હાલ ધાણાના બજાર ભાવ માર્કેટયાર્ડોમાં નબળા માલોના રૂ.૧૦૦૦ થી ૧૧૦૦ અને સારા બેસ્ટ ધાણાના રૂ.૧૨૦૦ થી ૧૩૪૦ ચાલી રહ્યા છે. દેશમાં ધાણાનું ઉત્પાદન ગુજરાતમાં મોટા પ્રમાણમાં વધ્યું છે પણ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ધાણાનો પાક ગયા વર્ષ કરતાં ઓછો છે અને જૂનો સ્ટોક આ વર્ષે સાવ તળિયાઝાટક થઇને છેલ્લા દસ વર્ષનો સૌથી નીચો છે.
દેશમાં ધાણાનું ઉત્પાદન ૯પ લાખ થી એક કરોડ ગુણી થવાનો અંદાજ છે અને જૂનો સ્ટોક ૨૦ લાખ ગુણી રહેવાનો અદાજ છે. આમ આખી સીઝન માટે ૧.૨૦ કરોડ ગુણી ધાણા મળશે પણ તેમાંથી ૨૦ લાખ ગુણી ધાણા હમેશા ખેડૂતોના ખળામાં કે કારખાનાઓના મશીનમાં બાકી રહેતાં હોય છે.
આથી ૨૦ લાખ ગુણી ધાણા બજારમાં આવતાં નથી. આમ, ૧ કરોડ ગુણી ધાણા બજારમાં આવશે તેની સામે ઘરેલું માગ ૧.૨૦ કરોડ ગુણી અને ૧૦ લાખ ગુણી દર વર્ષે ધાણા વિદેશમાં નિકાસ થાય છે.
ધાણાના ભાવ ઘટશે નહીં, આ વર્ષે ખેડૂત સાચવી રાખે તો કોઇ નુક્સાન જવાનો ડર નથી…
ધાણામાં જેટલું ઉત્પાદન થશે તેના કરતાં આ વર્ષે વપરાશ વધુ થવાની ધારણાથી ધાણામાં હાલ જે ભાવ ચાલી રહ્યા છે તેનાથી ધાણાના ભાવ ઘટવાની કોઇ શક્યતા દેખાતી નથી. આથી ખેડૂતો ધાણા સાચવી રાખે તો નુકશાની નથી.
ધાણા સાચવી રાખવાથી આગળ જતાં ધાણામાં મણે રૂ।.૧૦૦ થી ૧૫૦ વધુ મળી શકે છે. ધાણામાં ઊંચા ભાવ કદાચ ન મળે તો પણ નુક્સાની નથી કારણ કે ભાવ ઘટવાનો કોઇ ડર જ નથી.