એરંડાના વેપાર હવે વધીને બે લાખ ગુણીએ પહોંચી ગયા છે. ખેડૂતો અત્યારે ખેતરમાં જેવા એરંડાની વીણી સુકાઇ જાય તે તુરંત જ બજારમાં વેચી રહ્યા છે કારણ કે અગાઉના વર્ષો કરતાં એરંડાના ભાવ ઘણા જ સારા મળી રહ્યા છે.
હાલ નીકળતી સીઝને એરંડાના ખેડૂતોને મણના ૧૪૦૦ રૂપિયા મળતાં હોય તેવું અત્યાર સુધીમાં પહેલીવખત બન્યું છે. આટલા ઊંચા ભાવે ખેડૂતો એરંડા વેચીને છુટી જવા માગે છે પણ આ વર્ષે એરંડાના પાકની સ્થિતિ, જૂનો સ્ટોક અને વિદેશમાં દિવેલની નિકાસની સ્થિતિ જોતાં એરંડામાં હજુ મોટી તેજી થવાની બાકી છે.
કપાસ ઉગાડનારા મોટાભાગના ખેડૂતોને મણના ૨૦૦૦ રૂપિયા મળ્યા હતા અને હાલ જેમની પાસે કપાસ બચ્યો છે તેવા ખેડૂતોને મણના ૨૪૦૦ થી ૨૫૦૦ રૂપિયા મળી રહ્યા છે. કપાસ જેવી જ સ્થિતિ એરંડાની છે આથી એરંડાના ભાવ પણ આગળ જતાં મણના ૨૦૦૦ રૂપિયા થવાના પૂરેપૂરા ચાન્સ છે.
જો ખેડૂતો થોડી મક્કમકતા દાખવે તો અને હાલ થોડી વેચવાલી ઓછી કરે તો એરંડાના ભાવ મણના ૨૦૦૦ થવાની શક્યતા વધશે પણ જો ખેડૂતો હજુ એક સાથે વેચતાં રહેશે તો એરંડાના ભાવ ધારણા પ્રમાણે વધશે નહીં.
ખેડૂતો પાસેથી સસ્તામાં એરંડા પડાવીને સટોડિયાઓ મોટી તેજી કરશે અને ખેડૂતોના હાથમાં મોટા પૈસા નહીં આવે. આ વર્ષે એસ્ડાનો પાક અને જૂનો સ્ટોક જોતાં મોટાભાગના ખેડૂતોને એરંડાના મણના ૨૦૦૦ રૂપિયા મળે તેવા સંજોગો છે પણ હાલ જે રીતે ખેડૂતો એક સાથે એરેડા વેચી રહ્યા છે તે જોતાં આગળ જતાં કદાચ ૧૫૦૦ થી ૧૭૦૦ રૂપિયા જ મળશે. ખેડૂતો એરંડા ઉતાવળે વેચીને પોતાના પગ ઉપર જ ડકૂહાડો મારશે.
છેલ્લા પંદર દિવસથી એરંડાની આવક સતત વધી રહી છે જે હવે વધીને રોજની બે લાખ ગુણીએ પહોંચી ગઇ છે. એપ્રિલ મહિનાની શરૂઆતે એરંડાનો ભાવ મણનો ૧૪૮૦ થી ૧૪૯૦ રૂપિયા અને કેટલાંક પીઠામાં ૧૫૦૦ રૂપિયા હતો હવે ખેડૂતોની ઉતાવળે અને એક સાથે વેચવાલીથી મણે ૧૦૦ રૂપિયા ઘટી ગયા છે.
હાલ વખારિયાઓ ભરચક્ક ખરીદી કરી રહ્યા છે એટલે ભાવ વધુ ઘટતાં નથી પણ જો ચાલુ સપ્તાહે રોજની બે લાખ ગુણી એરંડાનો આવક રહેશે તો ભાવ ઘટીને ૧૩૪૦ થી ૧૩૫૦ રૂપિયા થશે ત્યારબાદ પણ જો આવક વધતી રહેશે તો એરંડાના ભાવ ઘટીને મણના ૧૧૦૦ થઇ જશે.
- કેળા ઉગાડતા પ્રખ્યાત પ્રદેશ જલગાંવના ખેડૂતો કેમ નારાજ છે?
- રશિયા અને યુક્રેન યુદ્ધથી બધી ખેતપેદાશોના ભાવ ટેકાના ભાવથી વધુ
- જીનોની સારા કપાસની માંગ વધતા ગામડે બેઠા કપાસના ભાવમાં ઉછાળો
- ગુજરાતમાં ચણાની આવકોમાં ઘટાડો થતા, ચણાના ભાવમાં સ્થિરતા
ખેડૂતોની મોટી વેચવાલીથી બધાના ઘરમાં એરંડાનો મોટો જથ્થો ભેગો થતાં આગળ જતાં એરંડામાં મોટી તેજી નહીં થાય કારણ કે બધાના ઘરમાં એરંડાનો મોટો જથ્થો હશે ત્યારે તેઓને જો એરંડા નીચા ભાવે મળશે તો જ ખરીદશે. ખેડૂતો જો એરંડાના ઊંચા ભાવ માગશે તો કોઇ ખરીદશે નહીં આથી એરંડાના ભાવ વધવાના કોઇ ચાન્સ રહેશે નહીં.
એરંડાના ખેડૂતો હવે થોડી વેચવાલી ઓછી કરે તો આગળ જતાં એરંડામાં મોટી તેજી થશે.