કપાસના ભાવ ચાલુ વર્ષે સતત વધી રહ્યા છે અને હજુ પણ વધતાં રહેશે પણ હવે ભાવ ધીમે ધીમે વધશે કારણ કે ભાવ બહુ જ ઊંચા છે અને કોરોના વાઇરસના કેસો દેશભરમાં વધી રહ્યા હોઇ સ્ટોકીસ્ટો હવે કપાસિયા અને કપાસિયાખોળનો સ્ટોક કરતાં ગભરાઇ રહ્યા છે.
જીનર્સોનું રૂ ઊંચા ભાવે પહેલા જેવું વેચાતું હતું તેવું હવે વેચાતું નથી આથી જીનર્સોની કપાસ ખરીદી પણ હવે પહેલા જેવી રહી નથી. વિદેશી બજારમાં રૂ વાયદા વધુ પડતાં વધી ગયા બાદ ગત્ત સપ્તાહે ગુરૂવાર અને શુક્રવારે ધડામ દઇને તૂટયા હતા. આ તમામ કારણો બતાવે છે કે ખેડૂતોએ હવે કપાસ થોડો થોડો વેચતાં રહેવું જોઇએ. કપાસનો બધો જ સ્ટોક ઊંચા ભાવે જ વેચીશું તેવી જીદ કરનારા ખેડૂતોને આગળ જતાં મોટી નુકશાની પણ જઇ શકે છે.
કપાસના ભાવ વધવા માટેના અનેક કારણો છે તેની ચર્ચા કરીએ તો દેશમાં ચાલુ વર્ષે ૮૭ થી ૮૮ કરોડ મણ કપાસનું ઉત્પાદન થયું છે જેમાંથી ૭૦ કરોડ મણ કપાસની આવક થઈ ચૂકી છે. નવો કપાસ હવે ઓકટોબરમાં બજારમાં આવશે આથી હવે ૧૭ થી ૧૮ કરોડ મણ કપાસ પડયો છે તેમાંથી હજુ સાત મહિના કાઢવાના બાકી છે.
કપાસના સ્ટોક ઓછો છે પણ રૂનો સ્ટોક સીસીઆઇ, જીનર્સો અને મલ્ટીનેશનલ કંપનીઓ પાસે મોટો પડ્યો છે. સીસીઆઇ પાસે ગયા વર્ષે આ સમયે રૂનો જેટલો સ્ટોક હતો તેટલો નથી પણ પ્રમાણમાં મોટો સ્ટોક પડયો છે. જીનીંગ મિલોને કપાસિયા વેચાય તો કપાસ ખરીદવો પોસાય તેમ છે.
રૂના ભાવ ઊંચા છે પણ કંપનીઓ આડેઘડ પૈસા કાપી લેતી હોઇ છેલ્લા બે અઠવાડિયાથી ગુજરાતના જીનર્સોએ કંપનીઓ પાસે બાંયો ચઢાવી છે અને કંપનીઓ જીનર્સોની માગણી કોઇકાળ માનવા તૈયાર નથી જેને કારણે રૂના વેપાર છેલ્લા બે અઠવાડિયાથી બહુ જ ઓછા થઈ રહ્યા છે.
દેશાવરમાં કપાસ બજાર માં જોઈએ તો હાલ દેશભરમાં ૧૯ થી ૨૦ લાખ મણ કપાસની આવક દરરોજ થઇ રહી છે જે એક તબક્કે રોજની ૭૦ લાખ મણ કપાસની આવક રોજ થતી હતી. દેશભરમાં તા.૧૫મી માર્ચ પછી કપાસની આવક ઘટીને ૧૨ થી ૧૩ લાખ મણ જ રહે તેવી શક્યતા છે. હાલ દેશમાં મહારાષ્ટ્ર અને ગુજરાત સિવાય ક્યાંય કપાસની આવક થતી નથી.
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધીરહ્યા હોઇ ખેડૂતો ગભરાટમાં કપાસ વેચી રહ્યા હોઇ છેલ્લા ચાર-પાંચ દિવસથી આવકો વધી છે. કોરોનાના કેસો વધશે તો મહારાષ્ટ્રમાંથી ચાલુ સપ્તાહે મોટી આવક જોવા મળશે.
ગુજરાતમાં પણ કોરોનાના કેસ વધશે તો ખેડૂતોની ગભરાટ ભરી વેચવાલી આવશે. જો કપાસની આવક ગભરાટમાં વધુ પડતી આવી જશે તો આગળ જતાં મોટી અછત જોવા મળશે. આ સંજોગોમાં કપાસના ભાવ આગળ જતાં વધુ ઊંચે જશે.
વિદેશી બજારો તરફ નજર નાખીએ અમેરિકા અને પાકિસ્તાન ઉપરાંત બ્રાઝિલમાં ચાલુ વર્ષે કપાસ-રૂના ઉત્પાદનમાં મોટું ગાબડું પડયું છે તેને કારણે વિશ્વ બજારમાં રૂના ભાવ સતત વધી રહ્યા છે.
અમેરિકન રૂની નિકાસ મોટા પ્રમાણમાં વધશે તેવી ધારણા ખોટી થતાં ગત્ત ગુરૂવારે અને શુક્રવારે રૂના ભાવમાં મોટું ઘટાડો જોવા મળ્યો હતો. અમેરિકાના રૂની માગ જોતાં વધુ તેજી જોવા મળે તેવા પૂરેપૂરા સંજોગો છે આથી વિશ્વબજારમાં હાલ રૂની માર્કેટમાં મંદી થવાની શક્યતા નથી.
કપાસ-રૂની બજારના તમામ સંજોગો જોતાં આ વર્ષે ખેડૂતોને કપાસના રૂ્.૧૩૦૦ મળી ગયા બાદ હજુ રૂ।.૧૪૦૦ અને રૂ.૧૫૦૦ પણ મળી શકે તેમ છે પણ ખેડૂતોને તેના માટે રાહ જોવી પડશે અને હવે કદાચ ભાવ બહુ ધીમી ગતિએ વધે એટલે કે થોડા વધે ત્યારબાદ ફરી ઘટે, ફરી વધે અને ઘટે તેવી સ્થિતિ વચ્ચે જો ખેડૂતો ગભરાટ ન અનુભવે તો કપાસ સાચવી રાખે પણ થોડો કપાસ વેચી નાખે કે જેથી રખેને કોઈ કારણથી ભાવ ઘટી જાય તો મોટી નુકસાની સહન કરવાનો વખત ન આવે.