આવનાર દિવસોમાં કપાસના ભાવ માં થશે ઘટાડો, કપાસ રાખવો હોય તો થઈ જાવ સાવધાન

દિવાળી બાદ કપાસની સીઝન શરૂ થઇ ત્યારે આખા દેશમાં ગુજરાતના ખેડૂત બૂમો પાડીને કહેતો હતો કે આ વર્ષે કપાસના ઉત્પાદનમાં મોટું ગાબડુ છે કારણ કે ખેડૂત ગુલાબી ઈયળથી કંટાળ્યો છે અને રાયડો-ચણાના ઊંચા ભાવને કારણે ખેડૂતને એક કે બે વીણી લઇને ખેતરમાં કપાસ ઊભો રાખવામાં જરાય રસ નથી.

દેશના રૂ બજારના મોટા માથાઓએ ખેડૂતની વાત અવગણીને ઉત્પાદનના ઊંચા અંદાજો મૂકીને આખા દેશની બજારને ગેરમાર્ગે દોરી હતી પણ અંતે ઘણા વર્ષો પછી ખેડૂતોની વાત સાચી પડી છે અને મોટા માથાઓ ઊંઘે કાંધ પડયા છે.

દેશના મોટા સંગઠનો અને રૂ બજારના મૂછે લીબું લગાડીને ભરનારાઓ મોટા માથાઓ ૩.૬૦ કરોડ ગાંસડી રૂના ઉત્પાદનની વાતો હજુ મોટે મોટેથી કરી રહ્યા છે પણ અહી પ્રશ્ન એ છે કે આટલું મોટું ઉત્પાદન હોય તો ડિસેમ્બરમાં દેશભરની રોજની રૂની આવક બે લાખ ગાંસડી કરતાં ઓછી હોય ખરી ? ગત્ત સપ્તાહના અંતે દેશમાં રૂની આવક ૧.૭૦ લાખ ગાંસડી જ નોંધાઇ હતી જે ગયા વર્ષે આ ટાઇમે દરરોજની ત્રણ થી સાડા ત્રણ લાખ ગાંસડી આવક થતી હતી.

વર્ષોથી કપાસ અને રૂ બજારમાં કામ કરતાં કેટલાંક ખૂબ જ અનુભવી વેપારીઓ પ્રશ્ન કરે છે કે રૂ.૧૭૦૦ થી ૧૮૦૦ના ભાવનો કપાસ ખેડૂત ઘરમાં રાખે ખરો ? અને આટલા ઊંચા ભાવનો કપાસ કોઈ સ્ટોકમાં રાખે ખરા ? આ પ્રશ્નનો જવાબ કોઇ પાસે નથી. આવા પ્રશ્નો પુછનારા વેપારીઓ છાતી ઠોકીને કહે છે કે દેશમાં રૂનું ઉત્પાદન ત્રણ કરોડ ગાંસડીથી વધે તેવી કોઇ શક્યતા નથી. મોટા માથાઓ ભલે ૩.૬૦ કરોડ ગાંસડીના અંદાજો મૂકે પણ આ મોટા માથાઓને જાન્યુઆરી મહિનો પૂરો થઈ ગયા બાદ રૂના ઉત્પાદનનો અંદાજોમાં મોટો ઘટાડો કરવાની ફરજ પડશે.

ગામડે બેઠા સૌરાષ્ટ્રમાં કપાસના રૂ.૧૮૦૦ના ભાવ હવે જો આવક નહીં વધે તો રૂ.૨૦૦૦ થશે…

કપાસનું ઉત્પાદન ઓછું થયું છે તે વાત નક્કી છે પણ એક વાત ખેડૂતોએ ખાસ ધ્યાનમાં રાખવા જરૂરી છે કે અત્યારે બજારમાં સારી કવોલીટીનો કપાસ મળતો નથી પણ મિડિયમ અને હલકી કવોલીટીનો કપાસ જોઇએ તેટલો મળે છે આવો કપાસ જીનોને લેવો નથી.

