દેશમાં રૂની આવક શુક્રવારે ક્રિસમસની રજાને કારણે પોણા બે લાખ ગાંસડી આસપાસ રહી હતી. મોટાભાગની એજન્સીના રિપોર્ટ પ્રમાણે શુક્રવારે ૧.૬૫ થી ૧,૬૪૭ લાખ ગાંસડી રૂની આવક થઈ હતી.
સીસીઆઇ ની કચેરી શુક્રવારે બંધ હોઇ કેટલાંક રાજ્યોમાં કપાસની આવક ઘટી હતી. ઉત્તર ભારતમાં કપાસમાં સફેદ માખીને ઉપદ્રવ સતત વધી રહ્યો હોઇ ત્યાં જીનર્સોની કપાસ ખરીદી ઝડપી બનતાં કપાસમાં થોડો સુધારો જોવા મળ્યો હતો.
સીસીઆઇએ અત્યાર સુધીમાં ૬પ લાખ ગાંસડીથી વધુ રૂનો કપાસ ખરીદી લીધો હોઇ આવનારા દિવસોમાં સીસીઆઈની ખરીદી ધીમી પડવાની ધારણાએ ઉત્તર ભારત સિવાયના રાજ્યોમાં જીનર્સોની કપાસ ખરીદી ધીમી રહી હતી.
ગુજરાતના માર્કટયાર્ડોમાં કપાસની આવક શુક્રવારે ઓછી રહી હતી તેમજ દેશાવરના કપાસની આવક પણ શુક્રવારે મોટાપ્રમાણમાં ઘટી હોઇ ગુજરાતમાં બધુ મળીને ૮ થી ૯ લાખ મણ કપાસના જ વેપાર થયા હતા.
સૌરાષ્ટ્રમાં નવા કપાસની આવક આજે ઘટીને ૮૬ હજાર મણની રહી હતી નવા કપાસના ભાવ નીચામાં રૂ.૧૦૨૫ થી ૧૦૫૦ અને ઊંચામાં રૂ.૧૧૩૫ થી ૧૧૫૦ હતા જ્યારે જૂના કપાસની ૧૬૦૦ મણની આવક હતી અને ભાવ રૂ।.૯૦૦ થી ૧૦૭૦ હતા.
યાર્ડોમાં આજે નવા કપાસમાં સારી ક્વોલીટીના ભાવ ટકેલા હતા પણ નબળી કવોલીટીમાં મણે રૂ।.૫ થી ૧૦ ઘટયા હતા. કપાસના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે ગામડે બેઠા વેપાર શુક્રવારે રૂ।.૧૦૭૦ થી ૧૧૦૦ જ થયા હતા.
ગામડે બેઠા સારો કપાસ મળતો ન હોઇ ગામડે બેઠા કપાસના ભાવ આવતાં સપ્તાહે સુધરવાની ધારણા છે. જીનપહોંચ કપાસના ભાવમાં શુક્રવારે ભાવ ટકેલા હતા.
શુક્રવારે જીનપહોંચ કપાસમાં એકસ્ટ્રા સુપર ક્વોલીટી એટલે કે ૩૫ ઉપરના ઉતારા અને ૧૦ ટકા નીચે હવા ધરાવતાં કપાસના રૂ।.૧૧૩૫ થી ૧૧૪૦ બોલાતા હતા. એવરેજ સુપર કવોલીટીના રૂ।.૧૧૨૦ થી ૧૧૨૫, મિડિયમ કવોલીટીના રૂ.૧૧૦૦ થી ૧૧૧૦ અને એકદમ એવરેજ કવોલીટીના રૂ।.૧૦૮૦ થી ૧૧૦૦ના ભાવ બોલાયા હતા.
કડીમાં મહારાષ્ટ્રના કપાસની આવક ઘટીને ૨૦૦ ગાડી રહી હતી. કડીના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે હવે દેશાવરની કપાસની આવક દિવસેને દિવસે ઘટી રહી છે. શુક્રવારે કડીમાં આંધ્રની ૫૦ ગાડી, કર્ણાટકની ૪૦ ગાડી અને સૌરાષ્ટ્રની ૧૦૦ ગાડીની આવક હતી.
મહારાષ્ટ્રના કપાસના ભાવ રૂ.૧૦૫૦-૧૧૦૦, આંધ્રના કપાસના રૂ।.૧૦૭૦-૧૧૦૦, કર્ણાટકના કપાસના રૂ।.૧૦૮૦-૧૧૧૦ અતે કાઠિયાવાડના કપાસના રૂ.૧૧૨૦ થી ૧૧૩૫ બોલાતા હતા.