ગત્ત સપ્તાહે ગુજરાતમાં કપાસના ભાવમાં મણે રૂ.૧૫ થી ર૦નો ભાવવધારો જોવા મળ્યો હતો. સૌરાષ્ટ્રના કેટલાંક માર્કેટયાર્ડોમાં મકરસંક્રાંતિ પહેલા જ કપાસના ભાવ રૂ.૧૨૦૦ની સપાટીએ પહોંચી ગયા હતા તે જ રીતે કડીમાં કર્ણાટકના સારી ક્વોલીટીના કપાસના રૂ.૧૨૦૦ બોલાય ગયા હતા.
જીનપહોંચ પૂરા ઉતારા અને સુપર બેસ્ટ કવોલીટી કપાસના રૂ।.૧૧૯૦થી નીચે કોઇ વેચવા તૈયાર નહોતા. સૌરાષ્ટ્રના ગામડે બેઠા સારી કવોલીટીના કપાસના ભાવ રૂ.૧૧૪૦ થી ૧૧૫૦ બોલાતા હતા.
ખેડૂતો એ યાદ રાખે કે ગુજરાતમાં સરકારનો કપાસનો ટૅકાનો ભાવ રૂ।.૧૧૫૫ બોલાય છે. હાલ ખેડૂતોને ગામડે બેઠા સરકારના ટેકાના ભાવ જેટલા જ ભાવ મળી રહ્યા હોઇ સીસીઆઇને કપાસ વેચવા જવાની કોઇ જરૂર નથી.
અમેરિકા-પાકિસ્તાનનો પાક તળિયે પહોંચતાં ભારતના ખેડતોને કપાસના સારા ભાવ મળશે…
દેશમાં કપાસની આવક જે એક તબક્કે રોજની ૬૦ થી ૬ર લાખ મણની થતી હતી તે ઘટીને હાલ ૪૦ થી ૪ર લાખ મણે પહોંચી છે. ઉત્તર ભારતના રાજ્યોમાં કપાસની આવક હવે પૂરી થવા આવી છે, ગુજરાત, મહારાષ્ટ્ર તેલંગાના, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, ઓરિસ્સા વિગેરે રાજ્યોમાં હાલ કપાસની આવક સારી એવી માત્રામાં થઇ રહી છે.
પણ બે અઠવાડિયા પછી અહીં પણ આવક ઓછી થઇ જશે કે જે ખેડૂતોને પૈસાની જરૂરત હતી તેઓને કપાસ વેચી નાખ્યો છે આથી હવે જો કપાસના ભાવ વધશે તો ખેડૂતો કપાસ વેચવા આવશે.
ભારતમાં કપાસના ઉત્પાદનનો અંદાજ કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ ૮૬ કરોડ મણનો મૂક્યો છે જેમાંથી ૪૭ કરોડ મણ કપાસની આવક થઈ ચૂકી છે. સીસીઆઇએ અંદાજે ૨ર કરોડ મણ કપાસ ખેડૂતો પાસેથી ખરીદી લીધો છે. નવી સીઝન આડે હજુ સાડા આઠ મહિના બાકી હોઇ હવે જો ભાવ વધશે તો કપાસ જીનર્સોને મળવાનો છે.
વિદેશી બજારોમાં કપાસ-રૂના ભાવમાં વધુ તેજી થાય તેવા સમાચાર આવ્યા છે. અમેરિકાની કૃષિ સંસ્થા દર મહિને અમેરિકા સહિત વિશ્વના તમામ દેશોમાં કપાસ સહિત અનેક ખેતપેદાશોનું ઉત્પાદન, વપરાશ, આયાત-નિકાસ વિશેનો રિપોર્ટ આપે છે.
અમેરિકન કૃષિ સંસ્થાએ તા.૧ રમી જાન્યુઆરીએ તેનો રિપોર્ટ આપ્યો હતો તેમાં અમેરિકાનો રૂનો પાક ઘટાડીને ૧૯૧.૭૦ લાખ ગાંસડી (૧૭૦ કિલોની ગાંસડી) મૂક્યો હતો જે ગયા વર્ષે રપપ લાખ ગાંસડી થયો હતો. અમેરિકા વિશ્વનું સૌથી મોટું રૂની નિકાસકાર હોઈ ત્યાં ઉત્પાદન ઘટતાં તેની અસર સમગ્ર વિશ્વમાં પડવાની છે.
