દેશમાં રૂની આવક બુધવારે ૨.૬૦ થી ૨.૭૫ લાખ ગાંસડી વચ્ચે રહી હતી. ગુજરાત-મહારાષ્ટ્ર અને તેલંગાનામાં ડિસેમ્બર મહિનાના આરંભથી આવક એકધારી વધી રહી છે.
ઉત્તર ભારતના રાજ્યમાં કપાસની આવક ધારણા પ્રમાણે વધતી નથી જેને કારણે આજે ઉત્તર ભારતના રાજ્યોમાં કપાસમાં મણે રૂ.૧૫ થી ૨૦ સુધર્યા હતા જો કે દેશના અન્ય રાજ્યોમાં કપાસના ભાવ આજે ટકેલા હતા. દક્ષિણ ભારતના રાજ્યો તેલંગાના, આંધ્ર, કર્ણાટક અને ઓરિસ્સામાં આવકો જળવાયેલી છે.
ગુજરાતના માર્કટયાર્ડોમાં કપાસની આવક બુધવારે જળવાયેલી હતી પણ દેશાવરની આવક બુધવારે સારી એવી ઘટી હતી. ખાસ કરીને કડીમાં આંધ્રપ્રદેશ અને કર્ણાટકના કપાસની આવક કવોલીટીને કારણે સતત ઘટી રહી છે.
મહારાષ્ટ્રમાં કપાસની આવક પણ ઓછી રહેતાં ગુજરાતમાં કપાસના વેપાર બુધવારે થોડા ઘટયા હતા. સૌરાષ્ટ્રમાં નવા કપાસની આવક આજે ઘટીને ૧.૫૩ લાખ મણની રહી હતી નવા કપાસના નીચામાં રૂ.૧૦૨૫ થી ૧૦૪૦ અને ઊંચામાં રૂ.૧૧૨૫ થી ૧૧૪૦ ભાવ હતા.
જૂના કપાસની ર૮૦૦ મણની આવક હતી અને ભાવ રૂ.૯૦૦ થી ૧૦૫૦ હતા. યાર્ડોમાં આજે કપાસના ભાવ લગબગ ટકેલા હતા, નબળા કપાસમાં મણે રૂ।.૫ ઘટયા હતા. કપાસના અગ્રણી બ્રોકરના જણાવ્યા પ્રમાણે ગામડે બેઠા કપાસના ભાવ મજબૂત હોઇ આગામી દિવસોમાં કપાસ બહુ ઘટી જાય તેવી શક્યતા ઓછી દેખાય છે.
આજે બપોર બાદ વાયદા ઘટતાં ગુરૂવારે કપાસના ભાવમાં મણે રૂ।.૧૦ થી ૧૫નો સુધારો થવાની ધારણા છે. જીનપહોંચ કપાસના ભાવમાં બુધવારે ટકેલા હતા. બુધવારે જીનપહોંચ કપાસમાં એકસ્ટ્રા સુપર ક્વોલીટી એટલે કે ૩૫ ઉપરના ઉતારા અને ૧૦ ટકા નીચે હવા ધરાવતાં કપાસના રૂ।.૧૧ર૨૫ થી ૧૧૩૫ બોલાતા હતા.
એવરેજ સુપર કવોલીટીના રૂ.૧૧૧૦ થી ૧૧૧૫, મિડિયમ ડકવોલીટીના રૂ.૧૦૯૦ થી ૧૦૯૫ અને એકદમ એવરેજ કવોલીટીના રૂ।.૧૦૭૦ થી ૧૧૦૦ના ભાવ બોલાયા હતા.
કડીમાં મહારાષ્ટ્રના કપાસની આવક ઘટીને ૨૦૦ ગાડી રહી હતી. કડીના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે યાર્ન મિલોને હાલ કિલોએ રૂ.૨૦ થી રરનો નફો મળતો હોઇ તેમની રૂની લેવાલી ઘણી સારી છે તેને કારણે કપાસના ભાવ હવે બહુ ઘટે તેવી શકયતા નથી.
બુધવારે સવારે કોઇને કપાસ લેવો નહોતો પણ બપોર બાદ વાયદા ઘટતાં બધાને કપાસ લેવો હતો. મહારાષ્ટ્રના કપાસના ભાવ રૂ.૧૦૫૦-૧૧૦૦, આંધ્રના કપાસના રૂ.૧૦૭૦-૧૧૦૦, કર્ણાટકના કપાસના રૂ।.૧૦૮૦-૧૧૧૦ અને કાઠિયાવાડના કપાસના રૂ।.૧૧૨૦ થી ૧૧૩૫ બોલાતા હતા.