ગુજરાતમાં કપાસનું આગોતરૂ વાવેતર શરૂ થવાને કારણે હવે કપાસના ભાવ વધવાની આશા નહિવત

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

હજુ ગુજરાતના કેટલાંક ખેડૂતો પાસે કપાસ પડયો છે. આ ખેડૂતો કપાસના ભાવ વધીને મણના ૨૮૦૦ થી ૩૦૦૦ રૂપિયા થવાની રાહ જુએ છે પણ હવે કપાસના ભાવ વધવાનો ભરોસો નથી કારણ કે રૂના ભાવ ઘટી રહ્યા છે અને સરકારે રૂની આયાત પરની ડયુટી કાઢી નાખી હોઇ આગામી દિવસોમાં ઓસ્ટ્રેલિયાથી ઢગલામોઢે આયાતી રુ ભારતમાં ઠલવવાનું છે ઉપરાંત પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં ૧૦ ટકા વાવેતર પૂરૂ થઇ ચૂક્યું છે. ગુજરાતમાં પણ કેટલાંક વિસ્તારમાં એકાદ-બે અઠવાડિયામાં આગોતરૂ વાવેતર શરૂ થવાનું છે.

હાલ ગુજરાતમાં સુપર બેસ્ટ કપાસના ભાવ મણના ર૫૦૦ થી રપર૦ બોલાઇ રહ્યા છે અને મિડિયમ અને એવરેજ કપાસના ભાવ મણના ૧૯૦૦ થી ૨૩૦૦ રૂપિયા ચાલી રહ્યા છે. સુપર બેસ્ટ કપાસ હવે મોટાભાગનો વીણાય ગયો છે આથી આ કપાસના ભાવ બહુ ઘટે તેવું નથી પણ મિડિયમ અને એવરેજ કપાસના ભાવમાં હવે તેજી થવાની કોઇ શક્યતા નથી કારણ કે જીનો ટપોટપ બંધ થવા લાગી છે અને ગણીગાંઠી જીનો ચાલુ છે તે પણ એકાદ-બે અઠવાડિયામાં બંધ થયા બાદ ખેડૂતોનો કપાસ ખરીદશે કોણ ? કડીમાં માંડ પાંચ થી છ જીનો જ ચાલુ છે આથી મહારાષ્ટ્રનો અને બીજા રાજ્યોનો કપાસ પણ ગુજરાત હાલ ખપતો નથી.

સૌથી પહેલું કપાસનું વાવેતર ભારતમાં પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં થાય છે. ખેડૂતોને નરમા કપાસના બહુ જ સારા ભાવ મળ્યા હોઈ અત્યારે કપાસનું વાવેતર કરવાનું ત્યાંના ખેડૂતોમાં ભારે આકર્ષણ હોય આ ત્રણેય રાજ્યોમાં કપાસનું વાવેતર ૧૫ થી ૨૦ ટકા વધવાની ધારણા છે જેની માહિતી તા.૧૫મી મે સુધીમાં આવી જશે. આથી જો આ ત્રણેય રાજ્યોમાં વાવેતર ધારણાથી વધુ વધ્યું હશે તો કપાસ અને રૂને ખરીદવાવાળું બજારમાં કોઇ ગોત્યુ પણ જડવાનું નથી.

ચીનમાં કોરોનાનો કહેર હજુ છવાયેલો છે, કેસો ઘટવાને બદલે વધી રહ્યા છે. ત્યાંની સરકાર કોરોનાને ભગાવવા કડક લોકડાઉન લાદી રહી હોઇ કરોડો લોકો ઘરમાં પૂરાયેલા હોઇ કાપડની ફેકટરીઓ બંધ હોઇ રૂની ખરીદી બંધ છે.

ચીન વિશ્વનો સૌથી મોટો વપરાશકાર હોઇ દરે વર્ષે રૂની મોટી આયાત કરે છે પણ હાલ ચીનની રૂની આયાત ધીમી પડી હોઈ અમેરિકાના ન્યુયોર્ક રૂ વાયદામાં પણ ભાવ હવે ઝડપથી ઘટી રહ્યા છે.

ઓસ્ટ્રેલિયામાં રૂનો મોટો પાક થયો હોઇ તેની અસર વિશ્વ માર્કેટ પર જોવા મળી રહી છે. ન્યુયોર્ક રૂ વાયદામાં તેજીવાળા હવે વેચીને નફો ઘરભેગો કરવામાં પડ્યા હોઇ આગામી સપ્તાહે ન્યુયોર્ક રૂ વાયદામાં મોટો કડાકો બોલશે.

અમેરિકા, ચીન, પાકિસ્તાન, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં હાલ કપાસનું વાવેતર પૂરજોશમાં ચાલુ છે. અમેરિકામાં ૧૨ ટકા કપાસનું વાવેતર વધવાની ધારણા છે, ચીન અને પાકિસ્તાનમાં પણ કપાસનું વાવેતર વધશે.

અહીં ત્રણેય રાજ્યોમાં પણ ૧૫ થી ૨૦ ટકા વાવેતર વધશે આથી અહીં ગુજરાતના ખેડૂતો જો માપેમાપ કપાસનું વાવેતર કરશે તો જ કાંઇક સારા ભાવ મળશે જો બધા જ ખેડૂતો ઊંધે પડ દઇને હેંથકનો કપાસ વાવશે તો કપાસ ઉગાડનારા તમામ ખેડૂતોને પાણીના ભાવે કપાસ વેચવાનો વખત આવવાનો છે.

Leave a Comment