કપાસના ભાવ સતત વધી રહ્યા હોઇ અને મહારાષ્ટ્રમાં કોરોનાવાઇરસના કેસો વધતાં લોકડાઉન આવવાની સંભાવનાએ કપાસની વેચવાલી વધતાં દેશમાં કપાસની આવક ગુરૂવારે વધી હતી.
દેશમાં ગુરૂવારે રૂની આવક વધીને ૯૦ થી ૯૨ હજાર ગાંસડી એટલે કે કપાસની આવક ર૨૨ થી ૨૩ લાખ મણ નોંધાઇ હતી. દેશના તમામ સેન્ટરમાં કપાસના ભાવ સતત વધી રહ્યા છે.
ઉત્તર ભારતમાં પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં કપાસની આવક સાવ તળિયે પહોંચી ગઇ છે અને સ્ટોક પણ ઓછો રહેતાં ત્યાં કપાસના ભાવ વધીને રૂ।.૧૩૦૦ સુધી બોલવા લાગતાં હવે જે ખેડૂતો પાસે કપાસ બચ્યો છે તેની પણ વેચવાલી વધી રહી છે.
મહારાષ્ટ્રમાં કપાસની આવક લોકડાઉનની બીકે વધીને ૯ થી ૧૦ લાખ મણ જોવા મળી હતી જો કે કપાસની આવક વધવા છતાં આજે ઉત્તર ભારતમાં કપાસના ભાવ માં મણે રૂ.૧૦ થી ૧૫નો વધારો થયો હતો તે જ રીતે દક્ષિણ ભારતમાં પણ કપાસના ભાવ સુધર્યા હતા.
ગુજરાતમાં કપાસની આવક માર્કેટયાર્ડોમાં પોણા બે લાખ મણની હતી. કડીમાં મહારાષ્ટ્રના કપાસની આવક મંગળ-બુધવારે વધી હતી પણ ગુરૂવારે ફરી ઘટીને ૧૫૦ ગાડીની રહી હતી કડીમાં મહારાષ્ટ્રની ૧૫૦ ગાડી , આંધ્રની ૪-૫ ગાડી અને કર્ણાટકની પ-૬ ગાડી અને કાઠિયાવાડની આવક ૧રપ ગાડીની હતી.
કડીમાં મહારાષ્ટ્ર કપાસના ભાવ રૂ.૧૨૦૦થી ૧૨રપ , આંધ્રના રૂ।.૧૨૦૦ થી ૧૨૪૦, કર્ણાટક કપાસના ભાવ રૂ।.૧૨૦૦ થી ૧રપપ અને સૌરાષ્ટ્રના કપાસના રૂ.૧૧૪૦ થી ૧૨૦૫ ભાવ બોલાતા હતા. ગુરૂવારે કડીમાં કપાસના ભાવ મણે રૂ।.૧૦ વધ્યા હતા.
સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડોમાં બુધવારે આવક ૧.૩૦ લાખ મણની હતી અને સૌરાષ્ટ્ર કપાસના ભાવ નીચામાં રૂ.૧૦૫૦ થી ૧૦૭૦ અને ઊંચામાં રૂ।.૧૨૭૦ થી ૧૩૦૦ બોલાયા હતા. સૌરાષ્ટ્રમાં સારી કવોલીટીના કપાસના ભાવ મણે રૂ।.૧૦ વધ્યા હતા પણ નબળા અને મધ્યમ કવોલીટીના કપાસના ભાવ રૂ।.૫ વધ્યા હતા.
જીનપહોંચ કપાસમાં બેસ્ટ સુપર ક્વોલીટી એટલે કે ૩પ ઉપરના ઉતારા અને ૧૦ ટકા નીચે હવા ધરાવતાં કપાસના રૂ.૧૨૮૫ થી ૧૨૯૦ બોલાતા હતા. એવરેજ સુપર કવોલીટીના રૂ.૧૨૬૫ થી ૧૨૬૦, મિડિયમ કવોલીટીના રૂ.૧૨રપ થી ૧૨૪૦ અને એકદમ એવરેજ કવોલીટીના રૂ.૧૧૯૦ થી ૧૨૧૦ ભાવ બોલાયા હતા.
સૌરાષ્ટ્રના અગ્રણી બ્રોકર જણાવ્યું હતું કે રૂના ભાવ વધતાં આજે ગામડે બેઠા ખેડૂતો રૂ.૧૨૫૦ થી ૧૨૬૦ સુધી વેચવાલ નહોતા. કેટલાંક ગામડામાં ખેડૂતો રૂ.૧૨૭૦ના ભાવે વેચવાલ હતા.