ચણાનું આ વર્ષે ગુજરાતમાં મોટું ઉત્પાદન થયું છે પણ આખા દેશમાં નવા ગુજરાતમાં ચણાની આવક સૌથી પહેલા થઇ હોઈ ગુજરાતમાં ચણાના ભાવ શરૂઆતમાં એક મહિનો ખેડૂતોને સારા મળ્યા હતા. ચણાના ભાવ હાલ મણના નબળા ચણાના રૂ.૮૦૦ થી ૮૪૦ અને સારી જાતના ચણાના રૂ.૬૯૦૦ થી ૯૨૦ મળી રહ્યા છે.
ચણામાં ટેકાનો ભાવ મણનો રૂ.૧૦૨૦ છે પણ એકપણ ખેડૂતને સરકારે નક્કી કરેલો ટેકાનો ભાવ મળ્યો નથી અને સરકારે એક ખેડૂત દીઠ ૫૦ મણ જ ખરીદવાનો નિર્ણય કરતાં સરકારમાં ચણા વેચવામાં ખેડૂતને સોના કરતાં ઘડામણ મોંધી જેવો ઘાટ જોવા મળી રહ્યો છે.
ગુજરાત સિવાયના રાજયો મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, કર્ણાટક, ઉત્તરપ્રદેશ અને આંધ્રપ્રદેશમાં નવા ચણાની આવક હવે મોટા પ્રમાણમાં ચાલુ થઈ ચૂકી છે આથી ગુજરાતના ચણાના રાજ્ય બહાર હાલ કોઈ માંગ નથી અને અહીં હજુ ખેડૂતના ઘરમાં અને વેપારીઓ પાસે ચણાનો મોટો સ્ટોક પડ્યો છે.
ચણામાં ટુંકાગાળામાં ભાવ વધશે નહોં, આગળ જતાં ભાવ તૂટવાના જ છે, લાંબાગાળે ભાવ વધશે…
કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા હોઇ હોટેલો, લારી-ગલ્લા અને રેસ્ટોરન્ટ હવે રાત્રી કર્ફયુને કારણે અડધો દિવસ જ ખુલ્લી રહેશે આમેય હોટેલ, રેસ્ટોરન્ટ અને લારી-ગલ્લાનું ખાવા લોકો રાત્રે જ વધુ જતાં હોય છે.
કોરોના કર્ફ્યુને કારણે ચણા-ચણાદાળ, બેસન વિગેરેની માગ પણ ઘટી જવાની હોઇ ચણામાં હાલ ટૂકાગાળામાં ભાવ વધવાની કોઇ શક્યતા નથી. આગામી બે મહિના ચણામાં બજાર ભાવ ઘટતાં રહેશે ત્યારબાદ કદાચ ભાવ વધી શકે છે, પણ તેનું પણ કંઈ નક્કી નથી આથી ખેડૂતોએ હાલ ચણાના જે ભાવ મળતાં હોય તે વેચીને છુટી જવું જોઇએ.