જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કપાસનો સર્વે: સમગ્ર ભારતમાં ચાલું વર્ષ 2024-25માં ચોમાસું સમયસર બેસી ગયું હતું અને પૂરથી થયેલ થોડુ નુકસાન બાદ કરતા, વરસાદ પણ યોગ્ય વિતરણ સાથે સારો થયેલ છે. ગુજરાતમાં પણ સિઝન દરમ્યાન ખુબજ સારો વરસાદ થયેલ છે અને કપાસનું વાવેતર જુલાઈ 2024 ના ત્રીજા સપ્તાહમાં પુર્ણ થઈ ગયું હતું, જે અંદાજે 24 લાખ હેકટર જેટલું થયેલ, જે ગત વર્ષ કરતા 3 લાખ હેકટર જેટલું ઓછું રહેલ છે.
ગુજરાતમાં ગત વર્ષે અને ચાલુ વર્ષનું કપાસનું ઉત્પાદન
ચાલું વર્ષે ગુજરાતમાં કપાસનું ઉત્પાદન 88.32 લાખ ગાંસ થવાનો અંદાજ છે (પ્રથમ આગોતરો અંદાજ તા. 23-9-2024), જે ગત વર્ષે 92.48 લાખ ગાંસડી થયેલ. પાકની પરિસ્થિતી સારી હોવાથી ઉપજ સામાન્ય કે અંદાજ કરતા વધારે મળશે.
કપાસનું વાવેતર અને ઉત્પાદનનું તારણ
ચાલું વર્ષે દેશમાં, કપાસનું વાવેતર ઘટીને અંદાજીત 113,60 લાખ છેક્ટરમાં થયેલ છે, જે ગત વર્ષે 126.88 લાખ હેક્ટર થયેલ હતું, અને ઉત્પાદન પણ વાવેતર ઘટવાથી અને પૂરથી થયેલ નુકસાનનાં લીધે ઓછું અંદાજીત 299.26 લાખ ગાંસડી થશે (પ્રથમ આગોતરો અંદાજ તા. 5-11-2024), જે ગત વષ 325.22 લાખ ગાંસડી થયેલ. જે દર્શાવે છે કે ચાલું વર્ષે ભારતમાં કપાસનું ઉત્પાદન ઘરેલું વપરાશાની જરૂરીયાત લગભગ 325 લાખ ગાંસડી કરતાં થોડું ઓછું રહેશે.
કપાસની બજાર ચાલું વર્ષે ટેકાના ભાવની આસપાસ રહેવાની સંભાવના: કપાસના ભાવ મણનાં રૂ.1460 થી 1600 વચ્ચે રહે તેવી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા કપાસનો સર્વેના આધારે ધારણાં કરી છે…
વિશ્વમાં કપાસનું વાવેતર અને ઉત્પાદન
અમેરિકાના કૃષિ વિભાગના અહેવાલ મુજબ વિશ્વ સ્તરે, કપાસનું વાવેતર ગત વર્ષનાં 313.5 લાખ હેક્ટર કરતા થોડું ઘટીને ચાલું વર્ષે 11.6 લાખ હેક્ટર નોંધાયું છે. વાવેતરનો ઘટાડો માત્ર ભારતમાં જ થયો છે. સને 2024-25માં વૈશ્વિક સ્તરે કપાસનું ઉત્પાદન 1494 લાખ ગાંસડી થવાનો અંદાજ છે, જે ગત વર્ષ (1456 લાખ ગાંસડી) કરતા લગભગ 38 લાખ ગાંસડી વધારે થશે અને વપરાશ ગત વર્ષ કરતા થોડો વધુ (1482 લાખ ગાંસડી) થવાનો અંદાજ છે, જેથી ચાલું વષ વિશ્વ બજારમાં ભાવ જળવાઈ રહેશે.
