Father of groundnut: સૌરાષ્ટ્રમાં મગફળીનું વાવેતર શરૂ કરનાર મગફળી પિતા તરીકે ઓળખાતા પદ્માબાપા કાલરીયા વિષે જાણો

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

Father of groundnut (મગફળીના પિતા): સૌરાષ્ટ્રભરમાં ખેડૂતો આજે દેશીઢબની ખેતીને તિલાંજલી આપીને નવા સંશોધીત બિયારણો, ટેકનોલોજીનો ઉપયોગ કરતાની સાથે વિવિધ પાકોનું વાવેતર કરતા થયા છે. તેમ છતાં સૌરાષ્ટ્રમાં આજે મુખ્યતવે કપાસ અને મગફળીનાં પાકોનું વાવેતર વધારે પડતું થાય છે. તેલીબીયાના આ પાકોના વાવેતરને લઇને ઘણા સેન્ટરોમાં કરોડોનું ટર્ન ઓવર ધરાવતો ઓઇલ મીલ ઉદ્યોગ ધમધમી રહ્યો છે. આ ઉદ્યોગમાં કાચા માલ તરોકે મુખ્ય આવશ્યકતા મગફળીની રહેતી હોય છે. જેમને કારણે સૌરાષ્ટ્રમાં મગફળીનું પ્રથમ વાવેતર કોણે અને કયારે કર્યું તે જાણવું આપણા માટે જરૂરી બન્યું છે.

પદમા ભગત કાલરીયાની પ્રગતિશીલ દ્રષ્ટિ

સૌરાષ્ટ્રમાં આજથી 140 વર્ષ કરતા વધારે વર્ષ પહેલા કયાંય મગફળીનું વાવેતર થતું ન હતુ. તે વેળાએ ધોરાજીના મોટી મારડ તાબાના પિપળીયા ગામનાં પ્રગતિશીલ, ગર્ભશ્રીમંત અને નગરશેઠ કહેવાતા પદ્માભાઇ નથુભાઇ કાલરીયાએ પ્રથમ મગફળીનું વાવેતર કર્યું હતું. એ જમાનામાં મોટા ખેડૂત અને પદમા ભગતની છાપ ધરાવતા પદમાબાપા એક વખત પ્રવાસ અર્થે મદ્રાસ ગયા હતાં ત્યાં તેમણે મગફળીનો પાક નિહાળતા તેમણે ત્યાંના ખેડુત પાસેથી જાણકારી મેળવી અને તેમાંથી તેને જાણવા મળ્યું કે મગફળીમાંથી તેલ નીકળે એ જાણીને બાપાએ ત્યાંના ખેડૂત પાસેથી પોતાના પહેરેલ કેડીયાનાં બે ગજવા મગફળી લીધી અને પોતાના ગામ પીપળીયા આવીને તેમણે પ્રથમ મગફળીનું વાવેતર કર્યું હતું.

પદ્માબાપા દ્વારા મગફળીનાં વાવેતરના પ્રથમ વર્ષનું ઉત્પાદન

પદમાબાપાએ ખોબો એક મગફળીનાં વાવેતર કરેલા બિયામાંથી દોઢથી બે સૂંડલી પ્રથમ વર્ષે મગફળીનું ઉત્પાદન મેળવ્યું હતું. ફરી કોઠાસુઝ સાથે કઈક નવો પાક મેળવવા બીજા વર્ષે પણ ઉત્પાદન થયેલ દોઢ થી બે સૂંડલી મગફળીમાંથી બિયા કાઢીને મગફળીનું વાવેતર કરતા પદ્માબાપાએ એક ગુણી મગફળીનું ઉત્પાદન મેળવ્યું હતું. કહેવાય છે કે એ જમાનામાં બીજા વર્ષે એક ગુણી ઉત્પાદન મેળવેલ મગફળીમાંથી ખેડૂતએ તેમનાં સગા-સબંધીઓને મગફળીના ડોડવાનું વિતરણ કર્યું હતું અને ધીમે ધીમે વધતા જતા મગફળીનાં બિયારણની સાથે વાવેતરનો વિસ્તાર પણ વધવા લાગ્યો હતો જેમને કારણે આજે સૌરાષ્ટ્રભરમાં ચોમાસાનાં મુખ્ય પાક તરીકે મગફળીનું વાવેતર મોખરાનાં સ્થાને થઇ રહ્યું છે.

“મગફળી પિતા” પદમા ભગતનો ટુંક પરિચય
શ્રી પદમા નાથુભાઈ કાલરીયા ગામ પીપળીયા (ધોરાજી) મગફળીનું 54 વર્ષ પૂર્વે પ્રથમ વાવેતર કરીને સૌરાષ્ટ્રના ખેડુતોને વર્ષે 100 કરોડ રૂપિયાનો કિંમતી પાક આપનાર શ્રી પદમાબાપાને સૌરાષ્ટ્રના ખેડૂતોએ “મગફળી પિતા” નું બિરુદ આપ્યુ છે અને તા.27-9-’64ના રોજ ધોરાજી મૂકામે શ્રી ભગવાનજીભાઈ ભાણજીભાઈ પટેલના પ્રમુખ સ્થાને મળી રહેલ “સૌરાષ્ટ્ર ખેડૂત સંમેલન” માં વયોવૃદ્ધ ખેડૂત અગ્રણી શ્રી ગોવિંદલાલ ભગવાન વાછાણીના શુભ હસ્તે તેમનું તૈલ ચિત્ર ખુલ્લું મુકવામાં આવ્યું છે.

જયારે સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત મગફળીનું વાવેતર કરીને ખેડૂતો માટે પ્રેરણાદાયક બનેલા પદ્માબાપા કાલરીયા એ જમાનામાં એટલે કે રજવાડાનાં સમયમાં ધોરાજી ખાતે ભરાયેલ ખેડૂત સંમેલનમાં તેમનું સન્માન કરીને ‘મગફળી પિતા’ નું બિરુદ આપવામાં આવ્યું હતું.

પદ્માબાપાનું સૌરાષ્ટ્રમાં મગફળીના પિતા તરીકે સન્માન

સૌરાષ્ટ્રભરમાં મગફળીના પાકની જેમણે દેન આપી છે તેવા પદ્માબાપા લોકશાહીમાં યાદ કરીને ૧૯૬૪ માં ધોરાજી ખાતે મળેલા એક ખેડૂતોનાં મેળાવડામાં પણ ‘મગફળી પિતા’ ને યાદ કરવામાં આવ્યા હતાં. અને તેમના પ્રપૌત્ર ભગવાનજીભાઇ ભાણજીભાઇ કાલરીયાનાં હસ્તે તેમનું તૈલી ચિત્ર ધોરાજી મૂકામે ખુલ્લું મુકાયું હતું.

કદમ હોય અસ્થિર જેના એને રસ્તો નથી જડતો, અને અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી

પદ્માબાપાના વારસદારનો હાલ વસવાટ

આજે ભલે ધોરાજીના નાના એવા પીપળીયા ગામને પદ્માબાપા કાલરીયા એ મગફળીનું પ્રથમ વાવેતર કરીને ગૌરવ અપાવ્યું છે ત્યારે આ ગામમાં તેમનાં વારસદારો રહેતા નથી. પરંતુ તેમનાં ચોથી-પાંચમી પેઢીનાં વારસદારો રાજકોટ જેવા શહેરો અને વિદેશમાં વસવાટ કરી રહ્યા છે. તેમ છતાં નાના એવા ગામને ગૌરવ અપાવનાર અને ‘મગફળી પિતા’ નું બિરુદ હાંસલ કરનાર પદ્માબાપા કાલરીયાની તસ્વીર ગોંડલ જેવા મોખરાના યાર્ડમાં જોવા મળી રહી છે.

પદ્માબાપાની દ્રષ્ટિએ મગફળીના વાવેતરનો ફાયદો

પદ્માબાપાએ કરેલ મગફળીનાં વાવેતરના પ્રારંભથી આજે સૌરાષ્ટ્રભરમાં ખેડૂતો આજે વિવિધ સુધારેલ જાતો સાથે મગફળીનું બમ્પર ઉત્પાદન મેળવતા થયા છે આ સાથે લાખો લોકોને રોજગારો આપતો મગફળીનાં પાકથી સૌરાષ્ટ્રમાં ઓઈલ મીલ ઉદ્યોગ ધમધમી રહ્યો છે તે પણ એક પદ્માબાપાએ પ્રારંભ કરેલ મગફળીનાં વાવેતરને જ આભારી છે.

Leave a Comment