કોટન માર્કેટના અભ્યાસુઓના મતે રૂની માંગ સારા વેગથી વધી રહી હોવાને લીધે અમેરિકન કૃષિ મંત્રાલય માને છે કે અમેરિકા, ભારત, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં વધુ એક વર્ષ ઉત્પાદન ૧૬ ટકા વધવાનું હોવા છતાં, ૨૦૨૧-રરના વર્ષમાં રૂ બજારમાં પુરવઠા ખાધ રહેશે.
કોરોના મહામારીમાં કાપડ ઉધોગે ઘણી મુશકેલીઓ વેઠી લીધી છે. એ મુશ્કેલીઓ પાર કર્યા પછી ઉત્પાદન ક્ષેત્રે ઝડપથી તંદુરસ્ત બનવા લાગ્યો છે. સતત વધી રહેલી કાપડ ઉદ્યોગની માંગને લીધે વૈશ્ચિક રૂ સ્ટોક ત્રણ વર્ષના તળિયે પહોંચી જશે, તેની ભાવ પર ચોક્કસ અસર જોવા મળશે.
૨૦૨૧માં વૈશ્વિક રૂ ઉત્પાદનમાં પ ટકાનો વધારો ચોક્કસ થશે, પણ માંગની ટકાવારી તેના કરતાં વધુ રહેતા કપાસના ભાવ વધવાની શક્યતા પણ એટલી જ રહેશે.
રૂની નિકાસ વધતા કપાસના ભાવ ઉછળ્યા :
છેલ્લા એક મહિના દરમિયાન કપાસની બજાર પ્રતિ ૨૦ કિલો રૂ.૧૫૦૦એ પહોંચી ગઇ છે. અત્યારે બહું જૂજ ખેડૂતોના ઘરમાં કપાસ પડ્યો હશે. મોટા ભાગે રૂ.૧૦૦૦ થી રૂ.૧૩૦૦ની બજારે ખેડૂતોએ કપાસ વેચી કાઢ્યો છે.
કપાસ સિઝનના છેલ્લા તબક્કે કપાસની બજારે જોર પકડ્યું છે. રૂની નિકાસ માંગને કારણે કપાસના ભાવમાં માલ ખેંચ ઉભી થવાથી તેજીનો વાયરો ફૂંકાયો છે. કપાસની વાત કરીએ તો જે સિઝન પ્રારંભે ૫૦ થી ૫૫ લાખ ગાંસડી રૂની નિકાસ થવાના અંદાજો હતા.
અત્યારે માંગ વધવાને કારણે બજારમાં ૬૫ થી ૭૦ લાખ ગાંસડી રૂ નિકાસ થવાના અંદાજો મુકાઇ રહ્યાં છે. આમ આ વર્ષે સિઝનના અંતે કપાસનો કહો કે રૂનો કેરીફોર્વર્ડ સ્ટોક ઓછો રહેવાથી પાઇપ લાઇન ખાલી રહેશે.
આ જોતા આગામી ખુલતી સિઝને પણ કપાસના સારા ભાવ મળવાના ચાન્સ વધી જાય છે. હા, ગુલાબી ઈયળ આવશે, એમ ધારીને જ કપાસની માવજત કરી ખેડૂતોએ મહત્મ ઉત્પાદન લેવાનું રહે છે.