ઘઉંમાં બજારો નીચી સપાટી પર અથડાય રહ્યાં છે. સૌરાષ્ટ્ર અને નવા ગુજરાતમાં ઘઉંની આવકો હવે શરૂ થઈ ગઈ છે અને મધ ગુજરાતમાં સાણંદ-બાવળા-નડીયાદ લાઈનમાં હવે થોડા દિવસમાં નવા ઘઉંની આવકો શરૂ થવા લાગે તેવી સંભાવનાં દેખાય રહી છે. સરેરાશ ઘઉંનાં બજારમાં ભાવ હાલ નીચામાં મિલબર ક્વોલિટીનાં રૂ.૩૩૦ આસપાસ બોલાય રહ્યાં છે, જેમાં હવે બહુ ઘટાડો થાય તેવા ચાન્સ નથી.
ગુજરાત સરકાર દ્વારા પુરવઠા નિગમ મારફતે ગુજરાતમાંથી ૧૬મી માર્ચથી ઘઉંની ખરીદી શરૂ થઈ રહીછે અને એ ખરીદી કેટલી માત્રામાં થાય છે તેનાં ઉપર બજારનો મોટો આધાર રહેલો છે. જો ઘઉંની ખરીદી સક્રીય રીતે થશે તો ભાવમાં હજી સુધારો થઈ શકે છે.
ઘઉંનાં ટેકાનાં ભાવ આ વર્ષે રૂ.૩૯૫ છે, જેની સામે મિલબર ક્વોલિટીના ભાવ નીચા છે, જ્યારે સારી ક્વોલિટીનાં લોકવન કે ટૂકડાનાં ભાવ ઊંચા બોલાય રહ્યાં છે. ખેડૂતોએ ભાગ્યાં વાવેલા ઘઉંમાં ભાગ્યાનો ભાગ હોળી પહેલા આપવાનો હોય છે, પરિણામે હાલ ભાગ્યા પૂરતા ઘઉંની વેચવાલી આવી શકે છે.
જેને પગલે આવકો હાલ વધી રહીછે અને હજી પણ વધારો થશે, પંરતુ બહુ મોટી આવકો આ વર્ષે થાય તેવા સંજોગો ઓછા છે. ગોંડલમાં એક સાથે ૩૦ હજાર ગુણીની આવકો થાય તેવું આ વર્ષે લાગતુ નથી.
ઘઉંની આવકો રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ પુષ્કળ શરૂ થઈ ગઈ છે. રાજસ્થાનમાં હોળી પછી આવકોમાં વધુ વધારો થાય તેવી ધારણાં છે. ૧૬મી માર્ચથી મોટા ભાગના રાજ્યોમાં સરકારી ઘઉની ખરીદી શરૂ થઈ જશે. આ વર્ષે સરકાર કેટલી માત્રામાં ઘઉંની ખરીદી કરે છે તેનાં ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે.