ટેકો મળી રહ્યો છે. કપાસિયાના ભાવ મણના રૂ।.૫૦૦ ઉપર હોઇ તેમાં વધુ તેજી થશે તો કપાસના ભાવ પણ વધશે.
કપાસિયા ખોળના ભાવ માં હવે તા.૧૫મી જાન્યુઆરી પછી સ્ટોકીસ્ટોની ખરીદી ચાલુ થશે ત્યારે કપાસિયાખોળના ભાવ પણ વધશે. આમ, કપાસના ભાવને ચારે તરફથી ટેકો મળતાં કપાસના ભાવ ધીમે ધીમે વધતાં જશે.
સારી ઉતારાવાળા અને બેસ્ટ કપાસના ભાવ વધીને રૂ.૧૪૦૦ કે રૂ.૧૫૦૦ પણ થઇ શકે તેવા સંજોગો છે પણ રૂ।.૧૩૦૦ તો થવાનું ચોપ્ખું દેખાય છે.