જેથી કપાસના ભાવ સતત વધી રહ્યા છે ત્યારે હલકો અને મિડિયમ કવોલીટીનો કપાસ રાખવો નહીં, હાલ જે ભાવે આવો કપાસ વેચાઇ જાય તે વેચી નાખવો કારણ કે આવનારા દિવસોમાં સારી કવોલીટીના કપાસના ભાવ સુધરશે પણ જો દેશાવરમાં કોઇ રાજયમાં કપાસની આવક વધશે તો મિડિયમ અને હલકી કવોલીટીના કપાસના ભાવ ઘટશે. આગળ જતાં સારી ક્વોલીટીના કપાસ અને મિડિયમ-હલકી કવોલીટીના કપાસ વચ્ચેનો ગાળો વધશે.

બીજી એક વાત એ પણ નોંધાવા જેવી છે કે કપાસિયાતેલના ભાવ ઝડપથી ઘટી રહ્યા છે આથી આગળ જતાં કપાસિયાના ભાવ પણ ઘટી શકે છે જેની અસર થોડી કપાસના ભાવ પર પણ થશે આથી ઊંચા ભાવનો સારી કવોલીટીનો કપાસ થોડો થોડો વેચતો રહેવો. સારી ક્વોલીટીના કપાસનો મોટો સ્ટોક હાથ ઉપર રાખવો આગળ જતાં જોખમી સાબિત થઈ શકે છે.

વિદેશી બજારોની વાત કરીએ તો અમેરિકાએ તાજેતરમાં ચીનના એક પ્રાંત ઝીયાંગજીનમાં બનતાં કપડાની આયાત કરવા પર મનાઇ ફરમાવી છે જેને કારણે આગામી દિવસોમાં ભારત, બાંગ્લાદેશ, વિયેટનામ અને પાકિસ્તાનના કાપડની માગ અમેરિકામા વધવાની છે આ સ્થિતિમાં ન્યુયોર્ક રૂ વાયદામાં મોટી મંદી આવવાની શકયતા નથી.

ન્યુયોર્ક રૂ વાયદામાં પાંદડુ પણ હલે તો અહીં કપાસ-રૂના ભાવમાં ઉથલ-પાથલ થતી હોય છે. અહીં કપાસની નવી સીઝન ચાલુ થઈ ત્યારે ન્યુયોર્ક રૂ વાયદો ૮૫ થી ૯૦ સેન્ટ હતો તે અત્યારે ૧૦૭ થી ૧૦૮ સેન્ટ ચાલી રહ્યો છે એટલે ભારતમાં કપાસની સીઝન ચાલુ થઇ ત્યારથી માંડીને ન્યુયોર્ક રૂ વાયદામાં ઘણી મોટી તેજી આવી ચૂકી છે. આથી તેની અસરે પણ અહીં સારા ભાવ મળી રહ્યા છે તે પણ યાદ રાખવું જરૂરી છે.

કપાસ જે ખેડૂતો પાસે પડયો છે તેઓએ હવે રૂ, કપાસિયા અને કપાસિયાખોળની બજારના ભાવ પર ખાસ ધ્યાન રાખવું. આ ઉપરાંત એ પણ યાદ રાખવું કે કપાસનો ટેકાનો ભાવ મણનો રૂ।.૧૨૦૫ સરકારે નક્કી કર્યો છે તેની સામે ખુલ્લી પીઠમાં ખેડૂતોને રૂ.૧૭૦૦ થી ૧૮૦૦ કપાસના ભાવ મળી રહ્યા છે.

આ ભાવ આગળ જતાં ઘટવાની કોઈ મોટી શક્યતા હાલ દેખાતી નથી પણ થોડો થોડો કપાસ વેચીને નફો ઘરભેગો કરવામાં વધુ શાણપણ છે. રાખેને કોઈ મોટી આફત આવી જાય કે કોરોનાના કારણે ફરી લોકડાઉન આવી જાય અને કપાસ ઘરમાં પડયો રહે તેવી સ્થિતિ આવે તે પહેલા થોડા નફો ઘરભેગો કર્યો હોઇ તો મોટો અફસોસ કરવાની નોબત ન આવે.

Leave a Comment