દેશમાં રૂની આવક મંગળવારે અઢી થી પોણા ત્રણ લાખ ગાંસડી જળવાયેલી હતી. હતી. સોમવારે કપાસના ભાવ સમગ્ર દેશમાં ઘટતાં આજે સવારથી આવક થોડી ઓછી દેખાતી હતી પણ દિવસ દરમિયાન કપાસિયાના ભાવ સુધરતાં ફરી આવક વધી હતી.
ઉત્તર ભારતમાં પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં હજુ જોઈએ તેવી આવક વધતી નથી. ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં આવક રાબેતા મુજબ થઇ રહી છે.
કપાસના ભાવ સમગ્ર દેશમાં ગઇકાલે વાયદાના ઘટાડાને કારણે નરમ હતા. આવતાં સપ્તાહથી રજાના માહોલ હોઇ જો આવક આવીને આવી રહેશે તો કપાસના ભાવ પ્રમાણમાં નરમ જ રહેશે.
ગુજરાતના માર્કેટયાર્ડોમાં કપાસની આવક મંગળવારે પણ જળવાયેલી હતી. ગુજરાતના કપાસના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે ગઇકાલે કપાસ, રૂ અને ખોળ વાયદા વધુ પડતાં તૂટી જતાં માર્કેટમાં મંદીનો ગભરાટ વધ્યો હતો પણ ખેડૂતો મક્કમ હોઇ જીનર્સોને નીચા ભાવે કપાસ મળતો નથી જેને કારણે કપાસના ભાવ વધુ પડતાં ઘટયા નહોતા.
સૌરાષ્ટ્રમાં નવા કપાસની આવક આજે વધીને ૧.૭૬ લાખ મણની રહી હતી નવા કપાસના ભાવ નીચામાં રૂ.૧૦૨૦ થી ૧૦૪૦ અને ઊંચામાં રૂ।.૧૧૨૦ થી ૧૧૪૦ ભાવ હતા જ્યારે જૂના કપાસની ૨૦૦૦ મણની આવક હતી અને ભાવ રૂ.૯૦૦ થી ૧૦૪૦ હતા.
યાર્ડોમાં આજે કપાસના ભાવ નીચામાં મણે રૂ.૧૫ થી ૨૦ અને ઊંચામાં મણે રૂ. ૫ થી ૧૦ ઘટયા હતા. જીનપહોંચ કપાસના ભાવમાં મંગળવારે સતત બીજે દિવસે ઘટાડો જોવા મળ્યો હતો.
મંગળવારે જીનપહોંચ કપાસમાં મણે રૂ.૧૫ થી ૨૦ ઘટયા હતા. એક્સ્ટ્રા સુપર કવોલીટી એટલે કે ૩૫ ઉપરના ઉતારા અને ૧૦ ટકા નીચે હવા ધરાવતાં કપાસના રૂ।.૧૧૨૫ થી ૧૧૩૫ બોલાતા હતા.
એવરેજ સુપર કવોલીટીના રૂ.૧૧૧૦ થી ૧૧૧૫, મિડિયમ કવોલીટીના રૂ.૧૦૯૦ થી ૧૦૯૫ અને એકદમ એવરેજ કવોલીટીના રૂ।.૧૦૭૦ થી ૧૧૦૦ના ભાવ બોલાયા હતા. ગામડે બેઠા સારી કવોલીટીના કપાસના આજે રૂ.૧૧૦૦ ઉપર ભાવ બોલાતા નહોતા. ગામડે બેઠા ખેડૂતોની વેચવાલી નીચા ભાવે આવતી ન હોઇ ભાવ ટકેલા હતા.
કડીમાં મહારાષ્ટ્રના કપાસની આવક વધીને ૩૦૦ ગાડી રહી હતી. કડીના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે માર્કેટમાં મંદીનો ગભરાટ સવારે વધુ હતો પણ બપોર બાદ કપાસિયા સુધરતાં કપાસના ભાવ વધુ ઘટતાં અટકયા હતા.
મહારાષ્ટ્રના કપાસના ભાવ રૂ.૧૦૫૦-૧૧૦૦, આંધ્રના કપાસના રૂ.૧૦૭૦-૧૧૦૦, કર્ણાટકના કપાસના રૂ।.૧૦૮૦-૧૧૧૦ અને કાઠિયાવાડના કપાસના રૂ।.૧૧ર૦ થી ૧૧૩૫ બોલાતા હતા.