અમેરિકા રૂના ઉત્પાદન ક્ષેત્રે ભારત અને ચીન પછીનો ત્રીજો ક્રમ ધરાવે છે. વિશ્વમાં રૂના ઉત્પાદનમાં ચોથા ક્રમ ધરાવતા પાકિસ્તાનમાં રૂનું ઉત્પાદન ઘટીને પંચાવન ગાંસડી થવાનો અંદાજ મૂકાયો છે. પાકિસ્તાનમાં ગયા વર્ષે ૭૯ લાખ ગાંસડી અને તેના પહેલાના વર્ષે ૯૮ લાખ ગાસંડી રૂનું ઉત્પાદન થયું હતું.
પાકિસ્તાનની રૂની વાર્ષિક જરૂરિયાત ૧૩૫ થી ૧૪૦ લાખ ગાંસડીની છે. તેની સામે આટલું ઓછું ઉત્પાદન થતાં પાકિસ્તાનને ૭૫ થી ૮૦ લાખ ગાસંડી રૂની આયાત કરવી પડશે. વિશ્વ આખાના રૂના ભાવ અમેરિકામાં ચાલતાં ન્યુયોર્ક રૂ વાયદા પરથી નક્કી થાય છે.
ન્યુયોર્ક રૂ વાયદો હાલ ૮૨ સેન્ટ આસપાસ ચાલી રહ્યો છે જે ભાવ છેલ્લા બે વર્ષના સૌથી ઊંચા છે. અમેરિકામાં રૂનું ઉત્પાદન ઘટતાં ન્યુયોર્ક રૂ વાયદામાં હજુ વધુ તેજી થવાની સંભાવના છે તેની સીધી અસર ભારતમાં કપાસના ભાવ પર પડશે. અમેરિકામાં રૂનું ઉત્પાદન ઘટતાં અહીં ખેડૂતોને કપાસના મણે રૂ.૧૧૫૦ની આસપાસ ભાવ મળી રહ્યા છે જે ગયા વર્ષથી મણના રૂ.૧૦૦ થી ૧૫૦ ઊંચા છે.
આગામી દિવસોમાં ગુજરાત સહિત દેશમાં કપાસની આવક ઘટશે તેમજ કપાસિયા અને ખોળના ભાવ વધશે તો તેની અસરે કપાસના ભાવ પર પડવાની છે પણ કપાસિયાતેલના ભાવ ગત્ત સપ્તાહે ઘણા ઘટયા હતા તેને પગલે કદાત ચાલુ સપ્તાહે કપાસિયાના ભાવ ઘટવાની ધારણા છે. તેની અસરે કપાસના ભાવ પણ થોડા ઘટશે પણ ખેડૂતોએ ઘટેલા ભાવે કપાસ વેચવાથી દૂર રહેવું જોઇએ.
ખેડૂતો સારા ભાવ મળવાની રાહ જોશે તો આગામી એક મહિનાથી ત્રણ મહિનામાં ખેડૂતોને કપાસના ભાવ વધીને રૂ.૧૨૫૦, રૂ।.૧૩૦૦, રૂ.૧૩૫૦ કે રૂ.૧૪૦૦ થી મળી શકે તેવા સંજોગો હાલ ઊભા થઈ ચૂક્યા છે આથી ખેડૂતોએ કપાસના સારા ભાવ મળવાની રાહ જોવી જોઈએ.
દરેક ખેડૂતે તેમનો પડતર ખર્ચ અને નફાની ગણતરી કરીને કપાસ વેચીને નફો ઘરભેગો કરવો જોઈએ, દરેક ખેડૂત એ યાદ રાખે વધુ લોભ કરવા બધું જ ગુમાવવાની બીક હોઈ પડતર કિંમત કરતાં થોડો નફો મળે તો સંતોષ માનીને કપાસ વેચી દેવો જોઇએ.