ભારતમાં કપાસની નિકાસ અને આયાત
સને 2023-24માં ભારતમાંથી કપાસ (રુ)ની નિકાસમાં થોડો વધારો થઈને 33.71 લાખ ગાંસડી થઈ હતી, જે ગત વર્ષે 18.73 લાખ ગાંસડી હતી. જયારે ભારતમાં કપાસની આયાત વષ 2023-24 માં ઘટીને 14.83 લાખ ગાંસડી થઈ હતી, જે વર્ષ 2022-23માં 26.56 લાખ ગાંસડી હતી. આ ઉપરાંત ચાલું વર્ષે એપ્રિલ થી ઓગષ્ટ, 2024 સુધીમાં માત્ર 11 લાખ ગાંસડી કપાસની નિકાસ થયેલ અને 9 લાખ ગાંસડીની આયાત થયેલ છે.
ભારતમાં 2023માં કપાસનો બીન-વપરાશી જથ્થો
ભારતમાં ગત વર્ષનો બીન-વપરાશી જથ્થો લગભગ 40 લાખ ગાંસડી તેમજ વિશ્વ સ્તરે 963 લાખ ગાંસડી હોવાનો અંદાજ છે. ગત વર્ષે ભારતમાંથી કપાસની નિકાસમાં વધારો અને આયાતમાં ઘટાડો થયેલ હતો, જેથી કપાસના ભાવ ઓક્ટોબર 2023માં મણના રૂ.1420 જેટલા હતા,જે આ સ્તરે ફેબ્રુઅરી 2024 સુધી રહેલ અને એપ્રિલ 2024 માં થોડા વધીને મણના રૂ.1520 થયા, અને આગળ આ સ્તરે સ્થિર રહેલ.
ગુજરાતમાં કપાસના બજાર ભાવ અને ટેકના ભાવ
હાલ ગુજરાતની વિવધ બજારોમાં કપાસનો ભાવ મણના રૂ.1500 જેટલા પ્રવર્તમાન છે, જે કાપણી સમયે થોડી વધ-ઘટ સાથે આ સપાટીએ સ્થિર રહેવાની સંભાવના છે. ભારત સરકારશ્રીએ ચાલું વર્ષ 2024-25 માટે કપાસનો ટેકનો ભાવ મણના રૂ.1504.20 (ક્વિન્ટલ દીઠ રુ.7521) નક્કી ક્યા છે, જે ગયા વર્ષે 1404 રૂપિયા હતા.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કપાસનો સર્વે: ખેડૂત માટે સલાહ
ઉપરોક્ત વિગતોને ધ્યાનમાં લઈ, કૃષિ અર્થશાસ્ત્ર વિભાગ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢની સંશોધન ટીમે ગોંડલ અને રાજકોટ માર્કેટિંગ યાર્ડના કપાસના એતિહાસિક માસિક ભાવોનું વિશ્લેષણ કરેલ છે. જેના તારણ મુજબ એવું અનુમાન છે કે, કપાસનો ભાવ નવેમ્બર, 2024 થી જાન્યુઆરી, 2025 દરમ્યાન (કાપણી સમયે) મણના રૂ.1460 થી 1600 (ક્વિન્ટલ દીઠ રુ.7300-8000) રહેવા સંભાવના છે. જેથી ઉપરોક્ત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂતભાઈઓ પોતાની રીતે નિર્ણય કરીને, કપાસનો સંગ્રહ ન કરતા, કાપણી પછી તરત વેચાણ કરવા સુચન છે.
આંતરરાષ્ટ્રીય કપાસ બજાર અને નિકાસની સંભાવના
આ વર્ષે ભારતમાં કપાસનું ઉત્પાદન ઓછું થશે, પરંતુ વિશ્વ સ્તરે અને ખાસ કરીને અમેરિકામાં ઉત્પાદન વધારે થશે. જેથી આંતરરાષ્ટ્રીય સ્તરે કપાસનું બજાર દબાણ હેઠળ રહેશે, તેથી ભારતમાંથી નિકાસ ઓછી થશે. જેથી નજીકના ભવિષ્યમાં તેના ભાવ વધવાની શક્યતા ઓછી છે.