ભારતને ઘઉંના ઉત્પાદન ક્ષેત્રે સ્વનિર્ભર બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થયેલી લોકભારતી સણોસરાની લોક-1 ઘઉંની જાત આજના સમયે પણ અડિખમ છે. લોક-1 ની ખેડૂતો દ્રારા આખા દેશમાં વાવણી થાય છે. જોકે આ સ્વૈચ્છિક સંસ્થાએ લોક-1ના 44 વર્ષ પછી જબરજસ્ત સફળતા મેળવી છે.
લોકભારતીની નવી લોક-79 નામની ઘઉંની જાતને કેન્દ્ર સરકારની લીલીઝંડી મળી છે એટલે હવે આ વર્ષથી જ કોમર્શીયલ વાવેતર માટે ખેડૂતોને બિયારણ મળવા લાગશે.
મુખ્ય મુદ્દાઓ
લોકભારતીનું સંશોધન: લોક-79 ઘઉં ખેડૂતો દિવાળીની ભેટ
વોક્લ ફોર લોકલનું રાષ્ટ્રીય ઘરેણું સમાન લોક્ભારતીએ લોક-79ના નામે ખેડૂતોને દિવાળી ભેટ ધરી છે. લોકભારતી સણોસરાના મેનેજિંગ ટ્રસ્ટી અરુણભાઈ દવેએ કહ્યું કે, ગાંધી વિચારને વરેલી સંપૂર્ણ નિવાસી સર્વપ્રથમ ગ્રામ વિદ્યાપીઠ લોકભારતીમાં છેલ્લાં 57 વર્ષથી ઘઉંની નવીનવી જાતો શોધવાનું સંશોધન કાર્ય વિદ્યાર્થીઓના વૈજ્ઞાનિક-મૂલ્યનિષ્ઠ પરિશ્રમથી સાતત્યપૂર્ણ ચાલી રહ્યું છે.
ઋષિવર્ય કૃષિ વૈજ્ઞાનિક ડો.ઝવેરભાઈ પટેલના નેતૃત્વ નીચે અંબાવીભાઈ ભલાણી અને દેવદાસભાઈ ગોહિલના સહકારથી તૈયાર થયેલી ‘લોક-1’ ઘઉંની જાતને 1980માં મધ્ય ભારતના ખેડૂતો માટે સમયસરની વાવણી અને મોડી વાવણી માટેની ઉત્તમ જાત તરીકે જાહેર કરવામાં આવી.
લોક-79 ઘઉંની શોધ
હવે 44 વર્ષે વૈજ્ઞાનિક ડો. સી.પી. સિંગના નેતૃત્વ હેઠળ લાલજીભાઈ રાઠોડ અને પ્રેમલભાઈ જોષીના ટેકનીકલ સાથથી લોક-79 શોધીને લોકભારતીએ ઈતિહાસ સર્જ્યો છે. લોકભારતીએ દેશને બીજી રાષ્ટ્રીય ભેટ આપી છે.
લોક-79 જાત પોષણ મૂલ્યોમાં ચડિયાતી
તેમણે કહ્યું કે, લોક-1 જાત ઉત્પાદન ક્ષેત્રે અગ્રણી છે. લોક-79 જાત પોષણયુક્ત ગુણવત્તા ક્ષેત્રે અગ્રેસર સાબિત થઈ છે. લોક-79 જાત પ્રોટીન, લોહ, ઝિંક વગેરે પોષણ મૂલ્યોમાં ચડિયાતી છે. લોકભારતી ઘઉં સંશોધન કેન્દ્રમાં જ સંશોધિત લોક-45 અને લોક-62 જાતોના સંકરણ-અવલોકન અને પસંદગીથી અગિયાર વરસે તૈયાર થયેલ જાત લોક-79 ગુણવત્તા અને ઉત્પાદન એમ બંને જરૂરી ગુણોમાં અગ્રેસર રહીને અન્ય જાતો કરતા ચડિયાતી સાબિત થઈ છે.
અખિલ ભારતીય ઘઉં સંશોધન સમિતિ: 19 જાતોની અરજી
7 ઓક્ટોબર 2024ના રોજ અખિલ ભારતીય ઘઉં સંશોધન સમિતિ કુલ 19 જાતોએ અરજી કરી હતી. એમાં ડો. ડી. કે યાદવ (ADG)ના અધ્યક્ષ સ્થાને સણોસરાની નવી વરાયટીને આખરી પસંદગી મળી હતી. બેઠકમાં લોક્ભારતીની લોક-79 જાતને ઉત્પાદકતા, રોગપ્રતિકાર શક્તિ અને પોષણમૂલ્યોના આધારે વિધિવત રીતે ભારતના દ્દીપક્લ્પ વિસ્તાર (મહારાષ્ટ્ર કર્નાટક અને તામિલનાડુ) માટે માન્ય કરવામાં આવી. ટૂંક સમયમાં દેશના અન્ય વિસ્તારો માટે પણ આ જાતને માન્યતા મળે તે માટેના પ્રયત્નો થઈ રહ્યાં છે.
સરકારી આંકડાઓ: 16 રાજયોમાં લોક-1 નું વાવેતર
સરકારી આંકડાઓ મુજબ દેશના 16 રાજયોમાં પાંત્રીસેક લાખ હેક્ટરમાં લોક-1નું વાવતેર થઈ રહ્યું છે. આ વાવેતરને કારણે દેશના ખેડૂતોને વાર્ષિક આવકમાં રૂ. 3 કરોડનો વધારો નોંધાયો છે. વળી, આજે 44 વર્ષ પછી પણ લોક-1 તેની ગુણવત્તા સાથે દેશભરમાં પ્રથમ સ્થાને ટકી રહી છે તે નોંધપાત્ર વૈજ્ઞાનિક સત્ય છે.
ઘઉંની જાતોની ચકાસણી વખતે લોક-1 જાતને ચેક વરાયટી તરીકે પસંદ કરવામાં આવે છે એ પણ લોક-1ની અદ્વિતીય ઉપલબ્ધિ ગણી શકાય. આવી જ રીતે લોક-79 જાત પણ ઘઉં સંશોધન ક્ષેત્રે પોતાનું આગવું સ્થાન ઊભું કરશે.
કેન્દ્ર સરકાર દ્વારા ભારતના ઘઉં સંશોધનના 100 વર્ષના ઈતિહાસને રજુ કરતા અહેવાલમાં એમ કહેવાયું છેકે, લોકભારતી ગ્રામ વિધાપીઠ દેશની એકમાત્ર સ્વેચ્છિક સંસ્થા છે કે જેણે દેશની હરિત ક્રાંતિમાં એટલો મોટો સિંહફાળો આપ્યો હોય.
લોકભારતીમાં ઘઉં સંશોધન કાર્ય સાતત્યપૂર્ણ ચાલુ રહે એ માટે ટ્રસ્ટી દીપેશભાઈ કાંતિભાઈ શ્રોફે જરૂરી આર્થિક જવાબદારી ઉપાડી છે.