ગુરૂવારે દેશમાં રૂની આવક ઘટીને 75 થી 80 હજાર ગાંસડી એટલે કે 18 થી 19 લાખ મણ કપાસની આવક નોંધાઇ હતી. કપાસના ભાવમાં છેલ્લા ત્રણ દિવસમાં મણે રૂ.20 થી 30નો વધારો થતાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં કપાસની આવક ઘટી હતી પણ તેની સામે દક્ષિણ ભારતના રાજ્યોમાં આવક ઘટી હતી.
વિદેશી વાયદો ઘટાડો થતાં કપાસ સહિત રૂના અને કપાસિયા-ખોળ ભાવ પણ તૂટયા હતા. જેને પગલે ઉત્તર ભારતના રાજ્યોમાં કપાસના ભાવ આજે મણે રૂ.10 થી 15 ઘટયા હતા જ્યારે મહારાષ્ટ્રના કપાસના ભાવ પણ ઘટયા હતા. એકંદર આજે સમગ્ર દેશમાં કપાસના ભાવ મણે રૂ.5 થી 15 ઘટયા હતા.
ગુજરાતમાં કપાસની આવક માર્કેટયાર્ડોમાં વધીને પોણા બે લાખ મણની અને દેશાવરની આવક પણ થોડી વધી હતી. કડીના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે આજે સવારથી બજારમાં મંદોનો માહોલ હતો. કપાસમાં સતત ભાવ તૂટી રહ્યા છે.
કડીમાં મહારાષ્ટ્રના કપાસની 100 ગાડીની અને કાઠિયાવાડના કપાસની આવક કડીમાં 200 ગાડીની હતી. કડીમાં મહારાષ્ટ્ર કપાસના ભાવ રૂ.1160 થી 1225, અને સૌરાષ્ટ્રના કપાસના રૂ.1120 થી 1200 ભાવ બોલાતા હતા. ગુરૂવારે કડીમાં કપાસના ભાવ મણે રૂ.15 થી 20 તૂટયા હતા.
સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડોમાં સોમવારે આવક વધીને 80 હજાર મણની હતી અને સૌરાષ્ટ્ર કપાસના ભાવ નીચામાં રૂ।.1050 થી 1080 અને ઊંચામાં રૂ.1250 થી 1300 બોલાયા હતા. સૌરાષ્ટ્રમાં સારી કવોલીટીના કપાસના ભાવ મણે રૂ.5 ઘટયા હતા પણ નબળા અને મધ્યમ ક્વોલીટીના કપાસના ભાવ રૂ.15 ઘટયા હતા.
જીનપહોંચ કપાસમાં બેસ્ટ સુપર કવોલીટી એટલે કે 35 ઉપરના ઉતારાવાળા રૂના ભાવ રૂ.1265 થી 1270 બોલાતા હતા. એવરેજ સુપર કવોલીટીના રૂ.1240 થી 1245, મિડિયમ ક્વોલીટીના રૂ.1190 થી 1210 અને એકદમ એવરેજ કવોલીટીના રૂ.1150 થી 1175 ભાવ બોલાયા હતા.
સૌરાષ્ટ્રના બ્રોકરે જણાવ્યું હતું કે ગામડે બેઠા ગુરૂવારે કપાસના વેપાર ભાવ ઘટતાં થયા નહોતા. ખેડૂતોએ ઊંચા ભાવ જોયા હોઇ તેઓ નીચા ભાવે કપાસ વેચવા તૈયાર નથી.