કપાસિયા-ખોળ અને રૂના ભાવ સુધરતાં કપાસના ભાવ વધ્યા

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

દેશના કપાસની આવક ગુરૂવારે ૨૮ થી ૨૯ લાખ મણની એટલે કે ૧.૨૫ લાખ ગાંસડીની નોંધાઇ હતી. છેલ્લા દસ દિવસથી કપાસની આવક દરરોજ ધીમી ગતિએ ઘટી રહી છે. તા.૧૫મી ફેબ્રુઆરી પછી દેશમાં કપાસની આવક એક લાખ ગાંસડીના રૂની થશે તેવી ધારણા છે.

ઉત્તર ભારતના અને દક્ષિણ ભારતના રાજ્યોમાં હવે કપાસની આવક ઘટીને ૮ થી ૯ લાખ મણે પહોંચી છે. દેશની ૭૦ ટકા કપાસની આવક હાલ ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં જ થઇ રહી છે. દેશભરમાં આજે કપાસના ભાવ જળવાયેલા હતા.

ગુજરાતમાં કપાસની આવક માર્કેટયાર્ડોમાં ત્રણ લાખ મણ આસપાસ જળવાયેલી હતી અને દેશાવરની કપાસની આવકમાં મહારાષ્ટ્રની આવક કડીમાં થોડી વધી હતી જ્યારે સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રની આવક જળવાયેલી હતી.

કડીમાં આંધ્રપ્રદેશ અને કર્ણાટકની આવક હવે નામ પૂરતી જ રહે છે જ્યારે કડીમાં સૌરાષ્ટ્રના કપાસની આવક સતત વધી રહી છે. કડીના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે ગુરૂવારે કપાસના ભાવ માં મણે રૂ.પનો વધારો થયો હતો કારણ કે રૂ, કપાસિયા અને કપાસિયાખોળના ભાવ સતત બે દિવસથી વધી રહ્યા હોઇ જીનર્સોની કપાસ ખરીદી વધી હતી.

ગુરૂવારે મહારાષ્ટ્રની રરપ થી ૨૫૦, આંધ્રની ૨૦-૨૫ ગાડી અને કર્ણાટકની ૧૫-૨૦ ગાડી અને કાઠિયાવાડની ૨૫૦ ગાડીની આવક હતી. કડીમાં મહારાષ્ટ્ર કપાસના ભાવ રૂ.૧૧૧૦ થી ૧૧૭૦, આંધ્રપ્રદેશ કપાસના ભાવ રૂ।.૧૧૧૦ થી ૧૧૮૦, કર્ણાટક કપાસના ભાવ રૂ.૧૧૩૦ થી ૧૧૮૫ અને સૌરાષ્ટ્રના કપાસના રૂ.૧૧૨૦ થી ૧૧૯૦ ભાવ બોલાતા હતા.

સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડમાં ગુરૂવારે આવક ૧.૭૦ લાખ મણની હતી અને સૌરાષ્ટ્ર કપાસના ભાવ નીચામાં રૂ.૧૦૦૦ થી ૧૦૩૦ અને ઊંચામાં રૂ.૧૧૭૫ થી ૧૨૦૦ બોલાયા હતા.

સૌરાષ્ટ્રમાં આજે તમામ કવોલીટીના સૌરાષ્ટ્ર કપાસના ભાવ મણે રૂ।.૫ સુધર્યા હતા. જીનપહોંચ કપાસમાં બેસ્ટ સુપર કવોલીટી એટલે કે ૩૫ ઉપરના ઉતારા અને ૧૦ ટકા નીચે હવા ધરાવતાં કપાસના રૂ.૧૧૯૦ થી ૧૨૦૫ બોલાતા હતા.

એવરેજ સુપર કવોલીટીના રૂ.૧૧૬૦ થી ૧૧૬૫, મિડિયમ ક્વોલીટીના રૂ.૧૧૩૦ થી ૧૧૪૦ અને એકદમ એવરેજ કવોલીટીના રૂ.૧૦૯૦ થી ૧૧૦૦ ભાવ બોલાયા હતા.

સૌરાષ્ટ્રના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે ગામડે બેઠા કપાસના ભાવ ગુરૂવારે એવરેજ ક્વોલીટીના રૂ.૧૧૭૦ થી ૧૧૭૫, સારી કવોલીટીના રૂ.૧૧૮૫ સુધી અને ધંધુકા-ઢસા બાજુના બેસ્ટ ક્વોલીટીના ભાવ રૂ।.૧૧૯૦ થી ૧૧૯૫ બોલાતા હતા.

Leave a Comment