આગામી ત્રણ અઠવાડિયા ગુજરાતનો દરેક એરંડા ખેડૂતો વેચવાનું માંડી વાળે તો એરંડાનો ભાવ વધીને રૂ।.૯૦૦ થી ૯૫૦ તાત્કાલિક થવાની ઉજળી શક્યતા છે કારણ કે હવે મોટાભાગના ખેડૂતો પાસે એરેડાનો સ્ટોક બચ્યો નથી.
ડિસેમ્બર મહિનામાં જે ખેડૂતોને એરંડા વેચવાની ઉતાવળ હતી તે બધા વેચીને નવરા થયા છે. કેટલાંક ખેડૂતો પાસે એરંડાનો સ્ટોક છે પણ આ ખેડૂતો રૂ।.૧૦૦૦ની નીચે એરંડા વેચવા આવવાના નથી.
કદાચ એરંડાનો ભાવ રૂ।.૧૦૦૦ નહીં થાય તો આ ખેડૂતો આવતાં વર્ષે એરંડા વેચશે પણ કોઈકાળે રૂ।.૧૦૦૦ની નીચે એરંડા વેચવા નહીં આવે. આ સંજોગોમાં હજુ કેટલાંક ખેડૂતો નક્કી નથી કરી શકતાં કે એરંડા વેચવા કે રાખવા ?
આ ખેડૂતોને સલાહ છે કે ઓછામાં બે અઠવાડિયા એરંડા કોઈકાળે વેચવાનું વિચારતાં નહીં કારણ કે જે રીતે ઠંડી વધી રહી છે તે જોતાં હાલ એરંડાની માળો સૂકાઇ તેમ નથી આથી નવા એરંડાની આવક ફેબ્રુઆરી પહેલા કયાંય શરૂ થવાની નથી.
પાટણી, માંડણ અને વિરમગામ બાજુ નવા એરંડાની આવક હાલ રોજની ૨૦૦ થી ૩૦૦ ગુણી છે જે જાન્યુઆરીમાં વધીને કદાચ ૫૦૦ થી ૬૦૦ ગુણી થઇ શકે છે તેની કોઈ ગણતરી થવાની નથી.
ડિસેમ્બરમાં પણ ૬૨ હજાર ટન દિવેલની નિકાસ થતાં આ વર્ષે દિવેલની નિકાસ ૧૫ ટકા વધી છે અને તેની સામે નવી સીઝનમાં રપ ટકા ઉત્પાદન ઘટવાનું છે. આ તમામનો સરવાળો કરો તો એરંડાનો ખેડૂતોને આવતાં દોઢ વર્ષ સુધી સારા ભાવ મળવાના છે.